Editorial

વિશ્વના 40 દેશને ભરડામાં લેનાર કોરોનાના નવા JN-1 વેરિએન્ટથી ગભરાવવું નહીં પણ સાવચેત રહેવું જરૂરી

આખા વિશ્વને હચમચાવી દેનાર કોરોનાની મહામારી ક્યાંય ગઈ નથી. વેક્સિનને કારણે કોરોનાની મહામારી કાબુમાં આવી પરંતુ છાશવારે કોરોનાનો વેરિએન્ટ બદલાતાં જ તે ફરી ઉછાળો મારશે તેવી ભીતિ હતી અને તેવું જ થયું. કોરોનાના નવા વેરિએન્ટ જેએન-1એ ફરી વિશ્વને પોતાના ભરડામાં લેવાનું શરૂ કરી દીધું છે. આ વખતે મોતનો રેશિયો ઓછો છે પરંતુ અત્યાર સુધીમાં કોરોનાના આ નવા વેરિએન્ટે 40 દેશોને પોતાની ભીંસમાં લઈ જ લીધા છે. આ 40 દેશમાં ભારતનો પણ સમાવેશ થઈ ગયો છે. ભારતમાં હાલમાં કોરોનાના 2300 જેટલા સક્રિય કેસ છે અને તેમાં નવા વેરિએન્ટના 21 કેસ છે. સાથે સાથે કોરોનાને કારણે મોત પણ નોંધાઈ રહ્યા હોવાથી ફરી પહેલા જેવી જ સાવચેતી રાખવી જરૂરી થઈ પડી છે. કેન્દ્ર સરકારે આ મામલે એલર્ટ જાહેર કરીને રાજ્યો માટે એડવાઈઝરી પણ બહાર પાડી દીધી છે. રાજ્યો દ્વારા પણ જરૂરી પગલાઓ લેવાની શરૂઆત કરી જ દેવામાં આવી છે પરંતુ સાથે સાથે લોકોએ પણ સાવચેતી રાખવાની તેટલી જ જરૂરીયાત છે.

કોરોનાના આ નવા વેરિએન્ટનો પ્રથમ કેસ ઓગષ્ટ માસમાં દેખાયો હતો. લક્ઝમબર્ગમાં આ કેસ નોંધાયા બાદ તે ધીરેધીરે અન્ય દેશમાં દેખાવા માંડ્યો હતો. કોરોનાને કારણે છેલ્લા બે સપ્તાહમાં 16થી વધુ લોકોના મોત થઈ ગયા છે. આ લોકો એવા છે કે જેમને પહેલેથી જ અન્ય બીમારીઓ હતી જ. પરંતુ ગત તા.15મી ડિસેન્બરના રોજ બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમાં કોરોનાના ચેપથી એક વ્યક્તિનું મોત થયા બાદ સજાગતા વધારવામાં આવી છે.

19મી ડિસેમ્બરના રોજ ભારતમાં કોરોનાના નવા 614 કેસ નોંધાયા હતા. જે ગત 21મી મે બાદ સૌથી વધુ છે. કેરળમાં કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 3ના મોત પણ થયા છે. જેને કારણે કોરોનાથી દેશમાં થયેલા મોતનો સત્તાવાર આંક 5.33 લાખ પર  પહોંચી ગયો છે. જ્યારે કોરોનાના કેસનો સત્તાવાર આંક 4.50 કરોડ થઈ જવા પામ્યો છે.ડબલ્યુએચઓ કહી રહ્યું છે કે, નવો વેરિએન્ટ ઝડપથી ફેલાય છે. આ વેરિએન્ટ જોખમી નથી પરંતુ તે અલગ પ્રકારનો જરૂર છે. હાલની રસીઓ આ નવા વેરિએન્ટ સામે રક્ષણ જરૂર આપશે પરંતુ તેનાથી ડરવાની જરૂરીયાત નથી.

કોરોનાના નવા વેરિએન્ટ અંગે નીતિ આયોગના સભ્ય વીકે પોલ કહી રહ્યા છે કે, કોરોનાનો નવો પ્રકોપ ફેલાઈ રહ્યો છે પરંતુ આ રોગ હળવો હોવાથી માત્ર સતર્ક રહેવાની જરૂરીયાત છે. હાલમાં માત્ર 10 જ દિવસમાં કોરોનાના 110 જેટલા નવા કેસ નોંધાયા છે. જોકે, તેમાંથી 92 ટકટા લોકો ઘરે જ સારવાર લઈ રહ્યા હોવાથી વધુ ચિંતા કરવાની જરૂરીયાત નથી. સરકાર દ્વારા હાલમાં આ વેરિએન્ટ સામે જીનોમ સિકવન્સિંગ વધારી દેવામાં આવ્યું છે. જેને કારણે ચોક્કસ માહિતી મેળવી શકાય કે નવા વેરિએન્ટને કારણે કોરોનાના કેટલા કેસ નોંધાઈ રહ્યા છે?

