Comments

ચૂંટણીમાં બેરોજગારી રાષ્ટ્રીય મુદ્દો કેમ નથી?

18મી લોકસભાની ચૂંટણી શરૂ થઈ એ પહેલાં લોકનીતિ સંસ્થાએ લોકોને મહત્ત્વના લાગતા મુદ્દાઓ અંગે એક સર્વે કર્યો, જેમાં સૌથી વધુ લોકોએ બેરોજગારીને સૌથી અગત્યનો પ્રશ્ન ગણાવ્યો. યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક રીતે ઊંચું છે. ખાસ કરીને શિક્ષિત યુવાનોમાં. ઈન્ડિયા એમ્પ્લોયમેંટ રિપોર્ટ 2024 મુજબ ગ્રેજ્યુએટ થયેલાં યુવાનોમાંથી લગભગ 28 ટકા બેરોજગાર છે ! અથવા જે કામ કરે છે તે તેમની શૈક્ષણિક લાયકાતને યોગ્ય નથી ! 2021માં સરકારી ઓફિસમાં પટાવાળાની 62 જગ્યાની જાહેરાત થઈ જે માટે 93,000 લોકોએ અરજી કરી જેમાં 5000 ગ્રેજ્યુએટ, 28,000 પોસ્ટ ગ્રેજ્યુએટ અને 3700 પી.એચ.ડી થયેલાં હતાં!

આજે કામની જે તકો ઊભી થાય છે તેમાં સૌથી વધુ અનૌપચારિક પ્રકારની છે જેમાં કામના કલાકો લાંબા છે, વળતર ઓછું છે  અને સામાજિક સુરક્ષાનો અભાવ છે. બેરોજગારીનો પ્રશ્ન ગંભીર છે અને એનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. ઉત્પાદન વધારવા માટે મૂડીનો વધુ ઉપયોગ કરવાનું ચલણ તો આઝાદી પછી રહ્યું જ છે, પણ ઉદારીકરણના તબક્કા પછી વધેલી આવક અને રોકાણલાયક બચતના પરિણામે મૂડી પ્રમાણમાં સસ્તી થઈ. વળી, ફોરેન ઈન્વેસ્ટમેન્ટ માટે પણ દરવાજા ખૂલી જવાથી મૂડીનો પુરવઠો વધ્યો. સાથે સાથે મૂડીપ્રધાન ટેકનોલોજી પણ સરળતાથી મળતી થઈ. એની સામે મજૂરને આપવા પડતાં મૂળભૂત હક મોંઘા પડે છે. આર્થિક વૃધ્ધિમાં મૂડીનું યોગદાન વધારે અને શ્રમ યોગદાન ઓછું થતું ગયું છે.

રાષ્ટ્રીય કક્ષાના બંને પક્ષ – ભાજપ અને કોંગ્રેસ  રોજગારની વાત કરે તો છે કારણ કે એ વિના  એમનો છૂટકો નથી. પણ બંનેના ચૂંટણી ઢંઢેરામાં રોજગારની વાત ઠાલા વચન સિવાય કશું વિશેષ લાગતી નથી. “સત્તામાં આવીશું તો નોકરી આપીશું” એવું બોલવાથી નોકરી ઊભી થતી નથી. એ માટેના રોડ મેપની વાત કોઈ વિગતે નથી કરતું. સ્ટાર્ટ અપને ટેકો આપવાથી ધંધામાં નવીનતા જરૂર આવશે, પણ જ્યારે  માંડ 10 ટકા સ્ટાર્ટઅપ લાંબુ ટકતા હોય ત્યારે તેમને રોજગારના વિકલ્પ તરીકે જોઈ શકાય નહીં. એ માટે તો આર્થિક પ્રવૃત્તિઓનું માળખું જ રોજગારલક્ષી બનાવવું પડે. શ્રમશક્તિને મહત્ત્વ આપવું પડે. પણ, અત્યારે પરિસ્થિતિ એ છે કે જો  એ અંગે જો કોઈ બોલે તો મોટો રાજકીય વિવાદ ઊભો થઈ જાય, જે બન્નેમાંથી એકેય પક્ષને પરવડે એમ નથી. 

