Comments

મોદી સરકારની વિકાસયાત્રાના પંદર મુદ્દા

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સરકારે ગત માસના અંત ભાગમાં પોતાની સાતમી વર્ષગાંઠની નોંધ લીધી પણ મહામારીને કારણે ફેલાયેલી બીમારી અને મૃત્યુને કારણે તેની ઉજવણી નહીં કરી પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાત વર્ષની સિધ્ધિઓનો દસ્તાવેજ તો જાહેર કર્યો. તેને ‘વિકાસયાત્રા’ ગણાવવામાં આવી અને તેમાં પંદર મુદ્દા હતા.

વિકાસયાત્રાનો પહેલો મુદ્દો હતો – ધંધો – વ્યવસાય કરવાની સરળતા. વિશ્વબેંકના હેવાલ મુજબ વ્યવસાય કરવાની સરળતાના મામલે ભારત ૧૪૨ મા ક્રમથી ૬૩ મા ક્રમે આવ્યું. આ ખરેખર શાબાશીને પાત્ર છે. પણ તેનો અર્થ શું થાય?
બે શહેરો એટલે કે મુંબઇ અને દિલ્હીમાં ચોકકસ કદની મર્યાદિત પેઢીઓની તેઓ આ શહેરમાં કેટલી સરળતાથી પરવાનો મેળવી શકયા તેની મોજણી છે. વિકાસયાત્રા દસ્તાવેજમાં ભારત આ સૂચિમાં ઉપલા ક્રમે ચડયું તેનું શું પરિણામ આવ્યું તેનો નિર્દેશ નથી, પણ એવું ધારી લેવામાં આવે છે કે ધંધો – વ્યવસાય સરળતાથી કરી શકાય તો ધંધામાં રોકાણનું પ્રમાણ વધે. પણ ભારતનો મૂડીરોકાણનો દર એકંદરે ઘરેલુ ઉત્પાદનના ૩૮% મોદીના શાસન પહેલાં હતા તે હવે ઘટીને ૨૮% થઇ ગયો.

બીજો મુદ્દો: ‘જીવવાની સરળતા’ છે. વિશ્વ આની માપણી કરે છે તેનો કોઇ આંક નથી અને તેનો અર્થ શું થાય તે સ્પષ્ટ નથી તેથી હું તેને છોડી દઉં છું. ત્રીજો મુદ્દો: ભ્રષ્ટાચાર નાબૂદી છે અને તેમાં કહે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર સામે ઐતિહાસિક યુદ્ધની આગેવાની લીધી છે. હવે પ્રમાણિકતાને આદર અપાય છે અને પારદર્શિતા જ ધોરણ છે. પારદર્શિતાની વૈશ્વિક આંક-ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ્સ ગ્લોબલ કરપ્શન પર્સેપ્શન્સ ઇન્ડેક્ષમાં ભારત ૨૦૧૫ પહેલાં ૭૬ મા ક્રમે હતું તે આ વર્ષે ૮૬ મા ક્રમે આવી ગયું છે. ચોથો મુદ્દો: ‘યુવાઓને અવસરનું સશકિતકરણ અને તેમાં લખ્યું છે કે મોદી સરકારના સાત વર્ષમાં યુવકોને જુદાં જુદાં ક્ષેત્રોમાં અવસર શોધવાનો માર્ગ ખુલ્લો કરવા પર ધ્યાન અપાયું છે. મોદી સરકારે કરેલા છેલ્લામાં છેલ્લા પિરિયોડિક લેબર ફોર્સ સર્વેમાં જણાવાયું છે કે શહેરી ભારતમાં યુવા બેરોજગારીનું પ્રમાણ ૨૩% છે. મતલબ કે દર ચારમાંથી એક નોકરીની શોધ કરે છે પણ મળતી નથી. ભારતમાં આ સૌથી ઊંચો દર છે.

પાંચમો મુદ્દો છે – તમામ માટે આરોગ્ય. તેને માટે આપણે આપણી આસપાસ જે ચાલે છે તે જોવાનું નથી. ભારતની સરકાર વિશ્વમાં ઘણી બધી રીતે અજોડ છે. પહેલું કારણ એ છે કે રસીની કિંમત વિશ્વમાં સૌથી વધુ છે. બીજું કારણ રસીપ્રાપ્તિ માટેનાં ત્રણ સાધનો છે: કેન્દ્ર, રાજય અને ખાનગી કંપનીઓ. ત્રીજું કારણ એ છે કે ભારતે વિશ્વને રસીકરણમાં આપેલી ખાતરીના પાલનમાં કસૂર કર્યો છે. બધા માટે આરોગ્યને સંબંધ છે ત્યાં સુધી હજી થોડા દિવસો પહેલાં જ થોડા કલાકો સુધી જ ચાલે તેવું ઓકિસજન ગેસનું સિલીંડર દિલ્હીમાં નંગ દીઠ રૂા. ૬૦,૦૦૦ ના ભાવે વેચાતું હતું અને ઓકિસજન અને આવશ્યક દવાઓ મેળવવા માટે કોઇ રાષ્ટ્રીય હેલ્પલાઇન નથી.

