SURAT

હજીરા કંપનીના કોફી શોપ રસ્તા પાસે પુરપાટ આવતા ડમ્પરે એન્જિનિયરને ટક્કર મારતા કમકમાટી ભર્યું મોત

સુરત : હજીરા (Hazira) એમ.એન.એસ કંપનીમાં (Company) આવેલા કોફી શોપ ત્રણ રસ્તા (Road) પાસે આજે સવારે અકસ્માતમાં (Accident) કંપનીમાં જ નોકરી (Job) કરતા એક એન્જિનિયરનું મોત (Death) નિપજ્યું હતું. કોફી શોપ ત્રણ રસ્તા પાસેથી પસાર થતી વેળા પુરપાટ ઝડપે હંકારી આવતા ડમ્પરના ચાલકે એન્જિનિયરને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે મળતી વિગતો અનુસાર મુળ આણંદ જિલ્લામાં આવેલા પ્રજાપતિ નગર, ખોડિયાર મંદિર પાસેના વતની અને હાલ હજીરા એએમએનએસ કંપનીના એસ.એમ.ટી-૧, કાસ્ટર સબ ડિપાટમેન્ટ સ્ટેબ યાર્ડમાં એન્જિનિયર તરીકે નોકરી કરતાં પ્રજ્ઞેશભાઈ ભાગુભાઈ વાઘેલા (ઉ.વ.25) આજે સવારે 11 વાગ્યે કંપનીમાં જ આવેલા કોફી શોપ ત્રણ રસ્તા નજીકથી પસાર થઇ રહ્યા હતા.

દરમિયાન કંપનીમાંથી પસાર થઇ રહેલા ડમ્પરના ચાલકે ડમ્પર બેદરકારી પુર્વક હંકારી લાવી પ્રજ્ઞેશને અડફેટમાં લેતા તેનું ગંભીર ઇજાને પગલે મોત થયું હતું. પ્રજ્ઞેશ વાઘેલા છેલ્લા આઠ વર્ષથી એમએનએસ કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. તેમના અકાળે મોતથી પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતા. અકસ્માત અંગે હજીરા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી.

વ્યારાના બોરખડીમાં બે બાઈક ધડાકાભેર અથડાતાં બંને ચાલકનાં મોત
વ્યારા: વ્યારાના બોરખડી ગામે બે બાઈકો સામસામે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બંને બાઇકચાલકોનાં સ્થળ ઉપર જ મોત નીપજ્યાં હતાં. પ્રાપ્ત માહિતી મુજબ વ્યારા તાલુકાના કોહલી ગામે રહેતા અરવિંદ ચુનીલાલ ચૌધરી (ઉં.વ.૫૨) તા.૨૬ જુલાઇ-૨૦૨૨ના રોજ સાંજે ૬:૪૫ વાગ્યાના અરસામાં હિરો સ્પ્લેન્ડર મો.સા.નં.(જીજે ૧૯ કે ૩૨૭૧) લઇ પોતાના ઘરેથી બોરખડી ગામે દૂધ ભરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે બોરખડી ગામે દાદરી ફળિયામાં સામેથી હોન્ડા ડ્રીમ યોગા મો.સા. નં.(જીજે ૨૬ એચ ૯૫૦૪)નો ચાલક અનિલ વિનોદ ચૌધરી (રહે., બોરખડી, દાદરી ફળિયું, તા.વ્યારા)એ પોતાના કબજાની મોટરસાઇકલ પૂરઝડપે અને બેફિકરાઇથી ચલાવી અરવિંદ ચૌધરીની મોટરસાઇકલની સાથે અકસ્માત કરતાં બંને જણા રોડ ઉપર ફેંકાઇ ગયા હતા. જેમાં અરવિંદ અને અનિલ બંનેનાં સ્થળ પર જ મોત થયાં હતાં.

વિજલપોર રામનગરમાં ટ્રેન અડફેટે આધેડનું મોત
નવસારી : વિજલપોર રામનગર સામે ટ્રેન અડફેટે અજાણ્યા આધેડનું મોત નીપજ્યાનો બનાવ જલાલપોર પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, વિજલપોર રામનગર સામે રેલવે ટ્રેક થાંભલા નં. 234/08 પાસે મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર એક અજાણ્યો આધેડ (ઉ.વ.આ. 40 થી 45) રેલવેના પાટા ઉપર બેસી ગયો હતો. દરમિયાન ટ્રેન આવતા તે અજાણ્યા આધેડનું ટ્રેન અડફેટે કપાઈ જતા મોત નીપજ્યું હતું. આ બાબતે નવસારી રેલવે સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટને જાણ કરતા તેઓએ જલાલપોર પોલીસ મથકે જાણ કરી હતી. મૃતકની લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જયારે પોલીસે નવસારી રેલ્વે સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ અરવિંદભાઈની ફરિયાદને આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top