Dakshin Gujarat

હવે ગોલ્ફ બોલ પણ મેડ ઇન ઇન્ડિયા, ભરૂચમાં ઉત્પાદન અને વિદેશમાં સપ્લાય

ભરૂચ(Bharuch): મુંબઈ(Mumbai) બેઝ ચાર્ટડ એકાઉન્ટન્ટ(CA) એક ગુજરાતી(Gujarati) શ્રેયમ શાહે(Shreyam Shah) ભરૂચની સાયખા જીઆઈડીસી(Saikha GIDC)માં +91 ગોલ્ફ બોલ(Golf Ball)ની ભારત(India) અને એશિયા(Asia)ની પહેલી ફેક્ટરી નાંખી અમીરોની રમત ગોલ્ફમાં વિશ્વમાં ગોલ્ફ બોલની નિકાસમાં દેશને ભરૂચથી આત્મનિર્ભર (Independent) બનાવી દીધું છે.

  • મુંબઈ બેઈઝ્ડ ચાર્ટડ એકાઉન્ટન્ટ શ્રેયમ શાહે એશિયાની પહેલી ફેક્ટરી નાંખી
  • 5 હજારના પહેલા ઓર્ડરથી હવે ૪૬ કરોડનું ટર્ન ઓવર પહોંચ્યું
  • મેક ઇન ઇન્ડિયાની તર્જ ઉપર ગોલ્ફબોલનું નામ +91 અપાયું, 120 લોકોને પૂરી પડાતી રોજગારી
  • સાયખા જીઆઇડીસી Tee Ventures Pvt. India ફેક્ટરીની હરીફાઈ ચાઈના, તાઇવાન અને કોરિયા સાથે

વિશ્વમાં પ્રખ્યાત ગોલ્ફની રમતનું ભારતમાં ભલે ચલણ ઓછું છે. પરંતુ મુંબઈના રહેવાસી અને સી.એ.ના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રેયમ શાહે ભરૂચના વાગરાની સાયખા જીઆઇડીસીમાં એક સૌથી અલગ અને અનોખું સાહસ ઊભું કરી કરોડોના ઓર્ડર બુક કર્યા છે. શ્રેયમ શાહ મૂળ એકાઉન્ટ સાથે સંકળાયેલા અને એ સ્ટ્રીમમાં રોજગાર મેળવતા હતા. પરંતુ કઈ નવું કરવાના ધ્યેય સાથે ગુજરાતની ધરતી પર વાઇબ્રન્ટ ગુજરાત થકી Make in India અને Start Upની તર્જ ઉપર ભરૂચના વાગરાની સાયખા જીઆઇડીસીમાં પ્લોટ બુક કરાવ્યો હતો. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કંઈ અલગ પ્રોડક્ટનો મનમાં વિચાર આવતાં તેમણે ગોલ્ફ બોલના ઉત્પાદન તરફ નજર દોડાવી. વિશ્વમાં પ્રખ્યાત ગોલ્ફની રમતનું ભારતમાં ચલણ ઓછું છે. ગોલ્ફની રમતમાં વપરાશમાં આવતા ગોલ્ફ બોલના નિર્માણનું બીડું ઝડપીને શ્રેયમ શાહે ઉત્પાદન કાર્ય શરૂ કર્યું.

4 વર્ષમાં જ મળવા લાગ્યા કરોડોનાં ઓર્ડર
‘ટી વેન્ચર’ કંપનીના CEO શ્રેયમ શાહે જણાવ્યું હતું કે, કોઈ પણ જાતના ઓર્ડર વગર ગોલ્ફ બોલની ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરી હતી. સૌપ્રથમ ઓર્ડર રૂ.5000નો આવ્યો હતો અને હાલ ૪ વર્ષના સફર બાદ કંપની પાસે હાલ અઢીથી ત્રણ કરોડ રૂપિયાનો ઓર્ડર વિદેશોમાંથી મળ્યો છે. આ એક ગર્વની વાત છે કે, સમગ્ર સાઉથ એશિયાની એક માત્ર ગોલ્ફબોલ નિર્માતા કંપની ભરૂચમાં સ્થાયી થઈ છે. ભારત દેશની ગોલ્ફ ક્ષેત્રે ઓળખ ઊભી કરવા માટે ગોલ્ફ બોલનું બ્રાન્ડ નામ કંપની સીઈઓ શ્રેયમ શાહ દ્વારા +91 રાખવામાં આવ્યું છે. વિદેશોમાં ગોલ્ફ બોલનું ઉત્પાદન કરતી કંપનીઓ જોડે સીધી હરીફાઈમાં ભરૂચની ટી વેન્ચર કંપની ઊતરી છે. વિશ્વમાં વિવિધ ખંડોના 12-15 જેટલા દેશોમાં ગોલ્ફબોલનું ભરૂચથી નિર્યાત કરવામાં આવે છે. ભારતમાં ગોલ્ફબોલનું ઉત્પાદન થતાં હાલના વિદેશોમાંથી આયાત થતાં ગોલ્ફબોલ કરતાં 50 રૂપિયા જેટલા સસ્તા ભાવે કંપની બોલ ભારતના લોકલ માર્કેટમાં સપ્લાય કરી રહ્યા છે.

એક બોલ બનતા એક અઠવાડિયુ લાગે છે
આ કંપની હાલ 120 કર્મચારી સાથે દિવસના 25000 બોલનું ઉત્પાદન કરી રહી છે અને ભવિષ્યમાં દોઢ લાખ બોલનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ તૈયાર કરાયો છે. રો-મટિરિયલથી લઈ ફાઇનલ કાર્ટુન પેકિંગ સુધીના સફર માટે એક બોલના નિર્માણ માટે ૧ અઠવાડિયાનો સમય લાગે છે. કંપનીનો દાવો છે કે કંપની નોન ટોક્સિક છે અને પ્રદૂષણ રહિત છે. કંપનીનું ગોલ્ફ બોલ ઉત્પાદન દરમિયાન નીકળેલા વેસ્ટ અને રિજેક્ટ બોલને ફરી રિસાઇકલ કરી ફરી ઉત્પાદનમાં વપરાશ કરવામાં આવે છે.

ઓનલાઈન મળતા એક ગોલ્ફ બોલની કિંમત રૂ.૯૯થી ૯૯૯ સુધી હોય છે
પહેલા દેશમાં પણ ગોલ્ફ બોલ આયાત કરવામાં આવતા હતા. હાલ ભરૂચથી ભારત જ નહીં પણ વિશ્વભરમાં +૯૧ ગોલ્ફ બોલની નિકાસ થઈ રહી છે. ભરૂચની આ કંપનીની સીધી હરીફાઈ ચાઈના, તાઇવાન અને કોરિયા સાથે છે. ઓનલાઈન મળતા એક ગોલ્ફ બોલની કિંમત રૂ.૯૯થી ૯૯૯ સુધી છે. ત્યારે હાલ ગ્લોબલ માર્કેટમાં +૯૧ જે ઇન્ડિયાનો ISD કોડ છે તે ગોલ્ફબોલ ધૂમ મચાવી રહ્યા છે. અને વિશ્વભરમાં ભારતનું ગોલ્ફની રમતમાં પોતાની હાજરી થકી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

Most Popular

To Top