Business

પગ, માય ફૂટ !.. પગ જો ચાલે-દોડે તો ટુ વ્હીલર, ઊભા રહે તો ધડના પરફેક્ટ પીલર!

  • ‘‘ડૉકટર સાહેબ, આ મારો જમણો પગ દુખે છે. જયેશભાઇએ ક્લિનિકમાં જરા લંગડાતા આવીને કીધું.’’
  • ‘‘એ તો જરા વાના હિસાબે દુખે છે’’. ડોકટરે તેમના પગ અને સાંધા તપાસીને કીધું.

“પણ સાહેબ આ વા કેવી રીતે થયો?’’ જયેશભાઇએ જિજ્ઞાસા બતાવી. ‘‘જુઓ જયેશભાઇ, વાનું તો એવું છે કે ઉંમર વધે તેમ વા આવે’’ ડૉકટરે પણ તેમનું વાનું લિમિટેડ જ્ઞાન બતાવ્યું. ‘‘પણ સાહેબ, જમણો જ કેમ? મારા બંને પગ આમ તો સરખી ઉંમરના છે’’. દર્દીએ સીધું લોજીક દોડાવ્યું. ‘‘હા, એ તો બરાબર પણ તમે જમોડી ખરા ને એટલે જમણો પગ વહેલો પકડાયો હશે’’. વકીલ થતાં થતાં ડૉકટર થયેલા એટલે તેમણે જયેશભાઇના કુતૂહલનો ચીલાચાલુ ખુલાસો કર્યો. ‘‘પણ ડાકટરસાહેબ, ખાવામાં કે બીજા રૂટિન કામ કરવામાં જમણો હાથ ડાબા હાથ કરતાં વધુ વપરાય તે વ્યાજબી છે પણ ચાલવામાં તો બંને પગ સરખા જ ચલાય છે.

જમણો પગ કદાચ પહેલો ઉપડે તો ડાબો પગ છેલ્લો ઊભો રહે છે એટલે હલનચલન અને પ્રચલનમાં પગ સરખા જ વપરાય છે’’. જયેશભાઇ હજુ એકપગા વાથી કન્ફયુઝ હતા. ‘‘ચાલો જવા દો, તમારે કારણનું શું કામ છે? તમને તો મટવા સાથે જ કામ છે ને? આ ગોળીઓ લખી આપું છું. દસેક દિવસ લેજો અને થોડી કસરત કરજો’’. ડાકટર પોતે વધુ કન્ફયુઝ થાય તે પહેલાં તેમનો પ્રિસ્ક્રિપ્શનનો વીટો વાપર્યો. ‘‘સાહેબ કસરત બંને પગે કરવાની કે જમણા પગે જ?’’ જયેશબાઈ ડૉકટરની પૂરી ફી વસૂલ કરવાના મુડમાં હતા. ‘‘તમે એક પગે ચાલો છો કે બંને પગે?” સત્તાવાહી અવાજમાં ડાકટરે સવાલની ભાષામાં જ જવાબ આપ્યો. હવે જીભ વધુ લંગડાવવા કરતાં જમણો પગ લંગડાવીને જયેશભાઈ લંગડાતા લંગડાતા બહાર ગયા.

પ્રાણીઓ અને જીવજંતુઓને બેથી વધારે પગ હોય છે. મોટાભાગનાં પ્રાણીઓ તેનો ઊભા રહેવા કે ચાલવા-દોડવા માટે ઉપયોગ કરે છે. ગધેડો તેમાં અપવાદ છે. તે મોટાભાગે તો પાછલા કોઇ પણ પગથી અચાનક લાતમલાત કરી શકે છે. ડાર્વિનના જણાવ્યા મુજબ માણસને વારસામાં ભલે ટોટલ બોડી વાંદરા તરફથી મળ્યું હશે પણ પગના કેટલાક છૂટક ગુણધર્મોનો વારસો તો ગર્દભના સંદર્ભમાં જ સાચો લાગે છે. પક્ષીઓને બે પગ હોય છે પણ તે માત્ર ઊભા રહેવા જ અથવા તો નજીકમાં ઠેકડા મારી થોડું ચાલવા પૂરતા જ કામમાં આવે છે. દૂર દૂર (દોડવા) કે ઊડવા માટે તેમને બે પાંખો હોય છે. એક વાર કીડી-મંકોડાની ટીમ અને અળસિયા-ઇયળોની ટીમ વચ્ચે ફૂટબોલની મેચ ગોઠવાયેલી. પહેલા હાફ વખતે કીડી-મંકોડાની ટીમે પચીસ ગોલ ફટકારી દીધા. સેકન્ડ હાફમાં અળસિયા-ઇયળની ટીમે સારી રમત બતાવી એક પણ વધુ ગોલ થવા ના દીધો. છતાં તેઓ 25-0 થી મેચ હારી ગયા.

