National

દેશના નવા ઉપરાષ્ટ્રપતિ હશે જગદીપ ધનખડ, 528 વોટ સાથે મેળવી પ્રચંડ જીત

નવી દિલ્હી: (New Delhi) જગદીપ ધનખડ (Jagdeep Dhankhar) દેશના નવા ઉપરાષ્ટ્રપતિ હશે. તેઓ 11 ઓગસ્ટે શપથ લેશે. ઉપરાષ્ટ્રપતિની (Vice President) ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. જગદીપ ધનખડે જોરદાર જીત નોંધાવી છે. ધનખરને 528 મત મળ્યા હતા. જ્યારે માર્ગારેટ આલ્વાને 182 વોટ મળ્યા હતા. 15 મતો અમાન્ય જાહેર થયા હતા. 725 સાંસદોએ મતદાન (Voting) કર્યું. આ પહેલા શનિવારે બપોરે વોટિંગની પ્રક્રિયા દરમ્યાન સમાજવાદી પાર્ટીના 2 સાંસદો, શિવસેનાના 2 અને બસપાના 1 સાંસદે ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન કર્યું ન હતું. બીજી તરફ ભાજપના સનીદેઓલ અને સંજય ધોત્રે સ્વાસ્થ્યના કારણોસર મતદાન કરી શક્યા ન હતા.

દેશના આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોમાં NDAના ઉમેદવાર જગદીપ ધનખડની જીત થઈ છે. આ પદ માટે એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડ અને વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વા વચ્ચે મુકાબલો હતો. બંને ગૃહોમાં એનડીએની મજબૂત સ્થિતિને જોતાં ધનખડની જીત પહેલાથી જ નિશ્ચિત હતી. ઘનખડ 11 ઓગસ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ પદના એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડના ઘરે તેમને અભિનંદન આપવા પહોંચ્યા હતા.

પરિણામ જાહેર થાય તે પહેલાં જ ઘનખડના ગામમાં ઉજવણીનો પ્રારંભ શરૂ થઈ ગયો હતો. જગદીપ ધનખડ રાજસ્થાનના ઝુંઝુનુના રહેવાસી છે. તેમનું પૈતૃક ઘર ઝુંઝુનુના કિથાના ગામમાં છે. પરિણામ પહેલા જ ગ્રામજનોએ ઉજવણી શરૂ કરી દીધી હતી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધનખડની જીત પહેલાંથી જ નક્કી માનવામાં આવી રહી હતી. જેને લઈને તેમના પૈતૃક ઘરમાં, ધનખડના પરિવારના તમામ સભ્યોએ ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતા. ગામલોકોએ રાજસ્થાની ગીતો પર ડાન્સ કર્યો હતો.

શનિવારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લગભગ 93 ટકા મતદાન નોંધાયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે 50થી વધુ સાંસદોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો નથી. અધિકારીઓએ જણાવ્યું કે કુલ 780 સાંસદોમાંથી 725 સાંસદોએ સાંજે 5 વાગ્યા સુધી મતદાન કર્યું. તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણીથી દૂર રહેવાના નિર્ણયની જાહેરાત કરી દીધી છે. જો કે તેના બે સાંસદો શિશિર કુમાર અધિકારી અને દિબયેન્દુ અધિકારીએ પોતાનો મત આપ્યો હતો.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સંસદમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો મત આપ્યો હતો તેમજ પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના સાંસદ ડૉ. મનમોહન સિંહે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરવા વ્હીલ ચેર પર આવ્યા હતા. તેમના સિવાય પાર્ટીના નેતા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી અને મનીષ તિવારીએ મત આપ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસના સાંસદો રાહુલ ગાંધી, શશિ થરૂર, જયરામ રમેશ અને મલ્લિકાર્જુન ખડગેએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદમાં પોતાનો મત આપ્યો હતો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો મત આપ્યો હતો.

Most Popular

To Top