એક ખૂબ જ પ્રખ્યાત ફોટોગ્રાફર હતો, પરંતુ ધીમે ધીમે તેને કામ મળવાનું ઓછું થયું. નવા ઘણા ફોટોગ્રાફર આવી ગયા એટલે જાણે જૂનાની જરૂરત ન રહી. ધીરે ધીરે તેમની ખ્યાતિ પણ ઓછી થવા લાગી. પ્રખ્યાત ફોટોગ્રાફરના હાથમાંથી ત્રણથી ચાર મોટા પ્રોજેક્ટ ચાલ્યા ગયા.ફોટોગ્રાફર અત્યંત ગુસ્સે થઈ પોતાના ઘરે આવ્યો. તેનો અહમ્ ઘવાયો હતો. ઘરમાં આવીને પોતાના રૂમમાં તેણે તોડફોડ કરી, પછી કલાકો સુધી અંધારામાં રૂમમાં એકલો બેસી રહ્યો. ઘણો સમય થયો. ફોટોગ્રાફરની પત્નીએ તેના ગુસ્સાને શાંત કરવાનો પ્રયત્ન કર્યો પણ તે શાંત ન થયો.
ફોટોગ્રાફરના વૃદ્ધ પિતા પોતાના હાથમાં તેમના જમાનાનો જૂનો કેમેરા લઈને આવ્યા અને દીકરા પાસે મૂક્યો. આંખોથી જ શાંત થવા સમજાવ્યું અને પાણી મંગાવીને પીવડાવ્યું, પછી પિતા બોલ્યા, ‘‘ દીકરા, આ ફોટોગ્રાફીની કળા તને કોણે શીખવી છે?’’ ફોટોગ્રાફરે કહ્યું, ‘‘ પિતાજી તમે જ શીખવી છે પણ મને માફ કરજો. હવે મને પહેલાં જેવું કામ મળી નથી રહ્યું.’’ પિતાજી બોલ્યા, ‘‘તેં પહેલો ફોટો આ કેમેરાથી પાડ્યો હતો?’’ ફોટોગ્રાફરે કહ્યું, ‘હા.’ પિતાજીએ કહ્યું, ‘‘ મેં તને ફોટો પાડતાં શીખવ્યું હતું?’’ ફોટોગ્રાફરે કહ્યું, ‘હા’ એટલે પિતાજી બોલ્યા, ‘‘તો પછી તારી ભૂલ નથી. મારી જ ભૂલ છે કે મેં તને ફોટોગ્રાફીના મૂળભૂત સિદ્ધાંત બરાબર નથી સમજાવ્યા.’’ ફોટોગ્રાફર બોલ્યો, ‘‘ના ના, બાપુજી તમે તો બધું જ શીખવ્યું હતું. હું પણ કશું જ ભૂલ્યો નથી. આ તો મારું નસીબ જ એવું છે કે હવે મને કામ મળતું નથી. મને માફ કરજો.’’ પિતાજી બોલ્યા, ‘‘તો પછી મને જણાવ કે સૌથી સારી ખૂબસૂરત તસવીર બનાવવા તારા આજના આધુનિક નહીં પણ મારા જુના કેમેરામાં શેની જરૂર પડે?’’
ફોટોગ્રાફરે કહ્યું, ‘નેગેટિવની…’ પિતાજીએ બીજો પ્રશ્ન પૂછ્યો, ‘‘સારું પરિણામ મેળવવા અને નેગેટીવમાંથી સુંદર તસવીર ડેવલપ કરવા શું જરૂરી હતું?’’ ફોટોગ્રાફરે કહ્યું, ‘‘અંધકાર હોય તેવો રૂમ ખાસ જરૂરી હતો.’’ પિતાજીએ કહ્યું, ‘‘બરાબર વાત છે. તો હવે તું મારી વાતને સમજ. ભલે, હવે આ કેમેરા વપરાશમાં આવતો નથી અને નવા આધુનિક કેમેરા આવી ગયા છે પણ ઈશ્વર એક ફોટોગ્રાફર છે અને તે આપણા બધાના જીવનની તસવીરને બનાવે છે એટલે સમજ કે જ્યારે જીવનમાં પડકાર, પીડા, હાર, અવરોધોનો અંધકાર આવે ત્યારે સમજી જવું કે ઈશ્વર ભવિષ્યની સુંદર તસવીર નિર્માણ કરી રહ્યો છે.
જીવનમાં બનતી નકારાત્મકતા એ કોઈ સારી તસવીર પાછળની નેગેટિવ છે. દુઃખ, હતાશા, નિરાશાના અંધકાર પછી સુખ, પ્રગતિ, ખુશીનો પ્રકાશ ફેલાય છે. તું તારું કામ નિષ્ઠાથી કર. ઈશ્વરને તારા જીવનની તસવીર નિર્માણ કરવા દે. એ ફોટોગ્રાફરે કંઈક વધુ સુંદર, કંઈક વધુ સારું વિચાર્યું હશે.’’ પિતા પાસેથી સાચી સમજણ મેળવી ફોટોગ્રાફર બમણા ઉત્સાહ સાથે પોતાનું કામ કરવા લાગ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.