Columns

આપતાં શીખો

એક વાર રાજા ભોજ પોતાના ખાસ મંત્રી અને થોડા સિપાઈઓ સાથે એક જંગલમાંથી પસાર થતાં હતા. બપોરનો સમય હતો. રાજા ભોજે બધાને બપોરનું ભોજન કરી આરામ કરવાનો હુકમ આપ્યો.થોડો સમય જ રોકાવાનું હોવાથી તેમને ખાસ તંબુ બાંધવાની ના પડી અને પોતે એક ભોજન કરી એક ઝાડ નીચે જ લંબાવ્યું.

ઉપર તેમની ઉપર એક બે મધની બુંદો પડી. તેમણે નજર ઉપર કરી જોયું તો..ઝાડ ઉપર એક મધથી લથપથ ભરેલો એક મધપુડો હતો, જે પોતાનામાં સંચય થયેલા મધના ભારથી જ હવે ગમે તે ક્ષણે તૂટી પડે તેમ હતો. તેમાંથી મધની બુંદો ઉભરાઈને નીચે પડી રહી હતીઅને બધી મધમાખીઓ મધપૂડાની આજુબાજુ પોતાની પાંખો અને શરીર ઘસતી હતી.પરંતુ તેઓ હવે મધપુડાને બચાવી શકે તેમ ન હતી મધપુડો પડવાની સ્થિતિમાં જ હતો.

રાજા ભોજ ત્યાંથી ઊભા થઈને બીજા ઝાડ નીચે સૂતા પરંતુ તેમની નજર પેલા મધપુડા જોડે સતત પોતાની પાંખો ઘસતી મધમાખીઓ પર હતી.મંત્રીજીએ પૂછ્યું, ‘રાજાજી, શું જુઓ છો?’ રાજા ભોજે મધપુડા તરફ ઈશારો કર્યો અને બોલ્યા, ‘મને એ સમજાતું નથી કે હવે આ પડતા મધપુડાને આ મધમાખીઓ બચાવી શકવાની નથી તો પણ સતત તેની પર પોતાનું શરીર અને પાંખો કેમ ઘસે છે?’

મંત્રીજી બોલ્યા, ‘રાજાજી, હું તમને સમજાવું, વિશ્વમાં દાનનું મહત્ત્વ અનન્ય છે.તમે જાણતા જ હશો કે ઋષિ દધિચી, દાનવીર કર્ણ, રાજા બલિએ તેમનું સર્વસ્વ દાન કરી દીધું હતું અને આજે પણ વિશ્વ તેમને યાદ કરે છે.પણ આ મધમાખીઓ દાન વિષે જાણતી જ નથી તે સતત મહેનત કરીને રોજ થોડું થોડું મધ બનાવે છે અને પોતાનો મધપૂડો ભરતી રહે છે.તે સતત સંચય કરે છે અને કોઈને પોતાના બનાવેલા મધમાંથી એક ટીપું પણ આપતી નથી અને કોઈ નજીક જઈને મધ લેવાની કોશિશ કરે તો તે બદલામાં ડંખ આપે છે અને છેલ્લે મધપુડો જ મધનો ભાર સહન ન કરતા તૂટી પડે છે ત્યારે પોતાની સતત ભેગી કરેલી સંપત્તિને નષ્ટ થતી જોઇને દુઃખી થઈને તે પંખો અને શરીર ઘસી તેને બચાવવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે.

અહીં રાજાજી, આપણને શીખવા મળે છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ વસ્તુનો જરૂરથી વધારે  સંચય ન કરવો જોઈએ.વધારે હોય તો અન્યને આપવું.આપવાનો આંનંદ અનેરો હોય છે.સતત સાચવવાથી સુખ મળતું નથી જયારે તે વસ્તુ નષ્ટ થાય છે ત્યારે દુઃખ આપે છે.તેના કરતાં અન્યને આપીને ખુશી મેળવવી જીવનની સાચી રીત છે.’ રાજા ભોજ જે કરતા હતા તેનાથી વધુ દાન કરવાનું નક્કી કર્યું.

ઈશ્વરે તમને આપ્યું હોય અને વધુ મેળવવાની આવડત હોય તો સતત બીજાને પણ આપતા રહો.

            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top