Charchapatra

સત્યનારાયણ ગંગારામ પિત્રોડા ભૂલથી રાજકારણમાં આવી ગયા હતા

કોંગ્રેસના નેતાઓની જીભ લપસી જાય છે તેનો ફાયદો ભાજપને અનાયાસે મળી જતો હોય છે. કોંગ્રેસના એક નેતાએ ૨૦૧૪ની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીને ‘ચાઇવાલા’ કહીને ઊતારી પાડ્યા તેનો ભરપૂર લાભ ભાજપને મળ્યો હતો. હવે આ કામ સામ પિત્રોડા તરીકે ઓળખાતા સત્યનારાયણ ગંગારામ પિત્રોડા નામના ગુજરાતી ટેકનોક્રેટ કરી રહ્યા છે. બે સપ્તાહની અંદર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાનાં બે નિવેદનોએ એવો વિવાદ ઊભો કર્યો છે કે કોંગ્રેસ પાર્ટી બચાવ કરવાની સ્થિતિમાં આવી ગઈ છે.

પહેલાં એક ઈન્ટરવ્યુમાં સામ પિત્રોડાએ હેરિટન્સ ટેક્સના ઉલ્લેખને ચગાવ્યો હતો અને કહ્યું હતું કે ભારતમાં પણ તેની ચર્ચા થવી જોઈએ, જેને ભાજપે ચૂંટણીનો મોટો મુદ્દો બનાવ્યો હતો. આ પછી તેમણે અંગ્રેજી અખબારને આપેલા  ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘‘આપણે ભારત જેવા વિવિધતાથી ભરેલા દેશને સાથે રાખી શકીએ છીએ, જ્યાં પૂર્વમાં રહેતાં લોકો ચાઈનીઝ જેવા દેખાય છે, પશ્ચિમમાં રહેતાં લોકો આરબો જેવા દેખાય છે, ઉત્તરમાં રહેતાં લોકો મને લાગે છે કે ગોરા લોકો છે. આફ્રિકન જેવા દેખાવાથી કોઈ ફરક પડતો નથી.’’

ભાજપે તેને વંશીય ટિપ્પણી ગણાવી અને ખુદ વડા પ્રધાન મોદીએ પોતાના ચૂંટણી ભાષણમાં સામ પિત્રોડાના નિવેદન દ્વારા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. વધતા જતા સંકટ વચ્ચે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સામ પિત્રોડાના નિવેદનથી પોતાને દૂર રાખ્યા હતા અને સાંજ સુધીમાં તેમણે સામ પિત્રોડાનું ઈન્ડિયન ઓવરસીઝના પ્રમુખપદેથી રાજીનામું આપવાની માહિતી આપી હતી. જો કે, આ પહેલી વાર નથી, જ્યારે સામ પિત્રોડાએ પોતાનાં નિવેદનોથી કોંગ્રેસને મુશ્કેલીમાં મૂકી હોય. આ પહેલાં વર્ષ ૨૦૧૯માં તેણે ૧૯૮૪નાં શીખ રમખાણો પર નિવેદન આપ્યું હતું, જેના પર ઘણો હોબાળો થયો હતો. સામ પિત્રોડાએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ૧૯૮૪માં જે કંઈ થયું તે; છેલ્લાં પાંચ વર્ષમાં શું થયું તેની વાત કરો. જ્યારે આ નિવેદન પર હોબાળો થયો ત્યારે સામ પિત્રોડાને માફી માગવાની ફરજ  પડી હતી.

સામ પિત્રોડાની યાત્રા ઓડિશાના બોલાંગીર જિલ્લાના ગામ તિતલાગઢથી શરૂ થઈ હતી. ત્યાં સામના દાદા સુથારી કામ કરતા હતા. સામના પિતા ઈચ્છતા હતા કે તે ગુજરાતી અને અંગ્રેજી શીખે. તેથી તેમણે સામને અને તેના મોટા ભાઈ માણેકને પહેલાં ગુજરાતના વિદ્યાનગરની શારદા મંદિર બોર્ડિંગ સ્કૂલમાં અને પછી યુનિવર્સિટી ઓફ બરોડામાં અભ્યાસ કરવા મોકલ્યા હતા. ત્યાંથી તેમણે ભૌતિક વિજ્ઞાનમાં એમ.એસ.સી.ની પરીક્ષા પાસ કરી હતી.

