Dakshin Gujarat

સુરતથી વલસાડ જતી ટ્રેનો મોડી પડતાં અનેક ઉમેદવારો તલાટી મંત્રીની પરીક્ષા આપી શક્યા નહીં

વલસાડ: (Valsad) સમગ્ર ગુજરાત સાથે વલસાડમાં પણ આજરોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા (Exam) લેવાઇ હતી. 53 શાળાઓમાં લેવાયેલી આ પરીક્ષામાં 66 ટકા જેટલી હાજરી જોવા મળી હતી. વલસાડની કોન્વેન્ટ સ્કૂલના સેન્ટર પર સુરતથી (Surat) આવેલા 15 જેટલા ઉમેદવાર ટ્રેન લેટ હોવાના કારણે આ પરીક્ષા આપી શક્યા ન હતા. તેઓ 12 વાગ્યા પછી અહીં પહોંચતા તેમને પરીક્ષા કેન્દ્રમાં દાખલ જ થવા દેવાયા ન હતા.

  • સુરતથી જતી ટ્રેનો મોડી પડતાં વલસાડમાં અનેક ઉમેદવારો પરીક્ષા આપી શક્યા નહીં
  • વલસાડમાં તલાટી કમ મંત્રીની પરીક્ષામાં 66 ટકાની હાજરી નોંધાઇ
  • મહિલા ઉમેદવારની ચપ્પલ ટ્રેનની ગરદીમાં નિકળી ગઇ તો તેણી ચપ્પલ વિના પરીક્ષા આપવા દોડી પણ સમયસર પહોંચી શકી નહીં

વલસાડમાં આજરોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે કુલ 53 શાળામાં કેન્દ્ર બનાવાયા હતા. આ તમામ કેન્દ્ર 604 બ્લોકમાં કુલ 18,120 ઉમેદવાર માટેની તૈયારીઓ કરાઇ હતી. જોકે, આ પૈકી આજરોજ પરીક્ષા માટે 11,972 ઉમેદવાર જ હાજર રહ્યા હતા. જ્યારે 6,148 ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા. આ 6,148 પૈકી સુરતથી આવતા કેટલાક ઉમેદવારો ટ્રેન મોડી પડી હોવાના કારણે સમયસર સેન્ટર પર પહોંચી શક્યા ન હતા અને પરીક્ષા આપી શક્યા ન હતા. જેમાં વલસાડની કોન્વેન્ટ સ્કૂલમાં 15 ઉમેદવાર આવા જોવા મળ્યા હતા. આ પૈકી એક મહિલા ઉમેદવારની ચપ્પલ પણ ટ્રેનની ગરદીમાં નિકળી ગઇ હતી તો તેણી વિના ચપ્પલે પરીક્ષા આપવા દોડી હતી, પરંતુ તે સમયસર પહોંચી નહીં શકતાં તે પરીક્ષા આપી શકી ન હતી.

Most Popular

To Top