Comments

શહેરોને સ્વચ્છ રાખવા સહેલાં તો નથી!

સુરત- એક જમાનાનું સૌથી ગંદુ શહેર એ આજે 2023ના વર્ષ માટે દેશનું સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ જીતી ગયું છે! કેન્દ્રના શહેરી વિકાસ મંત્રાલય તરફથી સ્વચ્છ ભારત  અભિયાનના ઉપક્રમે 2016થી દર વર્ષે આ એવોર્ડ અપાય છે જેથી સ્વચ્છતાના ઊંચા ધોરણ તરફ પ્રગતિ કરવાની પ્રેરણા મળતી રહે. જ્યારથી સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે ત્યારથી સુરતને  પહેલા દસ નંબરમાં સ્થાન મળતું આવ્યું છે, જે આ વર્ષે પ્રથમ ક્રમાંકે પહોંચ્યું.

સુરત, માત્ર ગુજરાતનું જ નહીં, પણ દેશ આખાનું અગત્યનું ઔદ્યોગિક કેન્દ્ર રહ્યું છે. આર્થિક વૃધ્ધિ પણ સૌથી ઝડપી રહી છે. 1990ના દાયકા મધ્ય સુધી પ્રશાસન ઝડપથી વધી રહેલા શહેરની સાથે ઝડપથી વધી રહેલી ગંદકીને સાફ રાખવામાં પહોંચી નો’તું વળતું. સુરતની છાપ એક ગંદકીથી છલકાતા શહેરની હતી. ઠેર ઠેર કચરાના ઢગલા, ખુલ્લી ગટરો, ખુલ્લામાં શૌચ અને આ બધા સાથે ભળતું ઔદ્યોગિક પ્રદૂષણ  શહેરની ઓળખ સમાન હતા. 1994માં ફાટી નીકળેલ  પ્લેગની બીમારીએ બાજી પલટી નાખી.

પ્લેગ દુનિયામાંથી લગભગ નાબૂદ થઈ ચૂક્યો હતો એવા સમયે સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં રોગચાળાના ફેલાવાથી સરકાર, પ્રશાસન અને શહેરનાં નાગરિકો ચોંકી ઊઠયાં. આશરે 56  લોકોનો ભોગ લેનાર રોગચાળાની નોંધ આખી દુનિયાએ લીધી હતી. પ્લેગના આંચકાને લીધે સુરતના અર્થ તંત્રને આશરે 800 કરોડથી પણ મોટી રકમનો ફટકો પડયો, જે ભારતના આર્થિક સુધારણાના એ પડાવ માટે ખૂબ મોટો હતો. 1994 નું વર્ષ એટલે ભારતની વૈશ્વિકીકરણ અને ઉદારીકરણના  નીતિ-પ્રવેશનું ત્રીજું જ વર્ષ. જો આર્થિક સુધારા પાર  પાડવા હોય તો વિદેશી રોકાણ જોઈએ. સુરત તો પહેલેથી જ એક ઔદ્યોગિક શહેર રહ્યું છે.

આ શહેરની છાપ એવી હોવી જોઈએ કે જેથી રોકાણકારોને મૂડી રોકાણમાં જોખમ ના લાગે. આર્થિક કારણોમાંથી  શહેરને સ્વચ્છ કરવાની જરૂરિયાત ઊભી થઈ, જે વ્યવસ્થા લાંબા ગાળે પણ ટકી શકી.  1996માં શહેરના કમિશનર તરીકે એસ. આર. રાવની નિમણૂક થઈ જેમણે શહેરની સફાઈની વ્યવસ્થા ઊભી કરવા, જરૂરી માળખાકીય સુવિધા ઊભી કરવા તેમજ કોર્પોરેશનના કર્મચારીઓ પાસેથી યોગ્ય કામ કરાવવાની વ્યવસ્થા ગોઠવી.  શહેરનાં નાગરિકો, મોભી તેમજ મિડિયા પાસેથી અનુકૂળ ટેકો મળ્યો અને તેમના અનુગામીઓએ વ્યવસ્થા સુધારવાનું અભિયાન આગળ ધપાવ્યું. ડોર – ટુ – ડોર કચરો ભેગો કરવાની વ્યવસ્થા શરૂ કરનાર શહેરોમાં સુરત મોખરે રહ્યું છે. ઘન કચરાને છૂટો પાડી એનો નિકાલ કરવાના પ્રયત્નમાં પણ સુરતનો દેખાવ પ્રશંસનીય છે. 

