World

પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એર સ્ટ્રાઈક, તાલીબાને કહ્યું- પાકિસ્તાન યુદ્ધ તરફ ન વધે નહીં તો..

પાકિસ્તાને (Pakistan) અફઘાનિસ્તાન (Afghanistan) પર સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) કરી છે. પાકિસ્તાનના આ હવાઈ હુમલામાં 7 તાલિબાન માર્યા ગયા હોવાના અહેવાલ છે. અફઘાનિસ્તાનમાં ઘૂસ્યા બાદ પાકિસ્તાને બે આતંકવાદી ઠેકાણાઓ પર આ સર્જિકલ સ્ટ્રાઈક (Air Strike) કરી છે. હવાઈ ​​હુમલા દ્વારા કરવામાં આવેલા આ હુમલા દરમિયાન ત્યાં રહેતા કેટલાક નાના બાળકો અને મહિલાઓના મોત થયા હતા. તાલિબાને આ હુમલાની નિંદા કરી અને ચેતવણી આપી કે પાકિસ્તાનની નવી સરકાર યુદ્ધ તરફ ન વધે નહીં તો અમને મહાસત્તા અમેરિકા સાથે પણ લડવાનો અનુભવ છે. અમે કોઈને પણ અમારી સરહદોમાં પ્રવેશવા દેતા નથી.

આ અંગે પાકિસ્તાન સમર્થિત સોશિયલ મીડિયા દ્વારા એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે અફઘાનિસ્તાનમાં રહેતા આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના કમાન્ડર અબ્દુલ્લા શાહ મસૂદના ઘરે પાકિસ્તાન એરફોર્સ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. પાકિસ્તાન દ્વારા બે પ્રાંતોને નિશાન બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ઘૂસીને તહરીક-એ-તાલિબાનના આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ એર સ્ટ્રાઈક પાકિસ્તાનની સરહદે આવેલા ખોસ્ત અને પાક્તિતા પ્રાંતમાં બે અલગ-અલગ સ્થળોએ કરવામાં આવી છે. મીડિયા આઉટલેટ ખુરાસનના રિપોર્ટ અનુસાર પક્તિતામાં સર્જિકલ સ્ટ્રાઈકમાં તાલિબાન કમાન્ડર અબ્દુલ્લા શાહના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા છે. જો કે શાહ માર્યા ગયા છે કે નહીં તેની કોઈ પુષ્ટિ થઈ નથી પરંતુ પાકિસ્તાની સેનાના આ હવાઈ હુમલામાં શાહનું ઘર સંપૂર્ણપણે નાશ પામ્યું છે.

ખુરાસાનના જણાવ્યા અનુસાર આ માર્યા ગયેલા તાલિબાન આતંકવાદીઓ હાફિઝ ગુલબહાદર જૂથના છે જેઓ પાકિસ્તાનના વઝીરિસ્તાનમાં આર્મી કેમ્પ પર હુમલામાં સામેલ હતા. 16 માર્ચની વહેલી સવારે આ તાલિબાની આતંકવાદીઓએ આર્મી બેઝ કેમ્પ પર હુમલો કર્યો હતો અને વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે પોસ્ટને ટક્કર મારી હતી. આ ભયાનક વિસ્ફોટમાં 5 જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ISPRએ જણાવ્યું હતું કે 16 માર્ચની વહેલી સવારે આતંકવાદીઓના એક જૂથે વઝીરિસ્તાનમાં એક પોસ્ટ પર હુમલો કર્યો હતો. સેનાએ હુમલાના પ્રથમ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારબાદ આતંકવાદીઓએ વિસ્ફોટકોથી ભરેલા વાહનને ચોકીમાં ઘુસાડી દીધું હતું જેના કારણે વિસ્ફોટમાં 5 જવાનો શહીદ થયા હતા. આ પછી સેનાએ જવાબી કાર્યવાહી કરીને 6 આતંકીઓને ઠાર કર્યા હતા.

આ ઘટના બાદ આજે સવારે અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડર પર બંને દેશોના સુરક્ષા જવાનો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી કથિત કાર્યવાહીથી અફઘાનિસ્તાન અને તાલિબાનના સુરક્ષાકર્મીઓ ખૂબ નારાજ હતા. માનવામાં આવે છે કે આગામી દિવસોમાં બંને દેશો વચ્ચે હિંસક અથડામણ વધી શકે છે. પાકિસ્તાનના સુરક્ષા દળો પર સાથી આતંકવાદી સંગઠનો દ્વારા વધુ હુમલા કરવામાં આવી શકે છે.

Most Popular

To Top