બરોડા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે સામ પિત્રોડા તેમની ભાવિ પત્ની અનુ છાયાને મળ્યા હતા. ભૌતિકશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા પછી સામ પિત્રોડા ઇલેક્ટ્રોનિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવવા માટે શિકાગોની ઇલિનોઇસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં ગયા હતા. સામ પિત્રોડા શિકાગો પહોંચ્યા ત્યારે તેમને અમેરિકન સંસ્કૃતિ સાથે તાલ મિલાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

અભ્યાસ પૂરો કર્યા પછી સામે ટેલિવિઝન ટ્યુનર મેન્યુફેક્ચરિંગ કંપની ઓક ઇલેક્ટ્રિકમાં કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં સુધી સામનું નામ સત્યનારાયણ ગંગારામ પિત્રોડા હતું. જ્યારે તેમને પગારનો ચેક મળ્યો ત્યારે તેનું નામ સામ પિત્રોડા લખવામાં આવ્યું હતું. જ્યારે તેમણે આ અંગેની ફરિયાદ ક્લાર્કને કરી તો તેણે કહ્યું કે તમારું નામ ઘણું લાંબુ છે તેથી મેં બદલી નાખ્યું છે. સામને આશ્ચર્ય થયું કે કોઈ વ્યક્તિ તેની સંમતિ વિના તેનું નામ કેવી રીતે બદલી શકે છે; પરંતુ પછી તેમને લાગ્યું કે જો તેઓ ચેક પર નામ બદલવાનો આગ્રહ કરશે, તો તેમને રોકડા કરવામાં વધુ બે અઠવાડિયાં લાગશે. આ નામ તેમની સાથે ચોંટી ગયું અને તેઓ સામ પિત્રોડા તરીકે ઓળખાયા.

૧૯૭૪માં સામ પિત્રોડાએ વિશ્વની પ્રથમ ડિજિટલ કંપનીઓમાંની એક વિસ્કોમ સ્વિચિંગમાં કામ કરવાનું શરૂ કર્યું. રોકવેલ ઇન્ટરનેશનલે તેને ૧૯૮૦માં ખરીદી હતી. સામ આ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા હતા અને તેમાં હિસ્સો પણ મેળવ્યો હતો. તેમણે તેને વેચવાનું નક્કી કર્યું અને વળતરમાં ચાર કરોડ ડોલર મેળવ્યા હતા. તેઓ ૧૯૮૦માં દિલ્હી આવ્યા હતા. બીજા દિવસે સવારે જ્યારે સામ પિત્રોડાએ તેમની હોટેલની બારીમાંથી બહાર જોયું ત્યારે તેમણે નીચે રસ્તા પરથી પસાર થતી એક મૃત ફોનની પ્રતીકાત્મક અંતિમયાત્રા જોઈ.

તેમાં મૃતદેહની જગ્યાએ તૂટેલા, કામ ન કરતા ફોન રાખવામાં આવ્યા હતા અને લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. સામ પિત્રોડાએ તે જ ક્ષણે નક્કી કર્યું કે તેઓ ભારતની ટેલિફોન સિસ્ટમને ઠીક કરશે. ૨૬ એપ્રિલ, ૧૯૮૪ના રોજ કેન્દ્રીય કેબિનેટે C-DOTની શરૂઆતને મંજૂરી આપી હતી. સામ પિત્રોડાને ૧ રૂપિયાના વાર્ષિક પગારે C-DOTના વડા બનાવવામાં આવ્યા હતા. આ પહેલાં સામ પિત્રોડાએ વડાં પ્રધાન  ઈન્દિરા ગાંધી અને તેમની કેબિનેટ સામે એક કલાક લાંબી રજૂઆત કરી હતી.

આ દરમિયાન સામ પિત્રોડાને ટેલિકોમ કમિશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તે દરમિયાન પ્રખ્યાત કંપની જનરલ ઇલેક્ટ્રિકના ચેરમેન જેક વેલ્ચ ભારત આવ્યા હતા. તેઓ રાજીવ ગાંધીને મળવાના હતા પરંતુ તેઓ કોઈ મહત્ત્વપૂર્ણ કામમાં વ્યસ્ત હતા તેથી તેમણે સામ પિત્રોડાને મળવા મોકલ્યા હતા. સામે તેમને નાસ્તા માટે આમંત્રણ આપ્યું. વેલ્ચનો પ્રથમ પ્રશ્ન હતો કે તમારી પાસે અમારા માટે કઈ ઓફર છે? સામે કહ્યું કે અમે તમને સોફ્ટવેર વેચવા માંગીએ છીએ. વેલ્ચે કહ્યું કે અમે અહીં સોફ્ટવેર ખરીદવા નથી આવ્યા.