ત્રીસ વર્ષનો સુરતનો સ્વચ્છ શહેર બનવાનો પ્રવાસ ખૂબ રસપ્રદ અને પ્રેરણાદાયી છે. પણ, શહેરની સ્વચ્છતા જાળવવાનું અભિયાન ખૂબ પેચીદું છે. મોટા ભાગનાં શહેરો આ મિશનમાં ખૂબ પાછળ પડે છે કારણકે ઘરે ઘરેથી કચરો ભેગો કરીને શહેરની બહાર ઢગલા ખડકી દેવાથી પ્રશ્ન હલ થઈ જતો નથી.  ખરો પડકાર તો આવકની  સાથે વધતા ઉપભોગતાવાદનો છે જે પોતાની સાથે બેસુમાર કચરો વધારે છે. જરૂર કરતાં વધારે ખરીદવાનું મધ્યમ વર્ગના સ્ટેટસ સાથે વણાતું ચાલ્યું. ગ્રાહકની સગવડ સાચવવા દરેક વસ્તુ પ્લાસ્ટિકના પડીકામાં આવે જે ઘરે પહોંચ્યા પછી સીધો કચરામાં જાય.

ભીનો- સૂકો કચરો છૂટો પડતો નથી. બધો જ કચરો ભેગો પ્લાસ્ટિકની બેગમાં પેક થઈને ઘરની બહાર નીકળે છે. જે ગતિએ કચરો નીકળે છે  એનો નિકાલ કરવા માટે તંત્રની ઝડપ ધીમી પડે છે, સાધનો ટાંચાં પડે છે અને જગ્યા ઓછી પડે છે. શહેરની ગલીઓ ચોખ્ખી રહે એ માટે ભેગા કરેલા કચરાને શહેર બહારની જમીન પર (લેન્ડ-ફિલ) ખડકી દે છે. દેશના લગભગ દરેક મોટા શહેરની બહાર કચરાના ઢગલા પર્વતમાળા સરજી  શકે એ હદે મોટા થતાં ચાલ્યા છે. અહીંથી  શરૂ થાય છે ગંદકી અને સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નોની નવી સાયકલ જે વિકાસનો પાયો કેટલો બિનટકાઉ છે તે તરફ આંગળી ચીંધે છે!

શહેરની સફાઈનો ઘણો આધાર ચોખ્ખી ગટર સાથે પણ રહેલો છે. આજની તારીખમાં પણ ગટરની સફાઈનું કામ સફાઈ કામદાર ગંદા પાણીમાં ઊતરી હાથેથી કરે છે. આજના સમયમાં જ્યારે આપણાં મોટા ભાગનાં કામ માટે મશીનો ઉપલબ્ધ છે ત્યારે ગટર સાફ કરવા જેવું અમાનવીય કામ આપણે મશીનને સોંપી શક્યાં નથી! દુ:ખદ વાત તો એ છે કે આ પ્રશ્ન થોડા દલિત કર્મશીલો સિવાય કોઈને ખાસ નડતો નથી! કોઈ પણ ભારતીય નાગરિક ગટરમાં ઊતરવાનું કામ નહીં કરે એ માટેની સામાજિક  પ્રતિબધ્ધતાનો નાગરિક સમાજમાં અભાવ દેખાય છે.

2023ના એવોર્ડ આપતી વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ  તેમના ઉદ્બોધનમાં કહ્યું કે ગટર સાફ કરવા માટે આપણે જ્યારે સંપૂર્ણપણે મશીનનો ઉપયોગ કરવાનો ધ્યેય હાંસલ કરીશું ત્યારે આપણે સ્વચ્છતા અને સફાઈ કામદારો પ્રત્યે સંવેદનશીલ સમાજ  તરીકેની ઓળખ ઊભી કરી શકીશું. તો જ સ્વચ્છતા જાળવવા માટે ટકાઉ માળખું ગોઠવી શકીશું. હજુ લગભગ વરસેક પહેલાં જ સુરતમાં એસ.વી.એન.આઈ.ટી. નજીક બે  સફાઈ કામદારો ગટરની સફાઈ કરતી વખતે ગૂંગળાઈને મૃત્યુ પામ્યા હતા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ગટરની સફાઈ માટેના  રોબોટ તો ત્રણેક વર્ષથી ખરીદ્યાં છે એટલે માનવરહિત ગટરની સફાઈ કરનાર શહેરની ઓળખ પણ સુરત ઝડપથી હાંસિલ કરે એવી અપેક્ષા.
નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top