મેચ પતી એટલે કોમેન્ટ્રેટર મચ્છરભાઇએ રાઇવલ કેપ્ટનોના ઇન્ટરવ્યૂ લીધા. કીડીમંકોડાની ટીમના કેપ્ટન વંદાભાઈ તો જેવો કપ હાથમાં આવ્યો કે લઇને ઇન્ટરવ્યૂ પણ આપવા ઊભા રહયા વગર ખાળમાં જઇને ભરાઇ ગયા. હારેલી અળસિયા-ઇયળની ટીમના કેપ્ટન ગોકળગાયને પૂછવામાં આવ્યું કે તમે સેકન્ડ હાફમાં આટલું સરસ રમ્યા તો પછી પહેલા હાફમાં કેમ હાંફી ગયેલા? ગોકળગાયે એકદમ ધીમા અવાજે કીધું, ‘‘બસ આ પાપી પગના હિસાબે જ તો. અમારા બધા પ્લેયરો આમ તો બહુપગી એટલે સવારથી જ બૂટ પહેરવા માંડેલા એટલે ટાઇમસર સ-જોડે મેચમાં હાજર થયેલા પણ અમારો ગોલકિપર કાનખજૂરો બપોરની ફલાઇટમાં જ આવેલો એટલે તેને શૂઝ પહેરવામાં આખો પહેલો હાફ નીકળી ગયો.

ફૂટબોલ આમ તો પગની રમત છે અને અમે બહુપગા હોવાથી અમારા જીતવાના ચાન્સ પણ બહુ હતા છતાં આ પાપી પગના લીધે જ અમે છ-પગા અને આઠ-પગા કીટકોથી હારી ગયેલા. જોક હતી. સારી જોક હતી એમ? હા, સમજણ પડે એવી બધી બાળજોક સારી જ હોય છે. તાજો જ જન્મેલો સમય હોય કે પછી કોઇ પણ નવજાત શિશુ, જન્મતાંની સાથે જ તે હાલી નીકળતાં નથી. બરાબર છ થી બાર મહિને તે પગભર થાય છે. નવજાત શિશુ તો ત્રણ મહિના સુધી ઊંધા પડેલા વંદાની જેમ મુડ આવે ત્યારે હવામાં હાથપગ ઉછાળતો હોય છે. છ મહિને તે નાના પોમેરિયનની જેમ ઘૂંટણભેર ભાખોડિયાં ભરતો થઇ જાય છે. લગભગ એક વર્ષનો થાય એટલે સમય ભાઇ પહેલાં ચાલતા અને પછી પડતાઆખડતા દોડતા થઇ જાય છે. શરૂ શરૂમાં તો તેમના ઘરે નજીકના કે દૂરના જે સગાંવ્હાલાંઓ અડફેટે ચઢયા તેમને બોલાવીને તેના આવા ચાલણ શો રખાય છે.

પાંચ વર્ષથી છેક વીસ- પચીસ વર્ષ સુધી તો આ સમયભાઈ મોટા થઇને સ્કૂલમાં સાઇકલનાં પેડલ અને કોલેજમાં સ્કૂટર કે મોટરસાઇકલની કીકો બરાબરની મારતા થઇ જાય છે. એમાંય જો સમયને કોઇ સૌમ્યા મળી ગઈ પછી તો પૂછવું જ શું? હાઇવેના ઢાબા અને મલ્ટીપ્લેકસ થિયેટરના આંટા મારવા ચાલુ કરેલા પગ છેક જાન લઇને સૌમ્યાના માંડવે જઇને અટકે છે. જાતે પરણીને છેક છોકરા પરણાવવાના થાય ત્યાં સુધી ઘરગૃહસ્થીમાં તેના ટાંટિયા એવા ઘસાઇ જાય છે કે છેક સાઇઠ વર્ષે લાકડી ભેગો થઇ એક ત્રીજા પગની મદદ લેતો થઇ જાય છે.