અમારો હેતુ તમને એન્જિન વેચવાનો છે. સામે કહ્યું કે અમારો તમારી પાસેથી એન્જિન ખરીદવાનો કોઈ ઈરાદો નથી. એક મહિના પછી જીઈના ઉચ્ચ અધિકારીઓ દિલ્હી પહોંચ્યા. સામ પિત્રોડાએ તે સમયે નવી બનેલી કંપની ઈન્ફોસિસ સાથે તેમની મીટિંગ ગોઠવી હતી. ઇન્ફોસિસે કહ્યું કે તેમની પાસે ઓફિસ પણ નથી. સામે કહ્યું કે જીઈના લોકોને આ વાત ન કહો અને તેમને કોઈ ફાઈવ સ્ટાર હોટલમાં મળો. જીઈએ દસ મિલિયન ડોલરના સોફ્ટવેરનો પ્રથમ ઓર્ડર આપ્યો અને ભારતના સોફ્ટવેર ઉદ્યોગનો પાયો નાખવામાં આવ્યો.

૨૧ મે, ૧૯૯૧ના રોજ રાજીવ ગાંધીની અચાનક હત્યા કરવામાં આવી હતી. આ પછી સામ પિત્રોડાને ભારત પાછા જવાનું મન ન થયું. સામને લાગ્યું કે હવે અમેરિકા પાછા જવાનો સમય આવી ગયો છે. થોડું વિચિત્ર લાગે છે કે સામ પિત્રોડાએ તેમના કામના જુસ્સામાં ૧૯૬૫ પછી કોઈ ફિલ્મ જોઈ નથી. તેમના નજીકના મિત્ર અને ભૂતપૂર્વ રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદી કહે છે કે સામ પિત્રોડા ન તો શોપિંગ કરવા જાય છે, ન તો કોઈ બર્થ-ડે પાર્ટીમાં જાય છે, ન તો ક્યારેય ફિલ્મ જોવા જાય છે.

એક વાર તેઓ મારા ઘરે રોકાયા હતા. તેમની પત્ની અનુ પણ તેમની સાથે હતી. સામે કહ્યું કે તેને ફિલ્મ સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ મેં તેને ફિલ્મ જોવા માટે દબાણ કર્યું. અમે જ્યારે ફિલ્મ જોઈને બહાર આવ્યા ત્યારે અનુએ કહ્યું કે તમારો ખૂબ ખૂબ આભાર. મેં કહ્યું, મારો આભાર માનવાની શું જરૂર છે. અનુએ કહ્યું કે અમારા ચાલીસ વર્ષના દાંપત્યજીવનમાં પહેલી વાર અમે સાથે ફિલ્મ જોઈ છે.  સામ પિત્રોડા બાળપણથી જ તબલા વગાડતા, ચિત્રકામ કરતા અને ઉત્તમ સંગીત સાંભળતા આવ્યા છે. તેમને ગઝલો સાંભળવી ખૂબ જ ગમે છે.

તેમને ઈકોનોમિસ્ટ અને વોલ સ્ટ્રીટ જર્નલ વાંચવાનું પસંદ છે. થોડાં વર્ષો પહેલાં વિયેનામાં તેમનાં ચિત્રોનું એક પ્રદર્શન યોજાયું હતું. તેમને સંગીત સાંભળવાનો ખૂબ શોખ છે. સામ પિત્રોડા રાજનીતિના માણસ નથી પણ ટેકનોક્રેટ છે. રાજનીતિમાં તેઓ ભૂલથી આવી ગયા હતા. તેમના આખાબોલા સ્વભાવને કારણે તેઓ ક્યારેક તેમના રાજકીય નેતાને મુશ્કેલીમાં મૂકી દેતાં નિવેદનો કરી બેસતા હોય છે. આ છબરડા પછી તેઓ કાયમ માટે રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેશે તો જરાય નવાઈ નહીં લાગે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top