SURAT

આગ ઓલવવા જતું કાપોદ્રાનું ફાયર ટેન્કર રસ્તામાં અચાનક પલટી મારી ગયું

સુરત(Surat): શહેરના કાપોદ્રા (Kapodra) વિસ્તારમાં આજે વહેલી સવારે ચોંકાવનારી ઘટના બની હતી. લસકાણામાં (Laskana) વહેલી સવારે મીટર પેટીમાં આગ (Fire) લાગી હોવાનો કોલ મળતા કાપોદ્રા ફાયર બ્રિગેડના (Fire Brigade) જવાનો પાણીની ટેન્ક લઈ આગ ઓલવવા જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં અચાનક જ ટેન્ક પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં ડ્રાઈવર અને બે માર્શલને ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે સ્મીમેર (Smimer) હોસ્પિટલમાં (Hospital) ખસેડાયા હતા.

  • વહેલી સવારે કાપોદ્રા ચોપાટી પાસે ફાયર બ્રિગેડની ગાડીને અકસ્માત નડ્યો
  • સ્પીડ બ્રેકર પર અચાનક બ્રેક મારતા ફાયરનું ટેન્કર પલટી મારી ગયું
  • આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત બે માર્શલને ઈજા થઈ
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા

પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે 5.22 કલાકે સુરત ફાયર કંટ્રોલમાં (Surat Fire Control) એક કોલ આવ્યો હતો. જેમાં લસકાણા ગામ વાળીનાથ સોસાયટીમાં મીટર પેટીમાં આગ લાગી હોવાની વિગતો સાંપડી હતી. કોલ મળતા જ કાપોદ્રા ફાયર સ્ટેશન ખાતેથી મીની ફાયર એન્જિન તથા વોટર ટેન્કર સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે ઝડપથી પહોંચવા રવાના થઈ હતી. આ ટીમમાં ફાયર ઓફિસર કિરણ પટેલ અને માર્શલ સહિત જવાનો કાફલો સામેલ હતો.

વહેલી સવારે રસ્તા પર ટ્રાફિક ન હોય ફાયરની ગાડી ફુલસ્પીડમાં દોડી રહી હતી. ટીમ ઝડપથી વાળીનાથ સોસાયટી પહોંચવા તત્પર હતી. ત્યારે અચાનક કાપોદ્રા મહારાણા પ્રતાપ ચોપાટી પાસે સ્પીડ બ્રેકર જોઈ ડ્રાઈવરે અચાનક જ બ્રેક મારી હતી, જેના લીધે ફાયર ટેન્કર પલ્ટી મારી ગયું હતું.

આ અકસ્માતના (Accident) લીધે વોટર ટેન્કરમાં સવાર ડ્રાઈવર સંદીપસિંહ પરમાર તથા માર્શલ ચેતન શંકર કોંકણી, કુલદીપસિંહ કાળું ભધોરીયાને ઈજા પહોંચી હતી. સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે વાળીનાથ સોસાયટીમાં બીજી ટેન્કર મોકલવામાં આવી હતી.

Most Popular

To Top