આદમ અને ઈવે કદાચ સફરજન ખાધા પછી તેમના પગો પાસે થોડો ઓવરટાઈમ કરાવ્યો હશે. જેવું સફરજન ઝાડના લેવલેથી તૂટી તેમના બ્લડના લેવલે સેટ થયું હશે કે તરત તેમનાં અરમાનોની સ્પ્રીંટ તેમની આંખોમાં દેખાવા માંડી હશે. આમેય બે જણા કામ વગરના હતા અને તેમને ‘કામ’ મળ્યું. એકબીજાના ‘કામ’ તમામ કરવા તેમણે જંગલનાં ઝાડોની આગળપાછળ પકડદાવથી શરૂ કરીને જકડદાવની રમત તેમના પગોની મદદથી જ ઓવરટાઇમમાં રમી હશે. પછી તો વારસામાં પગના ઘણા ગુણો ખીલતા ગયા.

ખિસકોલીની જેમ ઝાડ ઉપર ચડવું, દીપડાની જેમ લાંબી છલાંગ મારવી, વાંદરાની જેમ ઊંચો કૂદકો મારવો, માછલીની જેમ પાણીમાં તરવા કીકીંગ કરવામાં, મોરની જેમ નાચવા કે બગલાની જેમ લંગડા (પોતાના સ્વાર્થે) ઊભા રહેવા જેવાં સારાં કામો સ્વયંભૂ થવા લાગ્યાં. લંગડી, દોડ, ત્રીપગી રેસ, ફૂટબોલ, સ્કીઇંગ કે સ્કેટીંગ જેવી કેટલીક મનોરંજક અને સ્પર્ધાત્મક રમતો માટે પગને કેળવવા પડયા. સાઈકલ, સ્કૂટર કે મોટર તો ઠીક પણ ટ્રેન કે વિમાન ચલાવવામાં પણ કયારેક એક એક પગને જુદા જુદા કામ સોંપવા પડે છે. આ સામે પગનાં કેટલાંક અળવીતરાં કામો પણ ‘એકે એક ફ્રી’ની સ્કીમની જેમ લટકામાં મળ્યા, જેવા કે કારણ વગર રસ્તે સૂતેલા કૂતરાને કે ડબલાને ઠોકર મારવી, જીભાજોડીથી સંતોષ ના થાય એટલે સામેવાળા ઉપર કરાટે કીક અને ગધ્ધાલાતના પ્રયોગો કરવા.

પગમાં અને પીલરમાં મુખ્ય તફાવત સાંધાનો છે. ફલેટના પીલર ગમે તેટલા મજબૂત હોય તેને પલાઠી વાળીને કે ઘૂંટણીયે પડીને તેના માળ ઊંચાનીચા કરી શકાતા નથી. ધરતીકંપમાં જરાક જ અખતરો થયો તેમાં તો કેટલાય ઉભેલા ફલેટ જમીનસરસા ફલેટ થઇ ગયા. તેમના માલિકો સ્વમાંથી સ્વર્ગસ્થ થઈ ગયા, જે લોકો બહાર દોડવામાં લેટ પડયા તેમના નામ આગળ લેટ (સ્વ.) લખાવા માંડ્યું. પગની શકિત જ તેના સાંધામાં હોય છે. સાંધાઓની મદદથી જ તે બેસીઊઠી શકે છે. ચાલી, દોડી શકે છે. વળી કૂદી શકે છે. જન્મથી મરણ સુધીનો શરીરનો ભાર ખમી શકે છે. આમ જુઓ તો પગમાં મૂળ ત્રણ સાંધા. કમરે જોડાયેલો સૌથી મોટો અને મલ્ટીપર્પઝ સાંધો એટલે થાપો.

