National

થોડા જ વર્ષોમાં ભારતની વસતી ઘટશે, દેશમાં બચશે માત્ર વૃદ્ધો!, ચોંકાવનારો રિપોર્ટ

નવી દિલ્હી(NewDelhi): વિશ્વના (World) સૌથી વધુ વસતી (Population) ધરાવતા ભારત (India) દેશ માટે ચોંકાવનારી માહિતી સામે આવી છે. આગામી વર્ષોમાં ભારતની વસતીમાં ઝડપથી ઘટાડો થશે એવો દાવો એક અહેવાલમાં કરવામાં આવ્યો છે. વર્ષ 2050 સુધીમાં દેશમાં માત્ર વૃદ્ધો જ બચશે તેવો ભય પણ આ અહેવાલમાં વ્યક્ત કરવામાં આવ્યો છે.

ભારત તેની વધતી વસતી સાથે સતત સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે એક ડરામણા સમાચાર સામે આવ્યા છે. 2050 સુધીમાં ભારતમાં કુલ પ્રજનન દર (TFR) માત્ર 1.29 થઈ જશે. હાલમાં તે દર 1.91 છે. 1950માં તે 6.18 હતો. એટલે કે 1950માં એક મહિલા દીઠ 6.18 બાળકો હતા.

એવો પણ ભય છે કે આ સદીના અંત સુધીમાં પ્રજનન દર ઘટીને 1.04 થઈ શકે છે. આ ખુલાસો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય જર્નલ ધ લેન્સેટમાં પ્રકાશિત થયો છે . કોઈપણ દેશનો પ્રજનન દર ત્યાં રહેતી 15 થી 49 વર્ષની વયની મહિલાઓ દ્વારા જન્મેલા બાળકોની સંખ્યાના આધારે ગણવામાં આવે છે. ફક્ત તે જ બાળકો જે જીવિત છે.

એવું નથી કે માત્ર ભારતમાં જ પ્રજનન દર ઘટી રહ્યો નથી. આવી સ્થિતિ વિશ્વના મોટા ભાગના દેશોની છે. વૈશ્વિક સ્તરે છેલ્લા 70 વર્ષોમાં પ્રજનન દર 50 ટકા ઘટી ગયો છે. 1950 માં વૈશ્વિક પ્રજનન દર 4.8 થી વધુ હતો. 2021માં આ આંકડો ઘટીને પ્રતિ મહિલા સરેરાશ 2.2 બાળકો પર આવી ગયો હતો.

1950 થી 2014 સુધી પ્રજનન દર વધ્યો, 2021 થી ઘટવા લાગ્યો
વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે 2050 સુધીમાં આ આંકડો 1.8 સુધી પહોંચી જશે, જ્યારે સદીના અંત સુધીમાં તે 1.6 સુધી પહોંચી જશે. આ માટે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઈમેટ ચેન્જ, જીવનશૈલી અને આહારમાં ગરબડ જવાબદાર છે. 1950માં 9.3 કરોડ બાળકોનો જન્મ થયો હતો. 2014 સુધીમાં આ આંકડો વધીને 14.2 કરોડ થઈ ગયો. પરંતુ 2021માં તેમાં ઘટાડો થયો. તે ઘટીને 12.9 કરોડ થયો. હાલમાં ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. પરંતુ દેશમાં પ્રજનન દર ઝડપથી ઘટી રહ્યો છે. આગામી કેટલાક દાયકાઓમાં દેશની વસ્તી વધવાને બદલે ઘટી શકે છે.

યોગ્ય પ્રજનન દર દેશમાં વસતીને સંતુલિત કરે છે
ઘટતો પ્રજનન દર દેશની વસ્તીમાં સંતુલનને અસર કરશે. વસ્તીમાં બાળકો, યુવાનો અને વૃદ્ધો વચ્ચે સંતુલન જરૂરી છે. તેથી પ્રજનન દર 2.1 ની આસપાસ રહે તે મહત્વપૂર્ણ છે. યોગ્ય પ્રજનન દર બાળકો અને પુખ્ત વયના લોકો વચ્ચેનું સંતુલન જાળવી રાખે છે. પરંતુ હાલમાં દેશમાં પ્રજનન દર આવશ્યક સ્તરથી ઘણું નીચે છે. આવી સ્થિતિમાં વૃદ્ધોની સંખ્યામાં વધારો થશે.

વિશ્વના 110 દેશોમાં પ્રજનન દર ઓછો, કામદારોની અછત ઉભી થશે
અયોગ્ય પ્રજનન દરના લીધે દેશમાં વૃદ્ધોની સંખ્યા વધશે અને યુવાનોની ઘટશે. તેના લીધે દેશમાં કામદારોની અછત ઉભી થશે. ભારત એકમાત્ર એવો દેશ નથી જ્યાં પ્રજનન દરમાં ઘટાડો થવાને કારણે વસ્તી સંતુલન ખોરવાઈ જશે. વિશ્વના અડધાથી વધુ એટલે કે 204 દેશોમાંથી 110 દેશોમાં પ્રજનન દર 2.1 કરતા ઓછો છે. જો સ્થિતિ આવી જ રહી તો સદીના અંત સુધીમાં 97% દેશો ઘટતા પ્રજનન દરથી પરેશાન થઈ જશે.

આગામી દાયકાઓમાં ઓછી આવક ધરાવતા દેશોમાં 77 ટકા બાળકોનો જન્મ થશે
ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન (IHME)ના વૈજ્ઞાનિકોના અભ્યાસ અનુસાર આવનારા દાયકાઓમાં લગભગ સદીના અંત સુધી વિશ્વના 77% થી વધુ બાળકોના જન્મ ઓછી-મધ્યમ આવક ધરાવતા દેશોમાં થશે. આ દેશો પહેલાથી જ અગણિત સામાજિક, આર્થિક અને પર્યાવરણીય સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. તેમાં આબોહવા પરિવર્તન, ગરીબી, ખોરાકનો અભાવ, કુપોષણ, આરોગ્ય, સ્વચ્છ પાણી, સ્વચ્છતા જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. જો આ દેશોમાં વસ્તી વધશે તો આ સમસ્યાઓનો સામનો કરવા માટે અગાઉથી તૈયારી કરવાની જરૂર પડશે.

Most Popular

To Top