SURAT

રત્નકલાકારોને નોકરીમાંથી કાઢી મુકનાર સુરતની આ ડાયમંડ કંપનીને કોર્ટની લપડાક

સુરત: મંદીના સમયમાં રત્નકલાકારોને સાચવવાના બદલે તેમને નોકરીમાંથી કાઢી મુકી આર્થિક સંકટમાં મુકનાર સુરતની ડાયમંડ કંપનીને સુરતની લેબરકોર્ટે લપડાક આપી છે. કોર્ટે કંપનીના સંચાલકોને ખખડાવવાની સાથે રત્નકલાકારોને યોગ્ય વળતર આપવા હુકમ કર્યો છે.

મંદીના કારણે કારીગરને કાઢી મૂકનાર એસ.વિનોદકુમાર ડાયમંડ કંપનીને લેબર કોર્ટની લપડાક મળી હતી. લેબર કોર્ટે કારીગરને 1.25 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. કેસની વિગત એવી છે કે એ.કે.રોડ પર રહેતા રાજેશભાઇ પંડયા એસ.વિનોદકુમાર ડાયમંડ કંપનીમાં ચપકા વર્કર તરીકે નોકરી કરતા હતાં.

તેમણે 1 ઓક્ટોબર 2014 થી 7 ઓક્ટોબર 2015 સુધી કંપનીમાં સળંગ નોકરી કરેલી અને 7 ઓક્ટોબર 2015ના રોજ તેઓ નોકરી પર ગયા ત્યારે તેઓને નોટીસ કે પગાર કે છટણીના વળતરના રૂપિયા ચૂકવ્યા વગર કંપનીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતાં. તેમણે એડવોકેટ પ્રીતિ જોષી તથા બેલા ગીરનારા મારફતે ન્યાય મેળવવા માટે સુરતની લેબર કોર્ટમાં અરજી કરી હતી.

એડવોકેટ પ્રીતી જોષી અને બેલા ગીરનારા કોર્ટમાં ઘણી દલીલો કરાઈ તેમાં કોર્ટના ધ્યાને એ વાત લાવવામાં સફળ થયા હતા કે,“ કંપની તરફથી કર્મચારીઓને હાજરી પત્રક આપવામાં આવતું નથી, અરજદાર કર્મચારીએ સતત ૨૪૦ દિવસ કામ કરેલ તે બાબતે સામાવાળા કંપનીનું મૌન હતુ.”

આ તમામ હકીકતોને ધ્યાને લઇને મજુર અદાલતના પ્રિસાઇડિંગ અઘિકારી ડી.જે. થોળીયા સાહેદ દ્રારા સામાવાળા હિરાની એસ.વિનોદકુમાર ડાયમંડ પ્રાઈવેટ કંપનીને ઉચ્ચક વળતરના રૂપિયા ૧,૨૫,૦૦૦ અરજદારને ૩૦ દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા અનેકોવાર રત્નકલાકારોના હિતમાં લડત ઉપાડવામાં આવી છે. આ યુનિયને બે મહિના પહેલાં જ જાહેર કર્યું હતું કે, આર્થિક મંદીના લીધે ડાયમંડ ફેક્ટરીમાંથી 10,000 જેટલાં રત્નકલાકારોને નોકરી પરથી કાઢી મુકવામાં આવ્યા છે, તેઓને કોઈ ભથ્થું આપવામાં આવ્યું નથી. બેરોજગારીના લીધે કેટલાંય રત્નકલાકારો જીવન ટુંકાવી રહ્યાં છે. એસ. વિનોદ વિરુદ્ધ લેબર કોર્ટના હૂકમના લીધે હવે આવા રત્નકલાકારોને ન્યાય માટે લડવાનું બળ મળશે તે નક્કી છે.

Most Popular

To Top