છઠ્ઠો મુદ્દો ‘વૃદ્ધિ માટે માળખું’ તરીકે ઓળખાવાય છે. ભારતની એકંદર ઘરેલુ ઉત્પાદનવૃધ્ધિ ૨૦૧૮ ના જાન્યુઆરીથી સતત ઘટતી રહી છે એમ સરકારી આંકડા કહે છે. મહામારી પહેલાં તે ૮% ઘટીને ૭% થી ઘટીને ૬% થી ઘટીને ૫% થી ઘટીને ૪% થી ઘટીને ૩% થઇ. ગત વર્ષે ઇતિહાસમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. સાતમો મુદ્દો છે – ‘મધ્યમ વર્ગ માટે ગતિશીલતા: મધ્યમ વર્ગ માટે કોઇ અન્ય સરકારે મોદી સરકાર જેટલું કામ નથી કર્યું. અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના ગયા મહિનાના એક હેવાલમાં જણાવાયું હતું કે મહામારી દરમ્યાન ૨૭ કરોડ ભારતીયો ગરીબીમાં ધકેલાઇ ગયા હતા. મતલબ કે તેઓ ગરીબીની સરકારી રેખા મુજબ ગરીબ નહોતા પણ હવે ગરીબ થઇ ગયા.

વિકાસયાત્રાનો ૮ મો મુદ્દો છે ‘નૂતન ભારત માટે નારીશકિત.’ ભારતમાં શ્રમ ક્ષેત્રે નારીઓની હિસ્સેદારી આજે ૧૦% છે જે ઇતિહાસમાં સૌથી ઓછી છે. ૨૦૧૮ ના થોમ્સન રોઇટરના એક અભ્યાસ મુજબ ભારત સ્ત્રીઓ માટે વિશ્વમાં સૌથી ભયંકર સ્થળ જણાયું હતું. ૨૦૨૦ માં જયોર્જ ટાઉન ઇન્સ્ટીટયુટના શાંતિ અને સુરક્ષા આંકમાં ભારત ૨૦૧૭ થી બે આંક નીચે જઇ. નવમો મુદ્દો છે – સમૃદ્ધ ભારત માટે સમૃદ્ધ કિસાન: ‘મોદી સરકારમાં ખેડૂતોના કલ્યાણને ટોચની અગ્રતા આપવામાં આવી છે.’ દિલ્હીની બહાર દેખાવો કરી રહેલા અને ત્રાસવાદીઓ, ખાલીસ્તાનીઓ અને રાષ્ટ્રવિરોધી ગણાવાયેલા હજારો ખેડૂતો આ વાત સાથે સંમત નહીં થાય. દસમો મુદ્દો છે ‘ભારત સૌથી મોખરે’. અહીં રાષ્ટ્રીય સુરક્ષાની વાત કરવામાં આવી છે. પણ દેસ્પાંગમાં ચોકી પહેરો કરવા બાબતમાં શું પરિસ્થિતિ છે તે આપણને સરકારે કહ્યું નથી, પણ નિષ્ણાતોની વાત માનવામાં આવે તો આપણે ચીનને એ પ્રદેશ આપી દીધો છે.

મુદ્દા નં. ૧૧, ૧૨, ૧૩ અને ૧૪ અનુક્રમે ‘પૂર્વાંચલ પર નવેસરથી ધ્યાન’, સામાજિક સશકિતકરણ, સૌથી ગરીબો સુધી વિકાસનાં ફળ અને ‘પરિવર્તનકારી આર્થિક વૃધ્ધિ’ આ બધા સામાન્ય અને વ્યાપક શબ્દો છે. પણ આપણે સ્વીકારીએ કે તેનું કામ થયું છે.
છેલ્લો મુદ્દો છે: ભારતનો કોરોના સામે જંગ. વિશ્વ આ વિધાન અંગે શું માને છે તે જોવાનું રસપ્રદ થઇ પડશે. કોરોનાનો ચેપ લાગેલાં અને મૃત્યુ પામેલાં લોકોની સાચી સંખ્યાને બદલે ઓછી સંખ્યા સરકારે બતાવી હોવા છતાં ભારતમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા વિશ્વમાં બીજા ક્રમે અને મૃત્યુની સંખ્યા ત્રીજા ક્રમે છે. અંદાજો કહે છે કે દર્દીઓની સંખ્યા અને મૃત્યુની બાબતમાં ભારત સૌથી મોખરે છે અને માત્ર બીજા મોજામાં જ ભારતમાં દસ લાખ મૃત્યુ થયાં છે. તો આ છે ભારતની પરિસ્થિતિ અને આપણે મોદી સરકારના આઠમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top