Dakshin Gujarat

ખેરગામમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો જો આવું કામ કરશે તો આવી બનશે

ખેરગામ: (Khergam) ખેરગામ તાલુકાના તોરણવેરા ગ્રામ પંચાયતે ગત તા.3 મેના રોજ મળેલી ગ્રામસભામાં વ્યસનોનું (Addictions) પ્રમાણ ઘટાડવા માટે એક મહત્વનો ઠરાવ કર્યો હતો, જેમાં 18 વર્ષથી નીચેની વયના યુવાનોને કોઈપણ દુકાનદાર તમાકુ, ગુટખા, સિગારેટ વેચતા પકડાશે તો રૂ.2000નો દંડ કરવામાં આવશે. ગ્રામજનોએ ગ્રામ પંચાયતના આ નિર્ણયને વધાવી લીધો હતો.

  • 18 વર્ષથી નીચેનાને તમાકુ, સિગારેટ કે ગુટખા વેચનાર દુકાનદાર દંડાશે
  • તોરણવેરા ગ્રામ પંચાયતનો ઠરાવ, વ્યસનનું પ્રમાણ ઘટાડવા પંચાયતનો નિર્ણય, નિયમનું ઉલ્લંઘન કરનારને ₹2,000નો દંડ કરાશે

વ્યસન એ સમાજ માટે કલંકિત છે. વ્યસન કોઈપણ પરિવારને આર્થિક રીતે વેરવિખેર કરી નાખે છે. વ્યસનમુક્તિ માટે સરકાર દ્વારા ચલાવાતી ઝુંબેશને વેગ મળે એ માટે સામાજિક સંસ્થાઓ તેમજ ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. જેને મહ્દઅંશે સફળતા પણ મળી રહી છે, પરંતુ વ્યસનમુક્તિ માટેના પ્રયાસો હજુ વેગવાન બનાવવા જોઈએ. ખાસ કરીને રૂરલ એરિયામાં વ્યસનોનું પ્રમાણ વધુ જોવા મળે છે. ત્યારે ખેરગામ તાલુકાની તોરણવેરા ગ્રામ પંચાયતે 18 વર્ષથી નીચેની વયના યુવા વર્ગમાં વ્યસનોનું દૂષણ વધતાં ગ્રામસભા બોલાવી એક મહત્વનો ઠરાવ કર્યો હતો.

ગત તા.3 મેના રોજ યોજાયેલી ગ્રામ સભામાં સરપંચ સુનિલ દાભડિયા સહિત પંચાયતના સભ્યોએ ગામમાં આવેલી દરેક દુકાનદારોને તાકીદ કરી હતી કે, 18 વર્ષથી નીચેની વયની વ્યક્તિને તમાકુ, ગુટખા કે સિગારેટ વેચવી નહીં. જો આ નિયમનો ઉલ્લંઘન કરવામાં આવશે તો 2,000 નો દંડ કરવામાં આવશે. ગ્રામ પંચાયતના આ ઠરાવની ગ્રામજનોએ સરાહના કરી હતી.

બોરીયાચ ટોલનાકા પાસેથી 36 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2 ઝડપાયા
નવસારી : નેશનલ હાઈવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે 36 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે બેને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી એક ઈનોવા કાર (નં. એમએચ-43-એન-9308) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 36 હજાર રૂપિયાની વિદેશી દારૂની 78 નંગ બાટલીઓ મળી આવતા સુરતના માંગરોળ તાલુકાના પીપોદરા કન્યાસી મંદિર ફળીયામાં દિપકભાઈ પાંડુરંગ નાયક અને સુરત લિંબાયત મદીના મસ્જિદની આગળ રહેતા સદામ મહમદ સાહેદુલ રહેમાન શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે દિપકભાઈ અને સદામની પૂછપરછ કરતા કામરેજ ખોલવડમાં રહેતા સલમાન વહીમખાને સેલવાસ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરી લાવવા માટે ઈનોવા કાર આપી હતી.

જે કાર સેલવાસ ખાતે જઈ સલમાનના માણસોને આપતા તેઓએ વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી પરત આપી હતી અને તે દારૂનો જથ્થો સલમાનને પહોચાડવાનો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે સલમાનને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 4 લાખની કાર અને 5500 રૂપિયાના 2 મોબાઈલ મળી કુલ્લે 4,41,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top