SURAT

સુરતની આનંદ રીયોન્સમાંથી યાર્ન ખરીદી લસકાણાના ત્રણ ભાગીદારોએ ચુનો ચોપડ્યો

સુરત(Surat) : ખટોદરા(Khatodra) પોલીસની હદમાં આવેલા ખટોદરા ખાતે જય સાગર કોમ્પ્લેક્ષની આનંદ રીયોન્સ લિમીટેડમાંથી લસકાણા(Laskana)ના ત્રણ ભાગીદારોએ 1.16 કરોડનું યાર્ન(Yarn) ખરીદી(Purchase) કર્યું હતું. જેમાંથી 77.98 લાખનું પેમેન્ટ નહીં ચુકવી છેતરપિંડી(Fraud) કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

કારખાનું દુકાન, ઘર અને ફોન બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા
ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અઠવાલાઇન્સની આદર્શ સોસાયટી સામે ગોકુલ બંગલોમાં રહેતા આનંદ ગોકુલ બક્ષી ખટોદરાના જય સાગર કોમ્પ્લેક્ષમાં આનંદ રીયોન્સ લિમીટેડ નામની યાર્નની પેઢી ચલાવે છે. વર્ષ 2015 માં સતીષ રાધવ પામભર (રહે. સ્વસ્તિક રેસીડન્સી, ડુંગરા રોડ, કામરેજ)ની આનંદ બક્ષી સાથે મુલાકાત થઈ હતી. બંને વચ્ચે ધંધાકીય વાતચીત થઈ હતી. બાદમાં મેનેજર દેવનારાયણ ઘનશ્યામ મિશ્રા (ઉ. વ. 51 રહે. શાંતવન એક્ષેલા એપાર્ટમેન્ટ, પૂણા કુંભારીયા રોડ, સુરત) એ યાર્નનો ઓર્ડર લઇ ડિલીવરી આપવાનું શરૂ કર્યુ હતું. સતીષે 2.50 કરોડનો માલ ખરીદી તેનું પેમેન્ટ ચુકવી દીધું હતું. વર્ષ 2017 માં સતીષે તેના મિત્ર જગદીશ શંભુ જોગાણી (રહે. પવિત્ર નગરી, ખોલવડ રોડ, કામરેજ) અને વિપુલ પ્રાગજી જોગાણી (રહે. સ્વસ્તિક ટાવર, સરથાણા) સાથે ઓળખાણ કરાવી તેમણે ભાગીદારીમાં લસકાણાના મારૂતિ ઇન્ડસ્ટ્રીયલમાં યાર્ન વર્કનું કામ શરૂ કર્યુ છે એમ કહી ત્રણેયે ટુક્ડે-ટુક્ડે રૂ. 1.16 કરોડનું યાર્ન ખરીદ્યું હતું. શરૂઆતમાં ત્રણેયે 25 દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ 1.16 કરોડ રૂપિયામાંથી માત્ર 38.59 લાખનું પેમેન્ટ ચુકવ્યું હતું. બાદમાં 77.98 લાખના પેમેન્ટ માટે વાયદા કરી રાતોરાત ભાડાનું કારખાનું અને ઘર ખાલી કરી અને મોબાઇલ બંધ કરી ભૂર્ગભમાં ઉતરી ગયા હતા. ખટોદરા પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

રણજી ટ્રોફીની તૈયારી કરતા ભટારના યુવાને આપઘાત કરી લીધો
સુરત : ભટારના તક્ષશિલા એપાર્ટમેન્ટમાં રહેતા અને રણજી ટ્રોફીની તૈયારી કરી રહેલા 20 વર્ષના યુવાને અગમ્ય કારણોસર ફાંસો ખાઇ લેતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, મૃતક દ્રશ્ય અરોરા એક દિવસ પહેલા જ એક ક્રિકેટ ટુર્નામેન્ટ રમીને ઘરે પરત આવ્યો અને આ પગલું ભરી લીધું હતું. જેના કારણે ચકચાર મચી જવા પામી હતી.હાલ આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. ખટોદરા પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ભટાર રોડ ઉમાભગવ પાસે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેન્દ્રભાઇ અરોરા પાંડેસરાની જીઆઇડીસીની એસ.કે ફાઇબર કંપનીમાં મેનેજર છે. તેમનો 20 વર્ષિય પુત્ર દ્રશ્ય બીબીએનો અભ્યાસ કરવા ઉપરાંત રણજી ટ્રોફી માટે ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. દરમિયાન દ્રશ્યએ શનિવારે બપોરે તેની માતાને કીટી પાર્ટીમાં મૂકીને પરત ઘરે આવ્યા બાદ એકલતાનો લાભ લઇને પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનોને બનાવની જાણ થતા પોલીસને જાણ કરાઇ હતી. આ મામલે ખટોદરા પોલીસે અકસ્માત મોત નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. દ્રશ્યના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. વધુમાં પોલીસના જણાવ્યા અનુસાર દ્શ્ય બીબીએનો અભ્યાસ કરતો હતો. જે રણજી ટ્રોફી રમવા માટેની તૈયારી પણ કરી રહ્યો હતો. દ્શ્ય એક દિવસ પહેલા જ ક્રિકેટ ટુર્નામેન્ટ રમીને સુરત આવ્યો હતો. ઘરે આવ્યાના એક જ દિવસમાં તેણે ક્યા કારણોસર આ પગલું ભર્યું તે હાલ રહસ્ય બન્યું છે. આ મામલે ખટોદરા પોલીસ મથકનાં એએસઆઇ ધવલકુમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top