Columns

ભારત સરકાર દેશનાં કરોડો નાગરિકો પર રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલ કરી રહી છે?

કોરોના સામેની રસીના ડોઝ દેશભરમાં પહોંચી ગયા છે અને રસીકરણની ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. શરૂઆતના તબક્કામાં ત્રણ કરોડ હેલ્થ ફ્રન્ટલાઈન વર્કરોને રસી આપવામાં આવશે. ભારતે બે ફાર્મા કંપની પાસેથી રસી ખરીદી છે.

પુણેની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા પાસેથી ‘કોવિશિલ્ડ’ અને દેશની ભારત બાયોટેક કંપની પાસેથી ‘કોવેક્સિન’ નામની રસી ખરીદી છે. સરકારે જે રસી ખરીદી છે એમાં ૨૫ ટકા જથ્થો કોવેક્સિન રસીનો છે.

આ કોવેક્સિન રસીના ત્રીજા તબક્કાના અખતરા હજી પૂરા પણ નથી થયા અને એ કોરોના સામે કેટલી અસરકારક છે એના આંકડા પણ જાહેર કરવામાં નથી આવ્યા. ટૂંકમાં આ અનટેસ્ટેડ રસી લેવાનું અત્યારે સલામત નથી. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસના ડોક્ટરો કોવેક્સિન લેવાનો ઇનકાર કરી રહ્યા છે.

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે કોવેક્સિનનો આ તબક્કે આટલો મોટો જથ્થો ખરીદવાનું સરકારનું પગલું આઘાતજનક છે. એક તો રસીના અખતરા અધૂરા છે અને એ કોવિશિલ્ડ રસીથી મોંઘી પણ છે. કોવિશિલ્ડ રસીની ટ્રાયલના ડેટા હજી પણ પૂરી રીતે જાહેર કરવામાં આવ્યા નથી. 

ભારત સરકારે કોવિશિલ્ડ રસીના ૧.૧૦ કરોડ ડોઝ ખરીદ્યા છે અને પ્રત્યેક ડોઝનો ભાવ ૨૦૦ રૂપિયા છે, જ્યારે કોવેક્સિન રસી સરકારને રૂપિયા ૨૯૫ પ્રતિ ડોઝના ભાવે પડી છે. સરકારે આ મોંઘી રસીના ૩૮.૫૦ લાખ ડોઝ ખરીદ્યા છે. કોવિશિલ્ડ રસી બનાવનારી ભારત બાયોટેક કંપનીએ સરકારને ૧૬.૫૦ લાખ ડોઝ નિ:શુલ્ક આપવાની પણ જાહેરાત કરી છે.

આ નિ:શુલ્ક જથ્થાના ભાવની પણ ગણતરી કરીએ તો કોવેક્સિનનો એક ડોઝ સરકારને રૂપિયા ૨૦૬ માં પડશે. એક હેવાલ મુજબ કોવેક્સિન સ્વદેશી હોવાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દબાણ હેઠળ કોવિશીલ્ડ ઉપરાંત ભારત બાયોટેકની કોવેક્સિન પણ છેક છેલ્લી ઘડીએ ખરીદવાની સરકારને ફરજ પડી હતી.

ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીમાં શીખવતા હેલ્થ ઈકોનોમિસ્ટ ઈન્દ્રનીલ મુખોપાધ્યાય કહે છે કે સરકાર પાસે રસી ખરીદીના બે વિકલ્પ હતા અને જે રસી સારી અને સસ્તી હોય એ જ ખરીદવાની હોય. સરકારે કયાં કારણસર કોવેક્સિનની ખરીદી કરી છે એ સમજાતું નથી. જાહેર સ્વાસ્થ્યની વાત હોય ત્યારે આવી રસી ખરીદવી એ બરાબર નથી.

જાન્યુઆરીની શરૂઆતમાં ડ્રગ રેગ્યુલેટરે કોવેક્સિનની અસરકારકતા અને સલામતીના કોઈ ડેટા ઉપલબ્ધ ન હોવા છતાં એને મંજૂરી આપી ત્યારે દેશમાં અનેક રસીવિજ્ઞાનીઓએ આ મંજૂરી સામે વાંધો ઉઠાવ્યો હતો એટલે મંજૂરી આપનારા અધિકારીઓ બૅકફૂટ પર આવી ગયા હતા અને એમણે એવો ખુલાસો કર્યો હતો કે કોવેક્સિન રસી તો ‘બૅક-અપ’ તરીકે મંજૂર કરવામાં આવી છે.

કોરોનાની બીમારી વિશે કેન્દ્ર સરકારે નૅશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે અને આ ટાસ્ક ફોર્સના એક સભ્ય દિલ્હીની એમ્સના અધ્યક્ષ ડો. રણદીપ ગુલેરિયા પણ છે. કોવેક્સિનને આપવામાં આવેલી મંજૂરીનો બચાવ કરતાં તેઓ કહે છે કે જ્યારે દેશનાં કરોડો લોકોને રસી આપવાની હોય ત્યારે એક રસી (કોવિશિલ્ડ) થી કામ ન ચાલે.

ભારત બાયોટેકની રસી કોવેક્સિનને પણ મંજૂરી આપવી પડે. મુદ્દાની વાત એ છે કે કોરોનાના કેસ જો નહીં વધે તો અમે પુણેની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાની કોવિશિલ્ડ રસી વાપરીશું. અન્યથા અમે ચાર-છ અઠવાડિયાં સુધી ફાઈનલ ડેટાની રાહ જોઈશું. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ચીફ બલરામ ભાર્ગવ કહે છે કે કોવેક્સિન રસીનો ઉપયોગ ‘ક્લિનિકલ ટ્રાયલ મોડ’ તરીકે જ કરવામાં આવશે અને એને મંજૂરી પણ એ જ ધોરણે આપવામાં આવી છે.