સૌથી મોટો હોવા છતાં થાપાને ભાગે આખા શરીરનું તો નહીં પણ આખા પગનું વજન ખમવું પડે છે. પગને કરાટેકીકથી માંડી ગર્દભટ્રીક સુધીની લગભગ 360 ડિગ્રી સુધીની બધી કરામત એક બોલ એન્ડ સોકેટ ટાઇપના સાંધા હોવાથી કરવી પડે છે. મોટી ઉંમરે આ જ સાંધો સ્ટીફ થવાથી ભલભલા બહાદુરોની ચાલ સિંહમાંથી બતક જેવી કરી મૂકે છે. જરાક લપસવાથી પણ તે બટકી જાય છે. જવાનીમાં જેટલો મજબૂત ઘૂંટણનો સાંધો હોય છે તેટલો જ મજબૂર તે ઘડપણમાં રીપ્લેસમેન્ટનો દાવેદાર હોય છે. સૌથી નાજુક બિચારી એડીના નસીબમાં આખા શરીરનો ભાર આવે. જો કે ઊભા રહેવામાં કે કૂદકા મારવામાં તે પગના પંજાનો ટેકો લે ખરી. મજબૂરીમાં જો કે તેણે ટીનએજર્સની ઊંચી એડીવાળા ચંપલોમાં વંકાઇને પણ ગોઠવાવું પડે છે.

પુરુષ હોય કે સ્ત્રી, આખા શરીરમાં તેમના મસ્ટ નીગ્લેકટેડ અંગ હોય તો તે બેઉ પગ હોય છે. આખા ગામમાં સેટેલાઇટથી સાબરમતી અને વાસણાથી વાડીગામ સુધી રખડીને જેવા ઘરે આવ્યા નથી કે પગમાંથી બૂટચંપલ દરવાજે એક કોર્નરમાં છૂટાં કર્યાં નથી અને ઘરના સ્લીપર પહેરીને એક રૂમમાંથી બીજા રૂમમાં આંટા મારશે પણ હરામ છે કે બાથરૂમમાં જઈને પગ ધુએ, હાથ તો વાતવાતમાં વૉશબેઝિનમાં નાંખશે. બગીચામાંથી ફૂલ તોડે કે વાટકીવહેવારમાં પાડોશીને જરાક હાથ અડયો કે તરત ઘસી ઘસીને હાથ ધોવામાં અડધો સાબુ અને પા ટાંકી ખાલી કરશે.

માણસની આ નીગ્લેકટેડ એટીટયુડ અને પગ પાસે ઓવરટાઈમ કરાવવાની વૃત્તિને કારણે જ હાથ કરતાં પગના રોગો વધારે જોવા મળે છે. કોરોનરી બાયપાસ કરતાં પણ વધારે અત્યારે તો ની રીપ્લેસમેન્ટ (ઘૂંટણના સાંધા બદલવા)નાં ઓપરેશન થાય છે. પગમાં સોજા આવવાનાં ઘણાં કારણો છે. વિશાળ હૃદય સામાજિક રીતે કદાચ વાહ વાહ કરાવતું હશે પણ પહોળું હૃદય પગે પાણીનો ભાર લાવી દે છે. લિવર ફેલ થાય ત્યારે પેટમાં પાણી ભરાતાંની સાથે પગ પણ ભારે થવા માંડે છે. પગ ભારે થાય પ્રેગ્નન્સીમાં પણ છેલ્લા મહિનાઓમાં પ્રસૂતાને બંને પગે સોજા ચડવા લાગે છે, કિડની ફેલ થાય ત્યારે પહેલાં મોંએ સોજા આવે છે અને છેલ્લે પગમાં પાણી ભરાય છે, લોહીમાં રકતકણોનું કે પ્રોટિન્સનું પ્રમાણ ઘટી જાય ત્યારે પણ બંને પગ જ પરિસ્થિતિનું શો કેસ બની જાય છે. એક પગે સોજો આવે ત્યારે મોટાભાગે લોકલ કારણ હોય છે.

