Comments

સિનેમા માલિકો દ્વારા લેવાતો સર્વિસ ચાર્જ કાયદેસર છે કે ગેરકાયદેસર?

ગુજરાતના ફિલ્મરસિકો ભાગ્યે જ જાણતા હશે કે તેઓ સિનેમા ઘરમાં ફિલ્મ જોવા માટે જે ટિકીટ ખરીદે છે, જે રૂપિયા ચુકવે છે, તેમાં સર્વિસચાર્જ કેટલો છે? અને આ સર્વિસ ચાર્જ સરકાર દ્વારા લેવાતા ગુડસ સર્વિસ ટેક્ષ (GST)થી અલગ છે. ઘણા લાંબા સમય પછી હવે ગુજરાતી ફિલ્મના નિર્માતાઓ સિનેમા માલિકો દ્વારા લેવાતા સર્વિસ ચાર્જ સામે મેદાને પડયા છે. હવે આ મુદ્દો શું છે તે સમજીએ.

વાત એ છે કે જો ફિલ્મની ટિકીટ 100 “ છે. તો તેના પર GST 12% લેખે 12 “ થશે. માટે પ્રેક્ષક તે 112માં ખરીદશે! સામાન્ય રીતે પ્રેક્ષક ફિલ્મ જોવા જે ટિકીટ ખરીદે છે, રૂપિયા ચુકવે છે તે રૂપિયા ક્યાં જાય છે, કોને મળે છે તેવું વિચારતો નથી. એને ટિકીટના કુલ ભાવ સાથે જ લેવાદેવા હોય છે. તેમાંથી સરકારે કેટલા લીધા, થિયેટર માલિકને શું મળ્યું, નિર્માતા સુધી કેટલા પહોંચ્યા – વગેરેમાં તેને રસ નથી! પણ આપણે આ સમજવું પડશે! તો જ આપણે આ સમજી શકીશું અને સરકાર આમા શું કરી શકે તે પણ સમજી શકીશું!

તો સમજીએ કે પ્રેક્ષકે 112 રૂપિયાની ટિકીટ ખરીદી, જેમાં 12 “ GST છે, જે સરકારને મળશે. હવે વધ્યા 100. હવે આ 100 રૂપિયા કોના? તો વર્તમાન સમયમાં ‘ભાગ પાડવાની’ પધ્ધતિ એટલે કે ‘શેરીંગ સિસ્ટમ’ ચાલે છે. સિનેમા ઉદ્યોગએ ડબલ લેયર બિઝનેસ છે. પ્રેક્ષકે જે રકમ ચૂકવી તેમાંથી ટેક્ષ કપાયા પછી જે વધે છે તેના 2 ભાગીદાર છે : 1. સિનેમા માલિક અને 2. ફિલ્મ નિર્માતા! એટલે આ વધેલા 100 રૂપિયા આ બન્ને વચ્ચે વહેંચાય છે.

મલ્ટિપ્લેક્ષ ચેઇન અસ્તિત્વમાં આવ્યા પછી ફિલ્મ નિર્માતાઓ અને સિનેમા માલિક એસોશિયેશન વચ્ચે એક સમજૂતી થઇ છે. જેમાં ફિલ્મ રજૂ થાય ત્યારે શરૂઆતમાં 1 – 2 સપ્તાહ 60% નિર્માતાના અને 40% થિયેટર માલિકના પછી 50% બન્નેમાં સરખા અને 5 – 7 સપ્તાહ પછી થિયેટર માલિકના 75% અને ફિલ્મ નિર્માતાના 25%. ટુકમાં, 10મા સપ્તાહ પછી ફિલ્મ ચાલતી હોય તો પ્રેક્ષકે ખર્ચેલા 112 રૂપિયામાંથી 25 રૂપિયા નિર્માતાને મળે છે.

હવે વાત સમજીએ સર્વિસ ચાર્જની! જો ઉપર મુજબ આવક વહેંચાય તો કોઇ વાંધો જ નથી. પણ ગુજરાતમાં (અને બીજા પણ થોડા રાજયોમાં) થિયેટર માલિકો ટેક્ષ કપાયા પછી બાકી રહેલી વહેંચવાપાત્ર રકમમાંથી એક રકમ બાદ કરી લે છે, જેને ‘સર્વિસ ચાર્જ’ નામ આપ્યું છે. જેમ કે આપણા ઉદાહરણમાં 112માંથી 12 GST કપાયા પછી “ 100ના બે ભાગ પાડવા જોઇએ અને 50% નકકી થયા હોય તો 50 – 50 રૂપિયા બન્ને પક્ષને મળવા જોઇએ. એના બદલે થિયેટર માલિકો 100 માંથી 25 રૂપિયા જેવી તગડી રકમ (પ્રતિ ટિકીટ) કાપી લે છે અને 75 રૂપિયાના 2 ભાગ પાડે છે.

