રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડિરેક્ટર મધુર ભંડારકરની આગામી ફિલ્મનું નામ ફરી એકવાર બદલવામાં આવ્યું છે. પહેલા આ ફિલ્મનું નામ ‘ધ વાઈવ્ઝ’ રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે તેનું સત્તાવાર ટાઇટલ ફરી ‘ધ વાઈવ્ઝ ઓફ બોલિવુડ’ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં સોનાલી કુલકર્ણી, મૌની રોય અને રેજીના કાસાન્ડ્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. મધુર ભંડારકરે જણાવ્યું કે ફિલ્મના ટાઇટલને લઈને લોકોમાં સતત ગુંચવણ સર્જાઈ રહી હતી. જ્યારે તેઓ લોકોને કહેતા કે તેઓ ‘ધ વાઈવ્ઝ’ નામની ફિલ્મ બનાવી રહ્યા છે, ત્યારે ઘણા લોકોને લાગતું કે ફિલ્મનું નામ ‘ધ વાઈફ’ છે કે ‘ધ વાઈવ્ઝ’. કેટલાક લોકો તો એ પણ પૂછતા કે ફિલ્મમાં કયા પ્રકારની પત્નીઓની વાત કરવામાં આવી છે. શું આ ફિલ્મ રાજકારણીઓની પત્નીઓ પર આધારિત છે કે પછી કોર્પોરેટ જગતની મહિલાઓની કહાની છે? આ સતત સર્જાતી ગેરસમજને ધ્યાનમાં રાખીને મધુર ભંડારકર અને ફિલ્મના નિર્માતાઓએ ફરી વિચાર કર્યો અને ફિલ્મને તેનું મૂળ નામ ‘ધ વાઈવ્ઝ ઓફ બોલિવુડ’ આપવાનો નિર્ણય લીધો. તેમના જણાવ્યા પ્રમાણે આ નામ ફિલ્મના વિષયને વધુ સારી રીતે રજૂ કરે છે અને દર્શકોમાં કોઈ ગેરસમજ પણ ઉભી નહીં થાય.
ફિલ્મના કામ વિશે વાત કરતાં મધુર ભંડારકરે જણાવ્યું કે ફિલ્મનું એડિટિંગ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે. હાલમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX) પર કામ ચાલી રહ્યું છે. પોસ્ટ પ્રોડક્શનનું કામ અંતિમ તબક્કામાં છે. તેમણે વધુમાં જણાવ્યું કે હાલમાં તેમનો મુખ્ય ફોકસ ફિલ્મની સેન્સર કોપી તૈયાર કરવાનો છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફિલ્મની રિલીઝ સંબંધિત આગળની જાહેરાત કરવામાં આવશે. આ ફિલ્મ મધુર ભંડારકરની કારકિર્દીની 16મી ફિલ્મ છે. મધુર ભંડારકર વાસ્તવિક અને સમાજના અલગ-અલગ પાસાઓને ઉજાગર કરતી ફિલ્મો માટે જાણીતા છે. તેમની અગાઉની ઘણી ફિલ્મોને દર્શકો અને વિવેચકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ‘ધ વાઈવ્ઝ ઓફ બોલિવુડ’ દ્વારા પણ તેઓ બોલિવુડની ચમકધમક પાછળ છુપાયેલા જીવનના કેટલાક અજાણ્યા પાસાઓ દર્શાવવાનો પ્રયાસ કરશે. ફિલ્મમાં સોનાલી કુલકર્ણી, મૌની રોય અને રેજીના કાસાન્ડ્રાની ભૂમિકાઓને લઈને પણ ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.