Dakshin Gujarat

ખેરગામમાં અચાનક આવી બિમારીઓના કેસ વધતા ગ્રામજનોમાં ચિંતા વ્યાપી ગઈ

ખેરગામ : ખેરગામમાં વાતાવરણમાં પલટો આવતાં વાયરલ કેસોમાં વધારો થઈ રહ્યો છે. તાવ, શરદી, ઉધરસ, શરીરનો દુ:ખાવો, ટાઇફોઇડ જેવા કેસને કારણે ખેરગામ રેફરલ હોસ્પિટલમાં રોજિંદા 150 થી પણ વધુ ઓપીડી નોંધાઈ રહી છે. એ સિવાય ખેરગામનાં જ 6થી 7 જેટલાં નાના ક્લિનિકમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. જેને કારણે ગામમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે વાતાવરણમાં ક્યારેક ગરમી તો ક્યારેક ઠંડી જેવા માહોલમાં રોગચાળાએ ભરડો લીધો છે. ખાસ કરીને વાયરલ કેસોમાં વધારો થતાં ઘણી જગ્યાએ માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. ખેરગામ નગરની 20 હજારથી વધુની વસતી અને કુલ 22 ગામો માટે આશીર્વાદરૂપ ખેરગામ રેફરલ હોસ્પિટલમાં હાલમાં દર્દીઓનો ભારે ધસારો રહે છે.

ખેરગામ રેફરલ હોસ્પિટલમાં જ રોજિંદા તાવ, શરદી, ઉધરસ, શરીરનો દુખાવો, ટાઇફોઇડ જેવા કેસોને કારણે 150 થી પણ વધુ ઓપીડી નોંધાઈ રહી છે. કેટલાંક ઘરોમાં તો આખેઆખો પરિવાર જ રોગચાળામાં સપડાયો છે. જો કે, ખેરગામ રેફરલ હોસ્પિટલના તબીબો દ્વારા પરિસ્થિતિ ઉપર નિયંત્રણ લેવાની કામગીરી ચાલી રહી છે. તબીબો દ્વારા નગરજનોને વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે જરૂરી સૂચન પણ કરવામાં આવી રહ્યાં છે.

આ બાબતે રેફરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ.દિવ્યાંગ પટેલે જણાવ્યું હતું કે હાલમાં ઠંડુ ગરમ વાતાવરણની અસરના કારણે દર્દીઓની સંખ્યા વધી છે, છેલ્લા કેટલાક દિવસથી દરરોજ એવરેજ 150 જેટલી ઓપીડી અને 30 થી 40 જેટલા ઇન્ડોર પેશન્ટ આવી રહ્યા છે, આવા સમયમાં લોકોએ સ્વસ્થ રહેવા ખોરાક ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ.

વાતાવરણની અસર છે, ગભરવાની જરૂર નથી : ડૉ.ગુલાબ પટેલ
ખેરગામના તબીબ ડો.ગુલાબ પટેલે જણાવ્યું હતું કે હાલમાં વરસાદ ગરમી અને ઠંડી એમ ત્રણ મોસમનો એહસાસ થઈ રહ્યો છે, ત્યારે વાતાવરણની અસરના પગલે વાયરલ ઇન્ફેક્શન જોવા મળી રહ્યું છે, જેના કારણે શરદી, ખાંસી, તાવ, ડાયેરિયાના દર્દીઓની સંખ્યા પહેલા કરતા વધી છે, જોકે આમાં ખાસ ગભરાવાની જરૂર નથી. પરંતુ જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય ત્યાં મચ્છરોના ઉપદ્રવથી તકલીફ ઊભી થઈ શકે છે, જેથી પાણીનો નિકાલ થવો જરૂરી બને છે.

Most Popular

To Top