એટલે નિર્માતાને 50 રૂપિયાને બદલે 37.50 મળે છે. 12.50 તેને ઓછા મળે છે!  માટે જેમ વધારે પ્રેક્ષક ફિલ્મ જુએ તેમ નિર્માતાને નુકશાન વધતું જાય છે. સામે પક્ષે થિયેટર માલિકને જેમ પ્રેક્ષક વધે તેમ 12.50 વધતા જાય છે. ધારો કે એક લાખ પ્રેક્ષકો ફિલ્મ જુએ છે, તો ટેક્ષ કપાયા પછી એક કરોડ રૂપિયા વધે છે. હવે સમાન વહેંચણીમાં 50 – 50 લાખ બન્ને પક્ષને મળવા જોઇએ, પણ થિયેટર માલિકો એેક કરોડમાંથી 25 લાખ પહેલા કાપી લે છે. પછી 75 લાખના 2 ભાગ પાડે છે અને નિર્માતાને 37.50 લાખ પચાસ હજાર જ મળે છે. ટૂંકમાં પ્રેક્ષકે ચૂકવેલા 112 રૂપિયામાંથી 37 રૂપિયા જ નિર્માતા સુધી પહોંચે છે.

હવે મુદ્દો એ છે કે થિયેટર માલિક આ સર્વિસ ચાર્જ કેમ કાપી લે છે? શું આ સરકારે કીધું છે? શું આ કાયદેસર છે? આ ન કાપે તે માટે શું કરવું જોઇએ? તો સૌ પ્રથમ તો એ સમજીએ કે આ ‘સર્વિસ ચાર્જ શું છે?’ થિયેટર માલિકો પ્રેક્ષકોને આરામદાયક ખુરશી, પીવાનું પાણી, શો શરૂ થતા પેલા બેસવાની સગવડ વગેરે સુવિધા પૂરી પાડવાના બદલામાં આ સર્વિસ ચાર્જ વસુલવાની વાત કરે છે, પણ આ તર્ક ગળે ઉતરે એવો નથી. કારણ કે પ્રેક્ષક તો 112 ચૂકવે છે અને સરકારી વેરો કપાયા પછીના 100માં પણ તે 50 (લાંબે ગાળે 75) મેળવે છે તે આ બધી સુવિધાના જ મેળવે છે. જો સર્વિસ ચાર્જના 25 જુદા હોય તો બાકી 75માંથી જે 37.50 લે છે તે શું ખાલી પડદા ઉપર ફિલ્મ બતાવવાના લે છે?

મૂળમાં આ સર્વિસ ચાર્જ જ નથી. વળી સરકારે કોઇ પરિપત્ર દ્વારા આ લેવાની વાત કરી જ નથી. રાજય અને કેન્દ્રના વેરા ભેગા કરીને એક જ વેરો GST લાગુ થયો તે પહેલા થિયેટરમાં ફિલ્મ જોવા ‘પ્રવેશ ફી’ની રકમ ઉપર રાજય સરકાર મનોરંજન કર વસુલ કરતી! જેનો દર ગુજરાતમાં 150%. હા, દોઢસો ટકા જેટલો ઊંચો હતો. પ્રેક્ષકે ચૂકવેલી રકમના 60% થયા. (1 રૂપિયાની ટિકીટમાં 50 “ વેરો હતો) માટે જ જ્યારે ફિલ્મ કરમુકત થાય ત્યારે 2 ફિલ્મોની ટિકીટ વચ્ચે ચોખ્ખો ભેદ દેખાતો. એકનો ભાવ 10 તો બીજીનો 4.

થિયેટર અને નિર્માતા વચ્ચે જે ધંધો થાય છે, તેના પહેલા 3 સ્વરૂપ હતા. એકમાં નિર્માતા થિયેટરને ભાડે લેતા અને સિનેમા માલિકને એક ચોકકસ રકમ ચૂકવતા. પ્રેક્ષક એક આવે કે એક લાખ. એક અઠવાડિયાનું (24 શો)નું એક ચોકકસ ભાડુ થિયેટર માલિકને મળી જતું અને પ્રેક્ષકોએ ચુકવેલી રકમ નિર્માતાને મળતી. ધંધાનું બીજું સ્વરૂપ આનાથી તદ્દન ઊલ્ટૂં રહેતું, જેમાં થિયેટર માલિકો નિર્માતા (કે ડિસ્ટ્રીબ્યુટર) પાસેથી ફિલ્મ પ્રિન્ટ અઠવાડિયા માટે ભાડે લેતા. નિર્માતાને ચોકકસ રકમ મળી જતી. પ્રેક્ષકોની તમામ આવક સિનેમા માલિકને મળતી. ધંધાની ત્રીજી વ્યવસ્થા – ભાગીદારી, શેરીંગ જે અત્યારે ચાલે છે. પ્રેક્ષકો જે રકમ આપે તેના 2 ભાગ પાડવા.

જ્યારે 150% ટેક્ષ હતો ત્યારે ધંધામાં પણ નિર્માતાઓ મજબૂત હતા. મલ્ટિપ્લેક્ષ ચેઇન અને મોટા ખેલાડીઓ નહોતા. સિનેમા માલિકને પ્રિન્ટની જરૂર રહેતી. સારી ફિલ્મ પોતાના થિયેટરમાં લાગે તેવી ચિંતા રહેતી. માટે તે પ્રિન્ટ ભાડે લે તો અને માટે પ્રેક્ષકો પાસેથી મળેલા 10 રૂપિયામાં 6 રૂપિયા ટેક્ષના આપી દેવાથી તેને નુકસાન થતું, દુ:ખ થતું.

