સાયણ સુગરમાં ખેડૂતોની સભા: ‘મેન્ડેટ ભગાવો, સુગર મિલ બચાવો’ના નારા ગુંજ્યા
ખેડૂત સમાજના આગેવાનોએ મેનેજિંગ ડિરેક્ટરને લેખિત આવેદનપત્ર આપી નોંધાવ્યો વિરોધ; : 4 સપ્ટેમ્બરની ચૂંટણીમાં મેન્ડેટ સામે લડતનો હુંકાર: સુરત જિલ્લાની સહકારી સંસ્થાઓના વહીવટમાં હોદ્દાઓની વહેંચણી માટે અમલમાં મૂકવામાં આવેલી મેન્ડેટ પ્રથા હવે વિવાદનું કેન્દ્ર બની છે. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પહેલાં સાયણ સુગર ફેક્ટરી કેમ્પસમાં મંગળવારે ખેડૂત સમાજની મહત્વપૂર્ણ સભા મળી હતી. જેમાં ખેડૂત નેતાઓ અને સહકારી સંસ્થાઓના સભાસદોએ મેન્ડેટ પ્રથાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.સભા દરમિયાન ‘મેન્ડેટ ભગાવો, સુગર બચાવો’*ના નારા ગુંજ્યા હતા. ખેડૂત આગેવાનો અને સભાસદોએ શાસક પક્ષ પર શાબ્દિક પ્રહારો કરતાં સાયણ સુગરના ચૂંટણી અધિકારી તરીકે કાર્યરત ઓલપાડ પ્રાંતને સંબોધીને સુગર મિલના મેનેજિંગ ડિરેક્ટરને લેખિત આવેદનપત્ર આપ્યું હતું.ખેડૂત આગેવાનોનો સ્પષ્ટ આક્ષેપ છે કે સહકારી સંસ્થાઓમાં રાજકીય પક્ષોના મેન્ડેટના આધારે હોદ્દેદારોની પસંદગી કરવાથી ચૂંટાયેલા ડિરેક્ટરો અને સામાન્ય સભાસદોના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
4 સપ્ટેમ્બરની ચૂંટણીમાં મેન્ડેટનો વિરોધ કરવાનો હુંકાર
સભામાં ખેડૂત નેતાઓ અને સભાસદોએ હુંકાર કર્યો હતો કે આગામી 4 સપ્ટેમ્બરે સાયણ સુગરમાં યોજાનારી પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાની ચૂંટણી દરમિયાન મેન્ડેટ પ્રથાનો વિરોધ કરવામાં આવશે.સભામાં ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે સહકારી સંસ્થાઓ ખેડૂતો અને સભાસદોની છે અને તેના વહીવટમાં રાજકીય દખલગીરી કે પક્ષીય મેન્ડેટને બદલે સભાસદોની સ્વતંત્ર પસંદગીને મહત્વ મળવું જોઈએ.
75 વર્ષ જૂની સંસ્થાના વહીવટને લઈને ચિંતા
સાયણ સુગરના ડિરેક્ટર અને કોંગ્રેસ અગ્રણી દર્શન નાયકે સભામાં સુગર ફેક્ટરીના સ્થાપકો અને સહકારી આગેવાનોના યોગદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે છેલ્લા અંદાજે 75 વર્ષથી કામરેજ, ચોર્યાસી, ઓલપાડ, માંડવી અને માંગરોળ તાલુકાના 30,000થી વધુ સભાસદો માટે સાયણ સુગર જીવાદોરી સમાન રહી છે.તેમણે આક્ષેપ કર્યો હતો કે સુગરના વહીવટી હોદ્દાઓ માટે મેન્ડેટ પ્રથા અમલમાં મૂકવાથી ચૂંટાયેલા ડિરેક્ટરો અને સભાસદોની સ્વતંત્રતાને અસર થઈ રહી છે.દર્શન નાયકે જણાવ્યું હતું કે સહકારી સંસ્થાનો મૂળ માલિક ખેડૂત સભાસદ છે. તેથી સંસ્થાનું સુકાન એવા વ્યક્તિને સોંપવું જોઈએ જે ખેડૂતોના હિતમાં સારો અને પારદર્શક વહીવટ કરી શકે.
