Madhya Gujarat

કડાણામાં નરેગાના કામમાં બાળકોનો ઉપયોગ

સંતરામપુર : કડાણામાં નરેગા યોજના હેઠળ ચાલી રહેલા કામમાં બાળકો પાસે કામ લેવામાં આવી રહ્યાનું બહાર આવતા ચકચાર મચી ગઈ છે. સરકાર દ્વારા બાળમજુરી સંદર્ભે કડક કાયદા ઘડવામાં આવી રહ્યા છે. પરંતુ આ કાયદા ખુદી અધિકારીઓના નાકના નીચે જ અમલ થઇ રહ્યાં નથી. જેના કારણે જાગૃત નાગરિકોમાં ગણગણાટ ઉભો થયો છે. એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, બીજી તરફ બાળકો પાસે લેવાતા કામ બાબતે એસીમાં બેઠેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવા માગણી ઉઠી છે.

કડાણા તાલુકામાં નરેગા યોજના હેઠળ ચાલતી કામગીરીમાં 8 થી 9 વર્ષના બાળકો પાસે 40 ડિગ્રી તાપમાનમાં કામ કરાવવામાં આવતાં આશ્ચર્યજન્મ્યું છે. એક બાજું સરકાર બાળ મજુરી અટકાવવા મસમોટી વાતો કરી રહી છે. બીજી તરફ કાળઝાળ ગરમીમાં નાના બાળકો માથે ભાર લઇ કાળી મજુરી કરાવવામાં આવી રહી છે. કડાણા તાલુકામાં નરેગા યોજના હેઠળ ચાલતા કામોમાં સગીર વયના કુમળા બાળકો પાસે મનરેગાના કામોમાં મજુરી કરાવવામાં આવતું હોવાનું ચિત્ર સામે આવ્યું છે. શરમજનક વાત એ છે, આ ગંભીર બાબત ખુદ કડાણા મનરેગા શાખાના આસીસ્ટન્ટ મેનેજરની હાજરીમાં નાના બાળકો 45 ડિગ્રી તાપમાનમાં માથે તગારા લઈ મજુરી કરતા હોય ત્યારે બાળ મજુરીના દુષણને નાથવા માટેના સરકારના પ્રયત્નો સરકારી અધિકારીઓ નિષ્ફળ કરી રહ્યાહોવાનું અહીંયા જણાઈ રહ્યાં છે.

હાલ મહિસાગર જીલ્લામાં જળ સંચય માટે નરેગા યોજના અંતર્ગત ચેકડેમ, કુવા તેમજ તળાવો ઊંડા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક રોજગારી મળી રહે તેવા ઉમદા આશયે નરેગા યોજના હેઠળ કરોડો રૂપિયા ખર્ચીને સરકાર દ્વારા લોકોને ઘર આંગણે રોજગારી પુરી પાડવામાં આવી રહી છે. 11મી મે બુધવારના રોજ કડાણા તાલુકાના વેલણવાડા ખાતે આવેલું તળાવ ઊંડું કરવાની કામગીરી ચાલી રહી હતી, જેમા આસીસ્ટન્ટ વર્ક મેનેજર એસ.ટી.પંચાલ આ કામનું દેખરેખ કરી રહ્યાં હતાં. આ સમયે સગીર વયના બાળકો પેનને બદલે કાળઝાળ ગરમીમાં પાવડા, ત્રિકમ પકડી માથે તગારા ચઢાવી તળાવની પાળ બાંધી રહ્યા હોવાનું જોવા મળતું  હતું. આવી કાળઝાળ ગરમીમાં નાના બાળકો માથે ભાર લઇ કાળી મજુરી કરી રહ્યા છે ત્યારે સરકારી કર્મચારીની હાજરીમાં બાળકો માથે ભાર લઇ બાળ મજુરી કરી રહ્યા છે. સરકારી કર્મચારીઓ પોતે ઉભા રહી બાળ મજુરીના દૂષણને વેગ આપવા નાના બાળકો પાસે કાળી મજુરી કરાવી રહ્યા છે.

Most Popular

To Top