World

જાપાનના દક્ષિણપશ્ચિમમાં નાનમાડોલ તોફાન ત્રાટક્યું, 1નું મોત

ટોકિયો: એક ઉષ્ણકટિબંધીય તોફાને સોમવારે દક્ષિણપશ્ચિમ જાપાનને (Japan) વરસાદ (Rain) અને પવનથી ધમરોળ્યું હતું જેમાં 1 વ્યક્તિનું મૃત્યુ (Death) થયું હતું જ્યારે અન્ય એક ગુમ થયો હતો. ત્યારબાદ તોફાન ઉત્તરમાં ટોકિયો તરફ ફંટાયું હતું. નાનમાડોલ ઝંઝાવાત રવિવારે કીયુશુ ક્ષેત્ર પર ત્રાટક્યું હતું ત્યારબાદ ભારે વરસાદના પગલે માર્ગો પર નદીના કાદવવાળા પાણીનું પૂર આવ્યું હતું અને મોટી સંખ્યામાં ઘરોમાં વીજળી જતી રહી હતી, ત્યારબાદ આ નબળું પડીને તોફાનમાં ફેરવાયું હતું.

પૂરના પાણીમાં એક કાર ડૂબી જતાં તેમાં બેસેલા શખ્સનું મૃત્યુ થયું હતું તેનો મૃતદેહ સોમવારે તેની કારમાંથી મળ્યો હતો, એમ એક અધિકારી યોશિહારુ મેદાએ કહ્યું હતું. આ ઉપરાંત ભેખડ ધસવાના કારણે એક ઘર તૂટી પડયું હતું ત્યારબાદ એક શખ્સ ગુમ થયો હતો. નાનમાડોલ ઝંઝાવાતમાં 108 કિ.મી. પ્રતિ કલાકથી લઈને 162 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો, એમ જાપાનના હવામાન ખાતાએ કહ્યું હતું. હજારો લોકોને જોખમી સ્થળોથી બહાર કાઢવામાં આવ્યા હતાં, તેમને જિમનેઝિયમ અને અન્ય સુરક્ષિત સ્થળોમાં રાત પસાર કરવી પડી હતી.

ભારે વરસાદ અને ઝડપથી ફુંકાયેલા પવનમાં 60થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. કાગોશિમા શહેરમાં ચક્રવાતી પવનોએ સાઈનબોર્ડ્સ પાડી નાંખ્યા હતાં જ્યારે એક ક્રેન નીચે પડી ગઈ હતી. બુલેટ ટ્રેન અને એરલાઈન્સોએ પોત પોતાની સેવાઓ રદ કરી હતી. ભેખડ ધસવાની અને નદીઓમાં પૂર આવવાની ચેતવણી જારી કરાઈ હતી. કેટલાંક રાજમાર્ગો બંધ કરી દેવાયા હતા. કેટલીક જગ્યાએ મોબાઈલ નેટવર્કમાં વિક્ષેપ આવ્યો હતો. તોફાન ટોકિયો અને ઉત્તરપૂર્વ જાપાન તરફ આગળ વધશે ત્યારે જાપાનના મુક્ય દ્વિપ હોનશુમાં ભારે વરસાદની આગાહી છે.

વાવાઝોડું ફિયોના: પુર્તો રિકોમાં ભારે પૂરમાં પુલ તણાઈ ગયો
હવાના: પુર્તો રિકોમાં તબાહી મચાવ્યા બાદ વાવાઝોડું ફિયોના સોમવારે ડોમીનીકેન રીપબ્લિક પર ત્રાટક્યું હતું, આ પહેલાં વાવાઝોડાના કારણે પુર્તો રિકોમાં પાવર ગ્રીડ ક્ષતિગ્રસ્ત થયું હતું અને પૂર અને ભેખડ ધસવાના બનાવો બન્યા હતાં, ગવર્નરે આને ‘મહાવિનાશ’ ગણાવ્યું હતું. અત્યાર સુધી કોઈ મૃત્યુ નોંધાયું ન હતું પણ સત્તાધીશોએ કહ્યું હતું કે આ તોફાનથી થયેલા નુકસાનનો અત્યારે અંદાજ લગાવી શકાય નહીં.

શક્તિશાળી તોફાન ફિયોના રવિવારે પુર્તો રિકો પર ત્રાટક્યું હતું. તોફાન સાથે આવેલો ભારે વરસાદ જીવલેણ લાગી રહ્યો હતો ત્યારે અહીંના નિવાસીઓએ પોતાના ઘરો બંધ કરી કટોકટીના સમયની તૈયારીઓ કરી હતી. પ્રમુખ જો બાઈડેને આ ક્ષેત્ર માટે કટોકટીની જાહેરાત કરી હતી. રસ્તાઓ પૂરી રીતે ધોવાઈ ગયા હતાં જ્યારે 2017માં આવેલા મારિયા તોફાન બાદ નવો બનાવેલો પુલ પૂરના પાણીમાં તણાઈ ગયો હતો. ઉતુદાઓ ટાઉનમાં આવેલો પુલ તોફાન અને પૂરમાં તણાઈ ગયો હતો.
ગ્રીડ ફેલ થતાં અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટું બ્લેકઆઉટ થયું હતું, આખા દ્વિપમાં વીજળી જતી રહી હતી. અમેરિકાના વાવાઝોડા કેન્દ્રએ જણાવ્યા મુજબ તોફાનમાં 85 માઈલ પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાયો હતો. ફિયોના વાવાઝોડાના કારણે પ્યુર્ટોમાં હજી પણ ભારે વરસાદની ચેતવણી છે, અહીં 30 ઈંચ સુધી વરસાદ આવવાની આગાહી છે. હવામાન ખાતાએ કહ્યું હતું પૂર ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે.

Most Popular

To Top