National

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા સરકાર કરવા જઈ રહી છે આ કામ..ગ્રાહકોને મળી શકે છે લાભ

દિલ્હી: (Delhi) ભારતમાં તેલની કિંમતોને કંટ્રોલ (Rate Control) કરવા માટે કેન્દ્ર સરકારે પ્રયાસ શરૂ કરી દીધા છે. ભારતે પોતાના કટોકટી માટેના પુરવઠામાંથી 50 લાખ બેરલ ક્રૂડ ઓઈલ (Crude oil) બહાર કાઢવાની યોજના બનાવી છે. તેલની આંતરરાષ્ટ્રીય કિંમતોને શાંત કરવા અમેરિકા, જાપાન અને અન્ય મુખ્ય દેશો સાથે મળીને તે આ પગલું લેવાનો છે, એમ સરકારે મંગળવારે જાહેર કર્યું હતું.

  • અમેરિકાની વિનંતી પર ભારત પોતાના વ્યૂહાત્મક ભંડોળમાંથી 50 લાખ બેરલ ઓઈલ બહાર કાઢશે
  • તેલની આંતરરાષ્ટ્રીય કિંમતોને શાંત કરવા અમેરિકા, જાપાન અને અન્ય મુખ્ય દેશો સાથે મળીને ભારત આ પગલું લેશે

આ પ્રથમ વખત છે કે ભારત આ પ્રકારના ઉદ્દેશ્ય માટે પુરવઠો બહાર કાઢી રહ્યુ છે, દેશમાં પૂર્વી અને પશ્ચિમી કાંઠાઓ પર 3 સ્થળોમાં જમીનની નીચે 5.33 મિલિયન ટન અથવા 380 લાખ બેરલ ક્રૂડ ઓઈલ સંગ્રહ કરાયેલું છે. તેમાંથી 50 લાખ બેરલ બહાર કાઢવામાં આવશે.
‘તેલનો પુરવઠો તેલ ઉત્પાદક દેશો દ્વારા ઈરાદાપૂર્વક માંગના સ્તરથી ઓછો રાખવામાં આવે છે જેના કારણે કિંમતોમાં વધારો થાય છે અને તેના નકારાત્મક પરિણામો આવે છે એમ સરકારી નિવેદનમાં કહેવાયું હતું. જો કે તેમાં તેલ બહાર કાઢવાની તારીખ જણાવવામાં આવી ન હતી પણ સૂત્રો મુજબ આ કામગીરી 7થી 10 દિવસમાં શરૂ થઈ જશે. ‘અમે વધુ ભંડોળ બહાર કાઢવા અંગે બાદમાં વિચારીશું, એમ અધિકારીઓએ કહ્યું હતું સાથે જ ઉમેર્યું હતું કે ટૂંક સમયમાં આ અંગેની ઔપચારીક જાહેરાત કરાશે.

અમેરિકાએ ગયા અઠવાડિયે વિશ્વમાં સૌથી વધુ તેલ વપરાશ કરતા દેશોને આ અસામાન્ય વિનંતી કરી હતી જેમાં ચીન, ભારત અને જાપાન સામેલ છે. અમેરિકાએ વૈશ્વિક ઈંધણ કિંમતો ઓછી કરવાના સહીયારા પ્રયાસમાં ક્રૂડના ભંડોળમાંથી તેલ બહાર કાઢવા અંગે વિચાર કરવા કહ્યું હતું. ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટીંગ કન્ટ્રીસના (ઓપેક) સભ્યોએ અને તેના સહયોગી દેશોએ તેમના ઉત્પાદનમાં ઝડપી વધારો કરવાની વિનંતી ફરીથી અસ્વીકાર કરી હતી ત્યારબાદ આ નિર્ણય લેવાયો હતો.

રશિયા સહિત ઓપેક દેશો માસિક આધારે આશરે 4 લાખ બેરલ પ્રતિ દિવસ બજારમાં ઉમેરી રહ્યા છે, કેટલાંકનું માનવું છે કે કિંમતો ઓછી કરવા આ પર્યાપ્ત નથી કારણ કે ઈંધણની માગ મહામારી પહેલાંના સ્તરે પહોંચી છે. અમેરિકા પાસે 727 મિલિયન બેરલ, જાપાન પાસે 175 મિલિયન બેરલ ક્રૂડ અને તેલ ઉત્પાદનો જથ્થો છે જે તેમના વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામતનો ભાગ છે. જણાવી દઈએ કે તાજેતરમાં કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાની રાહત આપવામાં આવી છે. જો કે દેશના મોટાભાગના રાજ્યોએ વેટમાં ઘટાડો કરીને ગ્રાહકોને મામૂલી રાહત આપી છે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને ગ્રાહકો હજુ પણ પરેશાન છે ત્યારે સરકારની આ નવી નીતિ ને કારણે ગ્રાહકોના ગજવા પર ઓછો બોજ પડે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

Most Popular

To Top