Vadodara

મેયર, સ્થાયી અધ્યક્ષ, કોર્પોરેટરો અને અધિકારીઓ સુરત ક્રિકેટ મેચમાં મગ્ન

વડોદરા : શહેર સહિત પાલિકામાં સમાવિષ્ટ શહેરની આસપાસના વિસ્તારોમાં પણ પાણી, રોડ રસ્તા ડ્રેનેજ સહિતની સમસ્યાઓ સર્જાયેલી છે.જેનું નિરાકરણ કરવાને બદલે પાલિકાના મેયર,સ્થાયી અધ્યક્ષ, કોર્પોરેટરો તેમજ અધિકારીઓ મેયર-કમિશ્નર ઈલેવન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા પાંચ દિવસ માટે સુરતના મહેમાન મહેમાન બન્યા છે.ત્યારે નગરજનોમાં ભારોભાર તંત્ર પ્રત્યે ફિટકાર વરસી રહ્યો છે. કોરોનાના કપરાકાળ દરમિયાન છેલ્લા બે વર્ષથી બંધ રહેલ મેયર-કમિશ્નર ઈલેવન ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ વર્ષે સુરત યજમાન પદે યોજાઈ છે.

જેમાં વડોદરાના મેયર કેયુર રોકડીયા,સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ,કોર્પોરેટરો સહિત અધિકારીઓ બુધવારે સુરત ખાતે જવા રવાના થયા છે.જ્યાં પાંચ દિવસ સુધી સમય વિતાવશે.ત્યારે બીજી તરફ શહેરના અલગ અલગ વિસ્તારો સહિત શહેરની આસપાસમાં આવેલ અને હાલમાં જ પાલિકામાં સમાવેશ વિસ્તારોમાં પાણી,રોડ રસ્તા,ડ્રેનેજ સહિતની સમસ્યાઓ છેલ્લા ઘણા સમયથી સર્જાઈ છે.

જેના નિરાકરણ કરવા હેતુસર જે તે વિસ્તારના લોકોએ સ્થાનિક કોર્પોરેટરો,વોર્ડ અધિકારીઓ તેમજ પાલિકાની વડી કચેરીમાં જે તે અધિકારીની સાથે સાથે મેયર અને મ્યુ.કમિશ્નરને પણ રજુઆત કરી છે.મેયર અને કમિશ્નર પોતે જાણે છે કે શહેરમાં કયા કયા વિસ્તારોમાં કઈ કઈ સમસ્યા છે.તેમ છતાં તેને ધ્યાને નહીં લઈ સમસ્યાનું નિરાકરણ નહીં કરી પોતે એક સારા ક્રિકેટર હોવાની વાહવાહી લૂંટવા માટે સુરત ખાતે આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે સુરત પહોંચ્યા છે.જેમની સાથે સ્થાયી અધ્યક્ષ,કોર્પોરેટરો સહિત અધિકારીઓ પણ ગયા છે.હાલ નગરજનોની ફરિયાદ કે રજુઆત સાંભળનાર કોઈ હાજર ન હોવાથી લોકોમાં શાષકો તેમજ વિપક્ષના કોર્પોરેટરો સામે પણ રોષ ફેલાયો છે.

15 દિવસથી પાણી-ડ્રેનેજની લાઈન નાખવા ખાડા ખોદયા બાદ કોઈ આવતું નથી
ચૂંટણી વોર્ડ નંબર 13માં સમાવિષ્ટ પારેકર વકીલની ગલીમાં ડ્રેનેજ અને પાણીની લાઇન નાખવા માટે ખાડા ખોદવામાં આવ્યા છે. છેલ્લા પંદર દિવસથી આ કામગીરી ચાલી રહી છે. કોઈ જોવા પણ નથી આવતું. ચૂંટણી આવશે ત્યારે મીટીંગો કરવા બધા આવી જશે અને ચૂંટણી પછી દેખાશે પણ નહીં. ઘણા સમયથી પાણીની સમસ્યા છે પાણી આવતું નથી તેવામાં આ ખાડા ખોદીને જતા રહ્યા છે.અહીં નાના નાના બાળકો, વૃદ્ધો અવર જવર કરતા હોય છે.કોઈ અકસ્માત થશે તો તેનો જિમ્મેદાર કોણ? – સિનિયર સીટીઝન

વેમાલીની આસપાસની સોસાયટીઓના રહીશો 3 વર્ષથી પાણીથી વંચિત
ચૂંટણી વોર્ડ નંબર 3 ના કોર્પોરેટરોએ 6 મહિના પહેલા આવીને પાણી ડ્રેનેજની સમસ્યા હલ કરવા માટે ખાતરી આપી હતી અને આગામી છ મહિનામાં પાણી મળતું થઇ જશે તેમ જણાવ્યું હતું પરંતુ આ વિસ્તારમાં માત્ર પાણીની લાઇન નાખવામાં આવી છે તે કામગીરી હજી અધૂરી છે અને કોઈને પણ તેમાંથી પાણીના કનેક્શન આપવામાં આવ્યા નથી જેથી સ્થાનિક રહીશોને રોજ બરોજ પીવાના પાણીની ટેન્કર મંગાવવું પડે છે.વેમાલી વિસ્તારમાં આવેલી અંબે રેસીડેન્સી ના રહીશોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે.દર મહિને પાણીની ટેન્કર મંગાવવા પાછળ એકથી દોઢ લાખ રૂપિયાનો ખર્ચ લોકોને ભોગવવો પડે છે.તો બીજી બાજુ કોર્પોરેશન પાણી વેરો વસુલાત કરી લે છે.

ઉભરાતી ડ્રેનેજોની સમસ્યાથી વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત
શહેરના મોગલવાડા કુરેશી મહોલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ની સમસ્યા છે.ઉભરાતી ડ્રેનેજોના દૂષિત પાણી માર્ગ પર ફરી વળ્યાં છે.ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે.આ અંગે અમે સ્થાનિક કોર્પોરેટરોને પણ જાણ કરી હતી.તેમ છતાં આજદિન સુધી કોઈ આવ્યું નથી.અહીં લોકોમાં રોગચાળો ફાટી નીકળે તેવો ભય ફેલાયો છે. 
– જમાલ કુરેશી, સ્થાનિક રહીશ.

Most Popular

To Top