SURAT

ધો. 10 વિજ્ઞાનના પેપરમાં જ્ઞાનની વધુ કસોટી નહીં થતાં વિદ્યાર્થીઓને પેપર સહેલું લાગ્યું

સુરત: આજે તા. 18 માર્ચને સોમવારના રોજ એસએસસી બોર્ડમાં (SSC Board) વિજ્ઞાનની (Science) પરીક્ષા (Exam) હતી. પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશ થયા હતા. મોટા ભાગના પ્રશ્નો પાઠ્યપુસ્તકમાંથી પુછાયા હતા. સારા માર્કસ આવશે તેવી આશા બંધાઈ છે. પરીક્ષા ખંડમાંથી બહાર નીકળતા વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું.

ધો. 10ની પરીક્ષા ભવિષ્યની દિશા નક્કી કરતી હોય છે. ખાસ કરીને ગણિત અને વિજ્ઞાનની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્ત્વની હોય છે. તેથી જ આ વિષયોની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ટેન્શન પણ વધારે રહેતું હોય છે. સામાન્ય રીતે વિજ્ઞાનનું પેપર અઘરું નીકળતું હોવાની વિદ્યાર્થીઓમાં ભ્રમણા હોય છે, જે આજે ભાંગી ગઈ હતી. પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો.

વિદ્યાર્થીની ખુશી ગજ્જરે કહ્યું કે, ન્યુમેરિકલમાં થોડો ડર હતો. પરંતુ સરળ સવાલો પૂછાતા જવાબો પણ સરળતાથી લખી શક્યા હતા. અન્ય સેક્શનમાં સવાલો સહેલા હતા. એમસીક્યુમાં થોડી તકલીફ પડી હતી, પરંતુ સરેરાશ પાઠ્યપુસ્તકના પ્રશ્નો હોવાથી પેપર સારું ગયું છે. ધારણા કરતા વધુ માર્ક્સ આવે તેવી આશા છે.

દરમિયાન નિષ્ણાતોએ કહ્યું કે, વિજ્ઞાનના પેપરમાં પહેલા ક્વેશ્ચનમાં જ ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો પૂછાયા હતા. અંદાજે 24 માર્કના પૂછાયેલા પ્રશ્નોમાં એક પણ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન ન હતો, તેના કારણે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના કન્ફ્યુઝન વગર જવાબ લખી શક્યા છે. સામાન્ય રીતે વિજ્ઞાનના પેપરમાં કેસ સ્ટડીના પ્રશ્નો પૂછાતા હોય છે, પરંતુ આ વખતે કેસ સ્ટડીના વધુ પ્રશ્ન પૂછાયા ન હતા. પ્રશ્ન નંબર 29,40 અને 52 ખૂબ સરળ હતા. એમાંથી જ વિદ્યાર્થીઓને જવાબ મળી જાય તેવા હતા. મોટાભાગના પ્રશ્નો પાઠ્યપુસ્તકને આધારિત જ હતા. કોઈ ટ્વિસ્ટેડ કરીને પૂછાયાં ન હતા, જેના કારણે વિદ્યાર્થીઓને સરળતા રહી હતી.

આ વખતના પેપરમાં આકૃતિ ઉપર ખૂબ જ ભાર આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાના જવાબમાં આકૃતિ દોરવી ફરજિયાત હતી, જેને કારણે હવે વિદ્યાર્થીઓએ જ્યારે બોર્ડની પરીક્ષાની તૈયારી કરવાની હશે ત્યારે આકૃતિઓને પણ ખાસ પ્રાધાન્ય આપવાનું રહેશે. સમગ્ર પેપરમાં એક પણ સવાલ એવો ન હતો જેનાથી બાળકો કન્ફ્યુઝ થાય. ખૂબ જ સ્પષ્ટતાથી પૂછાયેલા પ્રશ્નો હતા અને વિદ્યાર્થીઓને પણ એ સરળ લાગ્યા હશે.

બીજી કોઈ પ્રશ્ન પેપરની અંદર ભૂલ પણ દેખાતી નથી. મોટાભાગના સબ્જેક્ટિવ પ્રશ્નો સરળ હતા. ટૂંકા પ્રશ્નોમાં 2થી 3 સવાલો એવા હતા કે, જે વિદ્યાર્થીઓને પેપર લખવામાં મૂંઝવી શકે. 1 માર્કનો 1 પ્રશ્ન વિદ્યાર્થીઓને જવાબ લખવામાં મુશ્કેલી ઉભી કરે તેવો છે. સાચા છે કે ખોટા તે લખવાના છે. જેમાં સવાલ છે કે પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે. આ પૂર્ણ યુગ્મ શબ્દ વિદ્યાર્થીઓમાં દ્વિધા ઉભી કરે તેવો છે. જોકે પેપર સરળ હોવાથી હોશિયાર વિદ્યાર્થીઓ 80માંથી 80 માર્કસ લાવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

Most Popular

To Top