Sports

સોશિયલ મીડિયા પર ટીકાથી વિનેશ ફોગાટ દુખી : અમે ખેલાડી છીએ રોબોટ નહીં

નવી દિલ્હી : ભારતીય મહિલા રેસલર (Indian women wrestler) વિનેશ ફોગાટે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીતી ન શક્યા પછી સોશિયલ મીડિયા પર થઇ રહેલી તેની ટીકાને નિરાશાજનક ગણાવીને કહ્યું હતું કે અમે ખેલાડીઓ છીએ રોબોટ નથી. વિનેશે તેની સાથે જ સાથી ખેલાડીઓને સખત મહેનત કરવાનું પણ કહ્યું જેથી આવી ટીકાની સંસ્કૃતિનો અંત લાવી શકાય.
વિનેશે ગયા અઠવાડિયે બેલગ્રેડમાં 53 કિગ્રાની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતવાની સાથે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનારી ભારતની પહેલી મહિલા રેસલર બની હતી.

જો કે વિનેશ જે રીતે ક્વોલિફિકેશન રાઉન્ડમાં મંગોલિયાની ખુલ્લન બટખુયાગ સામે 0-7થી હારી ગઈ હતી તેની સોશિયલ મીડિયા પર ટીકા થઈ હતી. તે પછી તેણે એકપણ પોઈન્ટ ગુમાવ્યા વગર રિપેચેજમાં બે રાઉન્ડ બાદ બ્રોન્ઝ મેડલ મેચ જીતવા માટે શાનદાર વાપસી કરી હતી. 28 વર્ષીય ખેલાડી સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટીકાથી ખૂબ જ દુઃખી છે.

કોહલીને લખી વાળવા માટે ખુબ જ સાહસી વ્યક્તિત્વની જરૂર પડશે : એરોન ફિન્ચ
મોહાલી : ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે સોમવારે કહ્યું હતું કે વિરાટ કોહલીને લખી વાળવા માટે ખૂબ જ હિંમતવાન વ્યક્તિની જરૂર પડશે અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને છેલ્લા 15 વર્ષમાં જે મેળવ્યું છે તેને ધ્યાને લેતા તેને એમ જ લખી વાળવો એ ખુબ જ હાસ્યાસ્પદ ગણાશે. કોહલી આ મહિનાની શરૂઆતમાં એશિયા કપથી ફોર્મમાં પાછો ફર્યો હતો અને તેણે તેની 71મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. નવેમ્બર 2019 પછી આ તેની પ્રથમ સદી પણ હતી. ફિન્ચે ભારત સામેની ટી-20 સીરિઝની પૂર્વ સંધ્યાએ કહ્યું હતું કે ખાસ કરીને ટી-20 ક્રિકેટમાં, તે એવી વ્યક્તિ છે જેણે તેની રમતને નવી ઊંચાઈઓ પર લઈ ગયો છે અને જ્યારે તમારે તેનો સામનો કરવાનો હોય ત્યારે તમારે શ્રેષ્ઠ તૈયારી કરવી પડે છે.

ફિન્ચે ખરાબ ફોર્મને કારણે વન ડેમાંથી નિવૃત્તિ લીધી છે અને ટી-20માં તેના પર બધાની નજર રહેશે. તેણે કહ્યું હતું કે થોડા સમય પછી તમને ટીકા સહન કરવાની આદત પડી જાય છે. ટી-20 ક્રિકેટમાં મને લાગે છે કે હું ખરેખર સારું રમી રહ્યો છું.

Most Popular

To Top