ગુજરાતના સિનેમા માલિકોએ અનેકવાર સરકારને કહ્યું કે આ મનોરંજનકર ઘટાડો. આ ઊંચા દરના કારણે જ ટેક્ષચોરી થાય છે. થિયેટર માલિક જો ટીકીટનું વેચાણ બતાવે તો 10માંથી 4 રૂપિયા મળે છે, પણ જો વેચાણ બતાવતો જ નથી તો દસે દસ રૂપિયા તેને મળે છે. મુખ્યમંત્રી શ્રી ચિમનભાઇ પટેલ કે જે અર્થશાસ્ત્રના જાણકાર હતા. તેમણે રસ્તો કાઢયો કે મનોરંજનકર તે વખતે 50 પૈસાથી નીચેની ટિકીટ પર લાગતો ન હતો. માટે તેમણે ટિકીટના દરના પહેલા પચાસ પૈસા ‘મનોરંજન કર મુકત’ ગણવાનું શરૂ કર્યુ!

મતલબ કે “ 2.50નો ટિકીટ દર હોય તો 50 બાદ કરીને 2 રૂપિયા પર વેરો ગણવો. સમય જતા આ મનોરંજન કરમુકત 50 પૈસા 1 રૂપિયો થયા. પછી 2 રૂપિયા થયા. ભાવનગરમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 6 રૂપિયા ટેક્ષ ફ્રી ગણવાના શરૂ કર્યા. શ્રીમતી આનંદીબહેન પટેલે સ્વચ્છતા અભિયાનના નામે ટેક્ષ ફ્રી રકમ 14 રૂપિયા કરી, જે આજે 25 રૂપિયાના સર્વિસ ચાર્જ રૂપે વસુલાય છે. તો મૂળ વાત એ છે કે આ 1 રૂપિયો હોય કે 25 રૂપિયા તે ટેક્ષ ફ્રી રકમ છે! કયા ટેક્ષમાં? તો કહે મનોરંજનકરમાં. મતલબ કે ફિલ્મની ટિકીટ પર જે મનોરંજન કર લાગે તેમાં પહેલા 25 રૂપિયા પર ટેક્ષ નહીં ગણવાનો! બસ એટલું જ એ રકમ થિયેટર માલિકોએ લેવાની છે તેવું કયાંય લખ્યું નથી.

હવે તો મનોરંજન કર જ નાબૂદ થઇ ગયો છે અને GST આવી ગયો છે. વળી GST પણ 100 રૂપિયાની ટિકીટ સુધી 12% અને 100 થી વધુમાં 18% છે. તે જો મનોરંજનકર જ નથી તો કરમુકત રકમ વસુલવાની વાત જ કયાં? અર્થશાસ્ત્ર અને ટેક્ષની ગણતરી ન સમજતા ગુજરાતી ફિલ્મના નિર્માતાઓને ‘સરકારે અમને આ ટેક્ષ ફ્રી રકમ લેવાનું કીધુ છે’ એવું ધરાર જૂઠ ચલાવીને રકમ કાપી લેતા સિનેમા માલિકોને મોટી રકમ ગુમાવવાનો વારો આવ્યો. એટલે એમણે સકારને પત્ર લખ્યો કે અગાઉ જેમ સર્વિસ ચાર્જ ટેક્ષ ફ્રી મળતો હતો તેમ 25 રૂપિયા સર્વિસ ચાર્જ અમને GSTની ગણતરી વખતે ટેક્ષ ફ્રી મળે!

સરકારે તો જવાબ ના આપ્યો કે ના પરિપત્ર કર્યો, પણ એક સક્ષમ અધિકારીએ થિયેટર માલિકોના પત્રનો જવાબ આવ્યો કે GSTની ગણતરીમાં 25 રૂપિયા ટેક્ષ ફ્રી આપવાની જોગવાઇ નથી, પણ તમે જો GST ભરતા હો તો 25 રૂપિયા લો! કારણ કે ટેક્ષ મળી ગયા પછી રકમનું તમે શું કરો છો તે સરકારનો વિષય નથી અને પ્રેક્ષક પાસેથી શું કિંમત લેવી તે તમે નકકી કરી શકો છો! શરત માત્ર એટલી કે તમે GST ભરો. આ પત્રને ‘પરિપત્ર’ માની થિયેટર માલિકો ઇજારાનો ગેરલાભ લઇ નિર્માતાઓ પાસેથી રકમ વસુલે છે! . વળી આ સર્વિસ ચાર્જનું નુકસાન જેની ફિલ્મ ચાલે તેને છે. જેની નથી ચાલતી એને તો છે જ નહીં! એટલે રડે છે માત્ર સફળ ગુજરાતી ફિલ્મોના નિર્માતા! જોઇએ સરકાર એમના આસું લૂછે છે કે નહીં!  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top