જંતુ કરડી જવાથી ઇન્ફેકશન કે એલર્જી થવી જે તે પગ માટે ધ્યાન દોરવાની પ્રેસ્ટિજ બની જાય છે. પગની શિરાઓ (વેઇન્સ) પણ આળસુ થઇ જાય કે નિકમ્મી થઇ જાય ત્યારે હૃદય તરફ અશુધ્ધ લોહી પહોંચાડવાની સ્પીડ ઘટી જાય છે. આને વેરીકોસ વેઇન્સ કહે છે જેમાં લોહીનું લોહી નસમાં અને લોહીનું પાણી ચામડીમાં છૂટું પડવા માંડે છે. દરિયા કિનારે રહેતાં લોકોને કાયમ ભરતીઓટવાળા મોજાં જોવાની મજા આવતી હશે પણ ક્યારેક માઇક્રોફાઇલેરિયા નામના જંતુથી એક કે બંને પગે એસિમેટ્રીકલ જાડા અને સ્થાયી પ્રકારના સોજા જોવા મળે છે. તેને હાથીપગા કે એલિફન્ટાસીસનો રોગ કહેવાય છે. ટેક્નિકલી તો પેલા માઇક્રોફાઈલેરિયાના જંતુ પગની લસિકાવાહિનીઓમાં ટ્રાફિક જામ કરી દે છે. સોજા લાવે છે અને મિકેનિકલી બંને પગમાં હાથીપગા કરતાં લગભગ પોણી સળગેલી, બેઝ પાસે ફેલાયેલી મીણબત્તી જેવો આકાર કરી દે છે.

ચાલીસ પછીની સ્ત્રી તેની ચાલ ધીમી પડવાથી ગજગામિની તરીકે ઓળખાય છે. માધુરી ફિદા હુસેને તો સ્ત્રીની આ અદા હાઇલાઇટ કરવા માધુરી દીક્ષિતને જ લઇને ‘ગજગામિની’ નામનું પિકચર જ બનાવી દીધેલું. એ જુદી વાત છે કે તે ફિલ્લમ ગજગામિની નામની હાથણી ટોકિઝમાં ઊભી તો થઈ પણ બે શો જેટલું પણ ના ચાલી શકી. તે પછી બિચારા હુસેનને દસબાર ઘોડા દોરેલાં પિકચરો વેચવા કાઢવા પડેલા. માધુરીને છોડીને તબુને મસ્કા મારવા પડેલા. આજકાલ મકબૂલ હુસેન અમૃતા રાવ અને વિદ્યા બાલન ઉપર ફિદા છે.

તે કાયમ નાગા પગે ચાલતા (સ્લીપર, બૂટ કે ચંપલ નથી પહેરતા) હુસેનમિયાંને કોઇ ગજગામિની યાદ કરાવે છે ત્યારે તરત દેવદેવીઓનાં ખુલ્લાં ચિત્રો બનાવવા બેસી જાય છે. પગના નામે લગભગ એક્સો ચોપન કહેવતો ઉધારાઇ છે. આઇ રીપિટ 154. ચારે પગે થવું એટલે ખૂબ ખુશ થવું થી માંડી કુંડાળામાં પગ પડવો એટલે અનીતિનું કામ થવું જેવી સામાન્ય કહેવતો તો બધાંએ સાંભળી કે વાંચી જ હશે પણ કેટલીક અસામાન્ય કહેવતો પણ પગના નામે નોંધાયેલી છે. પગ પાસે ઝાડું કાઢવું એટલે ટૂંકી દૃષ્ટિના હોવું. પેટમાં પગ હોવા એટલે બહુ પહોંચેલી માયા. પગમાં બળવું અને ડુંગરે ચઢવું એટલે દુ:ખમાં પણ આગળ વધવું. બે જમણા પગ એટલે નાચવામાં નબળો. પગે કમાડ ઠેલવાં એટલે કોઈ જાણે નહીં તે રીતે પોતાનું કામ કરી નાંખવું.

નાનપણમાં પોલિયોથી એક પગ ખોટો પડી જાય અને આજીવન ખોડ રહી જાય છે. એક પગના લકવાને મોનપ્લેજીયા કહે છે. બંને પગના લકવાને પેરાપ્લેજીયા કહે છે. જે વાઇરલ માઇલાઇટીસથી માંડી એક્સિડેન્ટલ સ્પાઇનલ ટ્રોમાથી પણ થઇ શકે છે. ભેળસેળવાળી મસૂરની દાળ ખાવાથી પણ (લેથીરીઝમ) બેઉ પગે લકવો થઇ શકે છે. મગજમાંથી શરૂ થયેલું આખા શરીરનું ઇલેક્ટ્રિકલ વાયરીંગ પગમાં મેરૂદંડ પસાર કરીને પહોચતું હોવાથી સ્પાઇનના મોટાભાગના રોગોમાં પગને અસર થાય છે. ટીબીથી સ્પાઇનમાં ઉધઇ જેવું કહોવાણ થાય ત્યારે (પોટસ સ્પાઇન) બંને પગે ધીમો લકવો ચાલુ થાય છે. સ્પાઇનલ કોર્ડમાં કેન્સરની પ્રાઇમરી કે સેકન્ડરી ગાંઠોથી પણ બંને પગમાં લકવાની શરૂઆત થાય છે.