માળખાકીય ફેરફાર તો દૂરની વાત છે. વર્તમાન સમયમાં સરકારી નોકરીમાં જ લાખો જગ્યા ખાલી પડી છે જ્યાં ભરતીની પ્રક્રિયા હાથ પર લેવામાં વિલંબ જ થયા કરે છે. માત્ર કેન્દ્ર સરકારમાં જ 9.5 લાખ જેટલી જગ્યા ખાલી પડી છે. ભરતી કરવાની કોઈને ચિંતા પણ હોય એવું દેખાતું નથી. પાછલાં વર્ષોમાં, કોવિડનું એક વર્ષ છોડીને,  મનરેગાને ફાળવાતું બજેટ ક્યાં તો ઘટ્યું છે અથવા સ્થગિત રહ્યું છે, જેની સામે મનરેગામાં થકી નોકરીની માંગ કોવિડ પહેલાંનાં વર્ષો કરતાં વધુ છે.

નોકરીઓની અછત વચ્ચે સ્વરોજગારમાં આશા દેખાય. સ્વરોજગારની તકો ઊભી કરવાની શકયતા શિક્ષણની ગુણવત્તા સીધો સંબંધ છે. ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ નાટકીય રીતે વધ્યું છે. વર્તમાન સરકાર પોતાની સફળતા ગણાવતી વખતે યુનિવર્સિટીની વધેલી સંખ્યા વારંવાર ગણાવે છે. અહીં જોવાનું એ છે કે નવી શરૂ થયેલી યુનિવર્સિટીમાંથી મોટા ભાગની ખાનગી યુનિવર્સિટી છે. જેમને માટે આ નફો કમાવી આપનારો વ્યવસાય છે. નફો એટલે વધુ આવક અને ઓછો ખર્ચ – આ સીધું અને સરળ ગણિત શિક્ષણના વેપારમાં પણ લાગુ પડે છે. શિક્ષણ એક ઉમદા કાર્ય હોવાથી વેપારના તર્કમાં કોઈ ફેરફાર આવતો નથી. વિદ્યાર્થી દીઠ શિક્ષકોનું નીચું પ્રમાણ, શિક્ષકોની નબળી ગુણવત્તા, મર્યાદિત પુસ્તકો અને વિદ્યાર્થીને ઉપલબ્ધ કરાવી શકાય એવાં મર્યાદિત સંસાધનો.

આ બધા સાથે નવીનતા વગરની શૈક્ષણિક પધ્ધતિ. આ સંસ્થાઓ ઊંચી ફી વસૂલ્યા છતાં વિદ્યાર્થીને રોજગાર માટે સક્ષમ બનાવી શકતી નથી. હાલમાં નોઇડા સ્થિત ખાનગી સંસ્થા – ગલગોટિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો જે વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો તે આપના વર્તમાન શિક્ષણની ગુણવત્તા વિષે ઘણું કહી જાય છે. આ વિદ્યાર્થીઓ કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં રજૂ કરેલી નીતિનો વિરોધ કરવા આવ્યા હતા. દેખીતું હતું કે એમને કોઈ લાલચ આપીને ત્યાં મોકલવામાં આવ્યા હતા . પણ, એ ચિંતાનો વિષય નથી – દરેક પક્ષ વર્ષોથી ભાડૂતી પ્રેક્ષકો લાવે છે. ચિંતાનો વિષય એ છે કે તેઓ પોતે જાણતા જ નો’તા કે તેઓ શાનો વિરોધ કરી રહ્યા છે ! પોતે પકડેલા પ્લેકાર્ડ ઉપર લખેલા શબ્દો પણ આસાનીથી વાંચી શકતા ન હતા. કહો, આવા શિક્ષિત યુવા ધનને ક્યાં નોકરી મળે?

એક વિષચક્ર ઊભું થયું છે. નોકરીની અછતને કારણે યુવાનો ઉચ્ચ શિક્ષણ લેતા જાય છે, એવી આશા સાથે કે વધુ ભણીશું તો ‘સારી’ નોકરી મળશે. પણ, ઉચ્ચ શિક્ષણ એમની માનવમૂડીમાં કોઈ વધારો કરતું નથી અને રોજગારની તકોમાં સુધારો કરી શકતું નથી. અફસોસ એ છે કે ચૂંટણી ટાણે આ ગંભીર પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના રસ્તા અંગે રાષ્ટ્રીય ચર્ચા થવી જોઈએ જ્યારે આપણી ચૂંટણી હિન્દુ-મુસ્લિમના નફરતી પ્રચારથી ઉપર ઊઠી શકતી નથી!
નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top