Sports

પીસીબી પાસે પોતાના મુખ્ય બોલર શાહીન આફ્રિદીની સારવાર માટે પૈસા નથી

કરાચી : પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ છે કે તેની પાસે પોતાના મુખ્ય બોલર શાહિન આફ્રિદી સહિતના ખેલાડીઓનીની (Players) સારવાર કરાવવાના પણ પૈસા (Money) નથી. પાકિસ્તાન ટીમના બોલીંગ આક્રમણમાં સ્ટ્રાઇક બોલર તરીકેની ભૂમિકા ભજવનાર શાહીન આફ્રિદી પોતાની ઈજાની સારવારનો ખર્ચ પોતે જાતે ઉઠાવી રહ્યો છે અને આ વાતનો ખુલાસો તેના ભાવિ સસરા અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના માજી કેપ્ટન શાહીદ આફ્રિદીએ કર્યો છે.

  • પાકિસ્તાની ટીમના માજી કેપ્ટન અને શાહીનના ભાવિ સસરા શાહીદ આફ્રિદીએ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ઘટસ્ફોટ કર્યો
  • શાહીન આફ્રદી પોતાના ખર્ચે જ ઇંગ્લેન્ડ જઇને જાતે જ પોતાની સારવાર કરાવી રહ્યો હોવાનો શાહીદ આફ્રિદીનો ખુલાસો

પાકિસ્તાનનો સૌથી સફળ બોલર શાહીન આફ્રિદી ઈજાના કારણે એશિયા કપ 2022માં રમ્યો નહોતો, પણ તે ટીમ સાથે યુએઈ ગયો હતો અને ત્યાંથી તે ઇંગ્લેન્ડ જાતે પોતાના ખર્ચે ગયો છે. શાહીદ આફ્રિદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહી રહ્યો છે કે શાહીને જાતે જ પોતાની સારવાર કરાવવી પડી છે. શાહીન આફ્રિદી પોતાના ખર્ચે ઈંગ્લેન્ડ ગયો હતો. અહીં મેં ડૉક્ટર મેનેજ કર્યા હતા જેમનો તેણે સંપર્ક કર્યો હતો. પીસીબીએ તેની સારવારમાં કંઈ કર્યું નથી.

વસીમ અકરમે પણ શાહીન આફ્રિદી મામલે પીસીબીની ટીકા કરી
પાકિસ્તાની ટીમના માજી કેપ્ટન અને દિગ્ગજ ઝડપી બોલર વસીમ અકરમે પણ શાહીન આફ્રિદી સંબંધે આ માહિતી મળતા તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ટીકા કરી હતી. તેણે કહ્યું હતું કે શાહીન જેવા બોલરની સંભાળ પીસીબીએ જ લેવી જોઇએ, તેને સૌથી સારા સર્જન પાસે લઇ જવો જોઇએ. કોઈ પણ છોકરો, જે દેશ માટે રમી રહ્યો છે અને તમારી ટીમનો મહત્વપૂર્ણ સભ્ય છે, જ્યારે તે ઈજાગ્રસ્ત થાય છે ત્યારે તેની સંભાળ લેવાની જવાબદારી પીસીબીની છે. એવું નથી કે તેને તેની પોતાની શરતો પર છોડી દેવો જોઈએ.

Most Popular

To Top