સ્નાયુના રોગો જેવા કે પોલીમાયો સાઇટીસ કે ડાયાબિટિસના દર્દીમાં થતાં નસના રોગો જેવા કે ન્યૂરોપથીમાં પણ ધીમા લકવાની શરૂઆત થાય છે. એનિમિયા કે બેરીબેરી જેવા આયર્ન કે બી12ની ઊણપથી થતાં લકવામાં આયર્ન થેરેપી કે બી કોમ્પલેક્સ આપવાથી થતાં લકવામાં સંપૂર્ણ સારું થાય છે. નસોના એક પ્રકારના ગુલિયન બાર સીન્ડ્રોમમાં પણ બંને પગે લકવો થાય છે જે તાત્કાલિક નિદાન અને સારવારથી મોટાભાગે સંપૂર્ણ કાબૂમાં આવી જાય છે. આવા રોગમાં કયારેક હાથના સ્નાયુઓ અને છાતીના સ્નાયુઓ પણ પકડાય છે અને દર્દીને વેન્ટીલેટર ઉપર રાખવો પડે છે.

પગ એ બહુરૂપિયો શબ્દ છે. તેને કેટલાંક વાઘાં પહેરાવી દો, આગળપાછળ કેટલાંક છોગાં લગાડી દો એટલે તેનાં અર્થ અને રૂ૫ બદલાવા માંડે છે. ચોકી કરે અથવા ચોરનાં પગલાં ઉપરથી તેના આવનજાવનની દિશા બતાવે તે પગી, એક એક પગલું ચડતાં ઉપર ચડીએ એટલે પગથિયાં અને સીધા ચાલીએ એટલે પગદંડી. પગ, માય ફૂટ! યસ, આ બે પગ જ માણસના આખા શરીરનો ભાર આખી જિંદગી ચૂપચાપ ઉપાડતા રહે છે. માણસ બેપગું પ્રાણી કહેવાય છે પણ જન્મતી વખતે તે માત્ર કમરવગુ જ કાર્યરત હોય છે. કમરભેર સૂઇ રહીને હાથપગ હવામાં લાવવાની કસરત કરતું રહે છે.

પગ એટલે જેનાથી કોઈ પ્રાણી ઊભું રહી શકે કે ચાલીદોડી શકે તે અવયવ. માણસના વર્તન પ્રમાણે તેના અર્થ પણ બદલાતા જાય છે. પૂજયભાવથી કોઇના પગને અડો તો તેને ચરણસ્પર્શ કે પાય લાગુ કહેવાય છે. પગમાં પહેરાતી મોજડી કે ચાખડીને પાદુકા કહેવાય છે. રામના વનવાસ દરમ્યાન તો ભરતે તેમની પાદુકાઓને જ સિંહાસન પર રાખીને 14 વર્ષ રામરાજય ચલાવેલું. દુશ્મનને મારીને અચલિત કરવો હોય ત્યારે ટાંટિયાં ભાંગવાના બળપ્રયોગ થાય છે. કોઇના સારા કામમાં વિઘ્ન નાખવાના પ્રયત્ન થાય ત્યારે ટાંગ અડાડી તેમ કહેવાય છે. કામ ના કરવું હોય ત્યારે આ પગ માટે અંગેજીમાં તિરસ્કારથી ભલે કહેવાતું હશે .. પગ માય ફૂટ . . પણ આ જ બે પગ તમારા ધડના પરફેકટ પીલર . . એટલે કે થાંભલા બનીને આખી જિંદગી તમારો ભાર ઊંચકતા રહે છે. એ કમનસીબી છે કે મર્યા પછી તમારા અંતિમ સંસ્કાર કરવા લઇ જવાતો તમારો આ ભાર ઊંચકવા ઓછામાં ઓછા આઠ પગ તો જોઇએ જ છે.

Most Popular

To Top