Sports

માર્ક બાઉચરની મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ તરીકે વરણી

મુંબઇ: દક્ષિણ આફ્રિકાનો માજી વિકેટકીપર બેટર માર્ક બાઉચરને આગામી આઇપીએલ (IPL) સિઝન માટે મુંબઇ ઇન્ડિયન્સના (MI) હેડ કોચ તરીકે નિયુક્ત કરાયો હોવાની જાહેરાત શુક્રવારે આ ફ્રેન્ચાઇઝી દ્વારા કરવામાં આવી હતી. મુંબઈ ઈન્ડિયન્સે શ્રીલંકાના (SriLanka) મહેલા જયવર્દનેને તેમના ગ્લોબલ પર્ફોર્મન્સ હેડ તરીકે બઢતી આપ્યા પછી તેનું સ્થાન માર્ક બાઉચર લેશે.

હાલમાં દક્ષિણ આફ્રિકાની પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બાઉચર આવતા મહિનાથી રમાનારા ટી-20 વર્લ્ડકપ પછી આ પદ છોડી દેશે. માર્ક બાઉચરે કહ્યું હતું કે મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ બનવું એ સન્માન અને વિશેષાધિકારની વાત છે. મુંબઈ ઈન્ડિયન્સના ઈતિહાસ અને સિદ્ધિઓએ તેને રમતના ઈતિહાસમાં સૌથી સફળ ફ્રેન્ચાઈઝી બનાવી છે.

માર્ક બાઉચરને જો કે ટી-20 ફ્રેન્ચાઇઝી સર્કિટમાં કોચિંગનો અનુભવ નથી
માર્ક બાઉચરને T20 ફ્રેન્ચાઇઝ સર્કિટમાં કોચિંગનો વધુ અનુભવ નથી. બાઉચરને 2016 આઇપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સમાં વિકેટકીપિંગ કોચની ભૂમિકા મળી હતી. તે એક ખેલાડી તરીકે નાઈટ રાઈડર્સ સાથે પણ રમી ચૂક્યો છે. જોકે તેની આઈપીએલ કેરિયર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરથી શરૂ થઇ હતી. 2008થી 2011 સુધી ટુર્નામેન્ટ રમ્યા પછી, તેણે દક્ષિણ આફ્રિકાની સ્થાનિક સર્કિટ પર ટાઇટન્સના મુખ્ય કોચ તરીકેની જવાબદારી સંભાળી. બાદમાં તેણે સાઉથ આફ્રિકા મેન્સ ટીમને કોચિંગ આપવાનું શરૂ કર્યું.

પંજાબ કિંગ્સે અનિલ કુંબલેને હટાવી ટ્રેવર બેલિસને મુખ્ય કોચ બનાવ્યા
મોહલી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સે ઇંગ્લેન્ડના વર્લ્ડ ચેમ્પિયન કોચ ટ્રેવર બેલિસને કોચ તરીકે નિયુક્ત કર્યા છે. બેલિસ અનિલ કુંબલેનું સ્થાન લેશે. માજી ભારતીય કેપ્ટન કુંબલેને 2020 આઇપીએલ સીઝન પહેલા પંજાબ કિંગ્સનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો. પરંતુ તે પરિણામ આપી શક્યો ન હતો.

પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઇઝી બોર્ડે ગત મહિને એક બેઠક યોજી હતી જેમાં બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા, ઉદ્યોગપતિ મોહિત બર્મન, નેસ વાડિયા અને કરણ પોલ અને ટીમના સીઇઓ સતીશ મેનન હાજર હતા. ફ્રેન્ચાઇઝી છેલ્લા કેટલાક સમયથી નવા કોચની શોધમાં હતી. બેલિસ વિશ્વ ચેમ્પિયન કોચ છે. 59 વર્ષીય ટ્રેવર બેલિસના કોચિંગ હેઠળ ઈંગ્લેન્ડે 2019માં પ્રથમ વખત વન ડે વર્લ્ડકપ જીત્યો હતો.

Most Popular

To Top