National

જૈન સાધુ મુનિ કામકુમાર નંદીની હત્યાથી ચકચાર

બેલગામ: કર્ણાટકના (Karnataka) બેલગામ (Belgam) જિલ્લામાં જૈન સાધુની (Jain Monk) હત્યાનો (Murder) એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મુનિ કામકુમાર નંદી મહારાજ (Muni Kamkumar Nandi Maharaj) બુધવારથી ગુમ હતા. ગુરુવારે ભક્તોએ તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જૈન સાધુના હત્યાના મામલામાં પોલીસે બે જણાની ધરપકડ કરી હોવાની માહિતી સાંપડી છે.

આ ઘટના જિલ્લાના ચિક્કોડી વિસ્તારનો છે. આચાર્ય શ્રી કમકુમાર નંદી મહારાજ છેલ્લા 15 વર્ષથી બેલગવી જિલ્લાના ચિક્કોડી તાલુકાના હિરેકોડી ગામમાં સ્થિત નંદીપર્વત આશ્રમમાં રહેતા હતા. દરમિયાન ગુરુવારે આચાર્ય કમકુમારાનંદી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભીમપ્પા ઉગરેએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે જૈન સાધુ ગુમ થઈ ગયા છે.

ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને શંકાસ્પદની પૂછપરછ કરી હતી. શંકાસ્પદ આરોપીએ જૈન સાધુની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાની કબૂલાત કરી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું કે આ ગુનામાં તેની સાથે વધુ એક વ્યક્તિ સંડોવાયેલો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી છે. હાલ પોલીસે જૈન સાધુ કમકુમાર નંદી મહારાજના મૃતદેહની શોધખોળ શરૂ કરી છે.

આરોપીઓ પોલીસને સ્પષ્ટ માહિતી આપતા નથી કે તેઓએ જૈન મુનિની હત્યા ક્યાં કરી અને તેમની લાશ ક્યાં ફેંકી? એક વાત સામે આવી રહી છે કે જૈન સાધુના મૃતદેહના ટુકડા કરી કટકાબાવી ગામ પાસે ફેંકી દેવામાં આવ્યા હતા. બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે લાશને કપડામાં લપેટીને નદીમાં ફેંકી દેવામાં આવી હતી.

બાતમીના આધારે પોલીસે શુક્રવારે મધરાત સુધી કટકાબાવી ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જૈન સાધુ કમકુમાર નંદીના મૃતદેહની શોધ શનિવારે પણ ચાલુ છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ આશ્રમમાંથી જૈન સાધુનું અપહરણ કરીને તેની હત્યા કર્યાની કબૂલાત કરી છે. હાલ હિરેકોડી ગામના નંદી પર્વત આશ્રમમાં શાંતિનો માહોલ છે. સાવચેતીના ભાગરૂપે ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Most Popular

To Top