શેરડીના પાકમાં રોગનો આક્ષેપ, ઉત્પાદનને લઈને ચિંતા
સભામાં સુગર મિલ સામે ઉભા રહેલા કૃષિ સંબંધિત પડકારોનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ હાલમાં સુગર વિસ્તારમાં અંદાજે 17,200 એકર નવું રોપાણ અને 9,200 એકર લામ ઊભી છે.તેમ છતાં 35 ટકાથી વધુ શેરડીના પાકમાં રોગ લાગ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના કારણે પિલાણ માટે મળનારી શેરડીના જથ્થા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.આગેવાનોએ જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિમાં સુગરને અંદાજે 6.5થી 7 લાખ ટન શેરડી પિલાણ માટે મળી શકે છે.
ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ પણ ડિરેક્ટરો સક્રિય ન હોવાનો આક્ષેપ
દર્શન નાયકે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણીનું પરિણામ જાહેર થયાના અંદાજે 20 દિવસ વીતી ગયા હોવા છતાં પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાને લઈને રાજકીય ગતિવિધિઓ ચાલી રહી છે.તેમણે આક્ષેપ કર્યો હતો કે સુગરની વાસ્તવિક સમસ્યાઓ અને ખેડૂતોના પ્રશ્નો તરફ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. શેરડીના પાકમાં રોગ સહિતના પ્રશ્નો સામે સંસ્થાના વહીવટકર્તાઓએ વધુ સક્રિય થવાની જરૂર હોવાનું પણ સભામાં જણાવાયું હતું.
‘રાજકીય પક્ષની વિચારધારા કેમ્પસ બહાર રાખવી જોઈએ’
સભામાં સહકારી ક્ષેત્રમાં રાજકીય દખલગીરી અંગે પણ તીખી ચર્ચા થઈ હતી. ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે સહકારી સંસ્થાઓમાં કોઈપણ રાજકીય પક્ષની વિચારધારાને પ્રાધાન્ય આપવાના બદલે ખેડૂતો અને સભાસદોના હિતને પ્રથમ સ્થાન મળવું જોઈએ.આગેવાનોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે સહકારી સંસ્થાઓમાં પક્ષીય રાજકારણને બદલે ખેડૂતોના હિતની વિચારધારા ધરાવતા વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવે તો સહકારી મૂલ્યોનું જતન થઈ શકે છે.
જયેશ પટેલ ‘પાલ’નો મેન્ડેટ પ્રથા સામે વિરોધ
સભામાં ગુજરાત ખેડૂત સમાજ સંઘર્ષ સમિતિના પ્રમુખ જયેશ પટેલ (પાલ)એ પણ મેન્ડેટ પ્રથાનો વિરોધ કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે મેન્ડેટ આપનારા અને તેને સ્વીકારનારા લોકો વચ્ચે પણ તેના હેતુને લઈને સ્પષ્ટતા હોવી જરૂરી છે.ખેડૂતોના હિતને કેન્દ્રમાં રાખીને સહકારી સંસ્થાઓમાં નિર્ણય લેવાય તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.તેમણે મેન્ડેટ પ્રથાને બદલે સભાસદોની સ્વતંત્ર પસંદગી અને સહકારી સિદ્ધાંતો અનુસાર ચૂંટણી યોજવાની માંગને સમર્થન આપ્યું હતું.
સુમુલ ડેરીના માજી ડિરેક્ટરે પણ વ્યક્ત કરી ચિંતા
સભામાં સુમુલ ડેરીના માજી ડિરેક્ટર જયેશ પટેલ (દેલાડ)એ પણ મેન્ડેટ પ્રથાના મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે પક્ષીય મેન્ડેટના આધારે ચૂંટણી યોજવાથી ખેડૂતોના હિતોને અસર પહોંચી શકે છે અને સહકારી સંસ્થાઓની મૂળ ભાવના પણ નબળી પડી શકે છે.તેમણે માંગ કરી હતી કે સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ પારદર્શક, લોકશાહી પદ્ધતિથી અને સભાસદોની મુક્ત ઇચ્છા અનુસાર યોજવી જોઈએ. સહકારી સંસ્થાઓના મૂળભૂત સિદ્ધાંતો અને નિયમોનું પાલન કરીને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે ખેડૂતોના હિતમાં હોવાનું તેમણે જણાવ્યું હતું.સાયણ સુગરમાં મેન્ડેટ પ્રથાને લઈને શરૂ થયેલો વિરોધ હવે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પહેલાં વધુ તીવ્ર બન્યો છે. આગામી દિવસોમાં આ મુદ્દે ખેડૂત સંગઠનો અને રાજકીય વર્તુળોની ગતિવિધિઓ પર સૌની નજર રહેશે.