Columns

એક વાર્તા સમજવા જેવી

પ્રકૃતિ રૂઠી હતી, ચારે બાજુ દુકાળ પડ્યો હતો. પાણીનું નામ નિશાન ન હતું. ગામ છોડીને લોકો જવા લાગ્યાં હતાં… ઢોર ઢાંખર પાછળ રહી ગયાં હતાં… પંખીઓ ઊડી ગયાં હતાં… જમીન ઉજ્જડ થઈ ગઈ હતી. ઘાસનું એક તણખલું પણ ન હતું…  ઢોર બિચારાં ચારા વગર ભૂખા ભરી રહ્યાં હતાં અને ધીમે ધીમે ચારાની શોધમાં તડ પડેલી જમીનવાળાં ઉજ્જડ મેદાનોનાં મેદાનો પર ચાલીને ઢોરઢાંખર ચારે બાજુ ઘાસને ગોતી રહ્યાં હતાં પણ ઘાસનું તણખલું પણ જોવા મળતું ન હતું.

દિવસોથી ભૂખ્યાં ઢોરનાં હાડકાં દેખાવા લાગ્યાં, જાણે હાડપિંજર બનીને ઢોરઢાંખર જીવી રહ્યાં હતાં. એક ભૂખ્યું વાછરડું ખોરાકની શોધમાં એક એક ઘાસના તણખલાને શોધતું શોધતું આગળ ને આગળ ચાલી રહ્યું હતું અને પોતાના ધણથી છૂટું પડી ગયું હતું. દૂર એક ઝાડ દેખાયું તો આજુબાજુ કંઈક ઘાસ પણ હશે એમ વિચારતું વાછરડું કંઈક ખાવા મળશે તેની આશામાંથી તાકાત મેળવીને તે ઘાસની શોધમાં તે ઝાડની દિશામાં ચાલવા લાગ્યું. ત્યાં પહોંચ્યું પણ જમીન સૂકી ભઠ્ઠ હતી. ઘાસનું નામનિશાન ન હતું. 

વાછરડું જમીનમાં ચારે બાજુ પોતાનું મોં નાખીને કે ક્યાંક એક તણખલું મળી જાય એવી આશાથી શોધ કરી રહ્યું હતું.ઝાડની ઉપર એક વાંદરો બેઠો હતો અને ઝાડનાં ફળ તોડી તોડીને ખાતો હતો. વાંદરાએ વાછરડાની આ શોધને જોઈ… મૂક પ્રાણી બીજા મૂક પ્રાણીની તકલીફ તરત સમજી ગયો. પોતાના હાથમાં જે ફળ હતું તેમાંથી એક ટુકડો નીચે ફેંક્યો પણ વાછરડાંનું તે તરફ ધ્યાન ન ગયું.  વાંદરાએ ચિચિયારી પાડી અવાજ કરી ઝાડ પર ઝૂલીને ઝાડની એક ડાળને નીચે તરફ ખેંચી વાછરડાનું ધ્યાન ગયું… વાછરડાએ મોઢું ઉપર તરફ કર્યું પણ તેનું મુખ પાંદડા સુધી પહોંચ્યું નહીં એટલે વળી પાછું તે જમીન પર ઘાસ ગોતવા લાગ્યું.

એક નાનકડા વાંદરાની આ મહેનત જોઈને બીજા બે વાંદરા દોડી આવ્યા… બે પંખી પણ આવ્યાં અને બધા એક જ ડાળ પર બેસીને અને ઝૂલીને તે ડાળને નીચી કરવાની કોશિશ કરવા લાગ્યાં અને ડાળ નીચે આવી… વાછરડું તેનાં પાંદડાં તોડીને ખાવા લાગ્યું.  બધાએ મળીને વાછરડાની ભૂખને શાંત કરવા માટે મદદ કરી. આ નાનકડી વાર્તા ઊંડી અને સાચી સમજવા જેવી અને યાદ રાખવા જેવો પાઠ શીખવે છે કે જ્યારે કોઈ તકલીફમાં હોય ત્યારે જો બધા સાથ આપીને થોડી મદદ કરે ને તો તેની તકલીફ દૂર થઈ શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top