એટલે જેને આ રસી આપવામાં આવશે એની લેખિત મંજૂરી લેવામાં આવશે અને એ રસી લેનારના સ્વાસ્થ્ય પર નજર પણ રાખવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો દેશનાં કરોડો નાગરિકો પર તેમની જાણ બહાર કોવેક્સિન રસીનો અખતરો કરવામાં આવશે.

જો કે બીજી તરફ વેક્સિન ઍડ્મિનિસ્ટ્રેશન વિશેના નૅશનલ એક્સ્પર્ટ ગ્રુપના ચીફ વી.કે. પોલે એક ટેલિવિઝન ઈન્ટરવ્યૂમાં એમ કહ્યું કે સરકારે ખરીદેલી બન્ને રસીને સમાન ગણવામાં આવશે  અને એ બધાને આપવામાં આવશે. આ વાત વિરોધાભાસી છે. આખરે કેન્દ્રના આરોગ્ય વિભાગના સેક્રેટરી રાજેશ ભૂષણે ૧૨ જાન્યુઆરીની પત્રકાર પરિષદમાં કોવેક્સિન રસી વિશેની તમામ શંકાઓ દૂર કરી. એમણે કહ્યું કે શરૂઆતમાં હેલ્થ વર્કરોને રસી આપવામાં આવશે અને એમને રસીની પસંદગી કરવા નહીં દેવાય. કોઈ દેશમાં પસંદગીનો આવો વિકલ્પ આપવામાં આવતો નથી.

શરૂઆતમાં 3 કરોડ હેલ્થ વર્કરો અને પોલીસ, હોમગાર્ડ્સ જેવા ફ્રન્ટલાઈન કર્મચારીઓને રસી આપવામાં આવશે. દરેકને રસીના બે ડોઝ આપવામાં આવશે. બીજો ડોઝ ચાર અઠવાડિયાં પછી આપવામાં આવશે. આનો મતલબ એ કે સરકારને અત્યારે ૬ કરોડ રસીના ડોઝની જરૂર પડશે.

કોવિશિલ્ડ રસી બનાવતી પુણેની કંપની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાનું કહેવું છે કે અમારી પાસે અત્યારે પાંચ કરોડ રસીનો જથ્થો છે. અમે માર્ચ સુધી કમ સે કમ ૧૦ કરોડ રસીનું નિર્માણ કરીશું. બીજી રીતે કહીએ તો સરકાર અત્યારે રોજ ત્રણ લાખ લોકોને રસી આપવા માગે છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટ ભારતની માગને પહોંચી વળે એમ છે.

તો પછી સરકાર જેના અખતરા પણ પૂરા ન થયા હોય એવી કોવેક્સિન રસીનો આટલો મોટો જથ્થો શું કામ ખરીદી રહી છે એ સમજાતું નથી. હેલ્થ વર્કરોને આપવા માટે કોવિશિલ્ડનો પૂરતો સ્ટૉક છે ત્યારે કોવેક્સિન ખરીદવાની કોઈ જરૂર નથી જણાતી. ભારત બાયોટેકની કોવેક્સિન રસીના ત્રીજા તબક્કાના અખતરાનાં પરિણામ માર્ચમાં આવશે.

આ સંજોગોમાં સરકાર બે મહિનાની રાહ તો જોઈ શકી જ હોત. આટલી ઉતાવળ કરવાની જરૂર જ નહોતી. બીજું, સરકારે કોવિશિલ્ડ કરતાં મોંઘી હોય એવી દેશમાં બનેલી કોવેક્સિન રસી શું કામ ખરીદી રહી છે એ પણ એક ગૂઢ પ્રશ્ન છે. જો કે ઘણી વાર કોઈ ચીજની ખરીદી વખતે ખર્ચનાં પાસાંને ધ્યાનમાં લેવાતાં નથી. બીજાં કારણો પણ હોઈ શકે. આ કેસમાં અમુકનું કહેવું છે કે સરકારે આત્મનિર્ભરની ઝુંબેશને ધ્યાનમાં રાખી આ દેશી રસીની ખરીદી કરી હશે.

અન્ય અમુક નિષ્ણાતોનું કહેવું છે કે પુણેની સિરમ કંપનીએ સરકારને રસીના સીમિત જથ્થાની ઑફર કરી હશે, કારણ કે ભારત સરકારને સસ્તા ભાવે રસી આપવામાં એમને રસ ન હોય. આ જ રસી પાંચ ગણા ભાવે એક્સ્પોર્ટ કરવામાં એમને વધુ રસ હોય એ સ્વાભાવિક છે.

આ કંપનીએ તો જાહેરમાં કહ્યું છે કે રસીને જ્યારે બજારમાં મૂકવામાં આવશે ત્યારે એનો ભાવ એક હજાર રૂપિયા હશે. માત્ર સરકારને ૨૦૦ રૂપિયાના સ્પેશિયલ ભાવે એ આપવામાં
આવી છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા જે કોવિશીલ્ડ રસીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે તે બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવી છે. હજુ સુધી યુરોપના કોઈ દેશમાં તેને માન્યતા આપવામાં આવી નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ હજુ કોવિશીલ્ડને માન્યતા આપવામાં આવી નથી. ભારત સરકારે તેનો દેશનાં નાગરિકો પર પ્રયોગ કરવાની મંજૂરી આપીને તેમની જિંદગી જોખમમાં મૂકી દીધી છે.

– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top