કોરોનાની સામે રસી શોધાઈ ગઈ હોવાથી અત્યાર સુધીમાં જેટલા પણ કોરોનાના વેરિએન્ટ આવ્યા તેની સામે રક્ષણ મળી શક્યું છે પરંતુ કોરોનાના વેરિએન્ટ બદલાઈ રહ્યા છે અને તેને કારણે કોરોનાના કેસમાં વધારા-ઘટાડા થઈ રહ્યા છે. થોડા થોડા સમયે નવા-નવા વેરિએન્ટ આવી રહ્યા છે અને કોરોના કેસ વધારી રહ્યો છે. કોરોનાની સાથે હવે પનારો પાડી જ દેવો પડે તેમ છે. સ્હેજેય શરદી-ખાંસીના લક્ષણો દેખાય તો તુરંત ડોકટરને બતાવી દેવું અને જરૂરી દવાઓ લેવાની શરૂઆત કરી દેવી.

કોરોનામાં જે જે દર્દીઓ દ્વારા તાકીદે સારવાર કરાવવાથી માંડીને જેમણે તબીબોની સલાહ પ્રમાણે પોતાની સારવાર કરી તેઓ બચી શક્યા છે પરંતુ તબીબી સલાહને અવગણનાર માટે કોરોના જોખમી બની રહ્યો છે. જેમણે હજુ સુધી વેક્સિન લીધી નથી તેઓ પણ કોરોના સામેની વેક્સિન લઈ લે તે હિતાવહ છે. કોરોના બાદ સમયાંતરે લોહીની ચકાસણી પણ કરાવતા રહેવું જોઈએ તેવી તબીબી સલાહને માનવાની પણ જરૂરીયાત છે.કોરોના એવી મહામારી છે કે જે અન્ય રોગની જેમ ક્યારેય સંપુર્ણ નાબુદ થવાની નથી. કોરોના સામે તકેદારી રાખવી જ તેને નાથી શકાશે. માત્ર દવા જ નહીં પરંતુ સામાન્ય કસરતથી પણ શરીરના અંગોને મજબુત બનાવી શકાય છે. ખાસ કરીને ફેફસા જો મજબુત હોય તો કોરોના સામે લડી શકાય છે. કોરોના ફેફસાને જ ભરડામાં લે છે અને ફેફસા અક્કડ થઈ જતાં શરીરના અન્ય અંગોમાં લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. જે જે દર્દીઓના ફેફસા મજબુત હતા તેઓ બચી શક્યા છે. જે નોંધનીય છે.

ડોકટરો કહે છે કે, અન્ય બીમારીઓ હોય તો કોરોનાનો ચેપ લાગવો જોખમી સાબિત થઈ શકે છે. જેથી જેને અન્ય બીમારીઓ છે તેણે ખાસ સાવધાની રાખવાની જરૂરીયાત છે.

આવા લોકોએ સ્હેજેય લક્ષણો જણાતા તુરંત તબીબી સલાહ લઈ લેવી. બીજી તરફ વરિષ્ઠ નાગરિકોએ માસ્ક પહેરવાની તકેદારી લેવાની સાથે લોકોએ ભીડમાં જવાનું ટાળવું અને જરૂર જણાયો તો તુરંત ટેસ્ટ કરાવી લેવો.

ભારતના વિવિધ રાજ્યોમાં કોરોના સામે રક્ષણ માટે વરિષ્ઠ નાગરિકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી જ રહી છે. માત્ર વરિષ્ઠ નાગરિક જ નહીં પણ તકેદારી માટે અન્ય લોકો પણ માસ્ક પહેરી શકે છે. માસ્ક પહેરવાથી નુકસાન નથી પરંતુ ફાયદો જ થઈ શકે છે.કોરોનાને અટકાવી શકાશે નહીં પરંતુ તેની સામે લડી જરૂર શકાશે પણ તેના માટે સાવધાની જરૂરી છે તે ચોક્કસ છે.

Most Popular

To Top