Comments

માસ પ્રમોશન અને ઓનલાઇન પરિક્ષાની ખરી જરૂર અત્યારે જ છે!

કોરોના સંક્રમણ ફરી ફેલાઇ રહ્યું છે. આશ્વાસન એટલું છે કે મૃત્યુદર ઘટી જવા પામ્યો છે. ગયા એપ્રિલથી બંધ થયેલ વર્ગખંડ શિક્ષણ જાન્યુઆરીમાં થોડું થોડું શરૂ થયું પણ ત્યાં તો હાલ ફરી બંધ કરવાના દિવસો આવ્યા. આપણી શિક્ષણ વ્યવસ્થાના તમામ નિર્ણયો સરકાર લેતી હોવાથી શિક્ષણક્ષેત્ર માટે સાચા – ખોટા કે અધૂરા નિર્ણયો માટે સરકાર જ જવાબદાર બને! વળી વાલીઓ સરકારને સત્તાવાર રજૂઆત પણ કરતા નથી અને સૂચનો પણ કરતા નથી.


અત્યારે સરકારે રાજયના આઠ મહાનગરોમાં શાળા શિક્ષણ, ટયૂશન કલાસ અને પરિક્ષાઓ મોકુફ રાખી દીધુ છે. પણ નગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓ ચાલુ પણ છે અને ધોરણ ૯ થી ૧૧ ની શાળાકીય પરિક્ષાઓ પણ ચાલુ છે. કોરોના ટેસ્ટીંગ બાબતે એક પરિસ્થિતિ એ છે કે આપણે શહેરોમાં જ મોટાપાયે ટેસ્ટીંગ કરીએ છીએ. એટલે સ્વાભાવિક રીતે જ ગામડા અને નગર વિસ્તારમાં ટેસ્ટ ઓછા થાય પરિણામે કેસ ઓછા આવે અને કેસ ઓછા છે માટે શાળા કોલેજ ચાલુ રાખો તે તર્ક વૈજ્ઞાનિક નથી. વળી આપણું સામાજીક આર્થિક જીવન શહેરો આધારિત છે. ગ્રામ્ય અને નગર વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મહાનગરોમાં જાય છે. એટલે મહાનગરોમાં ફેલાયેલો કોરોના ગામડાઓમાં પહોંચતા વાર ન લાગે.

આ સંજોગોમાં નગર અને ગામડાની શાળામાં પણ જોખમ વધવાની શકયતા છે. અને ગ્રામ્ય વિસ્તારની શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થવાના સમાચાર પણ છે. એક વાત આપણાં શિક્ષણ જગતના તજજ્ઞો અને સત્તાવાળાઓએ શાંતિથી વિચારવા જેવી એ છે કે ગયા વર્ષે માર્ચના અંતિમ સપ્તાહમાં લોકડાઉન શરૂ થયું હતું. માર્ચ – એપ્રિલ- મે એ ભારતભરમાં શિક્ષણક્ષેત્રે વાર્ષિક પરિક્ષાના મહિના છે. હવે આ મહિનાઓમાં જ સંક્રમણ વધ્યુ અને લોકડાઉન થયું માટે વિદ્યાર્થીઓની પરિક્ષાના પ્રશ્નો ઊભા થયા. તેથી તમામ રાજયોની સરકારોએ શાળાકક્ષાએ પરિક્ષાઓ રદ કરી માસ પ્રમોશન આવ્યુ અને ફાયનલ ઇયરની પરિક્ષાઓ ઓનલાઇન યોજી.

હવે સમજવાની વાત એ છે કે ગયા વર્ષે શિક્ષણ તો આખુ વર્ષ ચાલ્યુ જ હતું. બાળકો શાળા કોલેજમાં માર્ચ મહિના સુધી ગયા જ હતા. ધોરણ – દસમા – બારમાની પરિક્ષાઓ માર્ચમાં પુરી પણ થઇ ગઇ હતી. માત્ર કોલેજોમાં છેલ્લા વર્ષની પરિક્ષાઓ બાકી હતી જે પછીથી ઓનલાઇન યોજવામાં આવી! હવે આ વરસે તો બાળક પહેલેથી જ શાળામાં ગયું નથી. જે કોઇ ભણ્યું તે ઓનલાઇન ભણ્યું છે. મોટાવર્ગમાં અને કોલેજોમાં છોકરા જાન્યુઆરીથી ભણતા થયા અને આ સંક્રમણ વધ્યું છે.

આવનારા સમયમાં આ જ સ્થિતિ રહેશે કે ઝડપથી સુધરશે તેની ખબર નથી. માટે શિક્ષણવિભાગ તથા શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞોએ અત્યારથી જ વિચારી લેવું જેાઇએ કે પરિક્ષાઓ કેવી રીતે યોજવી. સાચી વાત વિચારો તો શાળા કક્ષાએ દસમા – બારમાં તથા કોલેજમાં છેલ્લા વર્ષની પરિક્ષાઓ જ યોજવી જોઇએ. ધોરણ આઠ સુધી માસ પ્રમોશન, નવમા અગીયારમાં તથા કોલેજના પ્રથમ – બીજા વર્ષના સેમેસ્ટરની પરિક્ષા ઓનલાઇન યોજવાનું સાર્વત્રિક રીતે નકકી કરી લેવું જોઇએ.

આપણે આ કોલમમાં અગાઉ પણ સુચન કરી ચૂકયા છીએ કે આ વરસ બગડયુ છે તે સુધરવાનું નથી. માત્ર કાગળ ઉપર દિવસો લંબાવવાથી શિક્ષણની મૂળભૂત ગુણવત્તા બદલાવાની નથી. એના કરતા ડાહપણ એમાં જ છે કે આ વર્ષ મે મહિનામાં પુરુ કરી જૂન – જુલાઇથી નવું શૈક્ષણિક સત્ર રાબેતા – મુજબ ચાલુ કરવું! વળી આપણે કોરોના સંક્રમણ રહેવાનું છે. એમ માની ને જ આવનારા વર્ષનું આયોજન કરવું જરૂરી છે. આ માટે ઓફલાઇન અને ઓનલાઇન બન્ને શિક્ષણ વ્યવસ્થાનો ઉપયોગ કરીને શકય એટલી સાવચેતી સાથે બાળકોના શિક્ષણની વ્યવસ્થા ગોઠવવી જોઇએ.

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top