Dakshin Gujarat

એક્ષપ્રેસ-વેની સંપાદિત જમીનના NRI ખેડૂતના 2.12 કરોડ ચાંઉ કરનારા સામે કોઇ કાર્યવાહી નહીં

ઘેજ: વડોદરા-મુંબઇ (Vadodra-Mumbai) એક્ષપ્રેસ-વેનાં (Express Way) સંપાદિત આલીપોરના વિદેશ રહેતા ખેડૂતની (Farmer) જમીનની 2.12 કરોડ જેટલી વળતરની રકમ બોગસ પાવરના આધારે ચાંઉ કરી જનારાઓ સામે આધાર-પૂરાવા સાથેની લેખિત રજુઆતને લાંબો સમય વીતવા છતાં પોલીસે ગુનો દાખલ નહીં કરતા ઉચ્ચ કક્ષાને રજુઆત કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

બોગસ પાવરના આધારે જેના બેંક ખાતામાં રૂપિયા જમા કરાવાયા હતા તે વ્યક્તિ દ્વારા સુરતના બે વકીલ સહિત ચાર સામે લેખિત રજૂઆત કરવા છતાં પોલીસ ફરિયાદી પક્ષના નિવેદન લેવા સિવાય આગળ વધી શકી નથી. પ્રાપ્ત વિગત મુજબ મનોજ રામદાસ ગાયકવાડે (રહે. નદી મહોલ્લો ખૂંધ તા. ચીખલી) ચીખલી પોલીસ, એસ.પી. કચેરી, કલેક્ટર કચેરીમાં આલીપોરના બે અને સુરતના બે વકીલ સહિત ચાર સામે આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યાનુસાર આલીપોરના બે વ્યક્તિ મારફત તેને આલીપોરની એક હોટલ પર બોલાવી ત્યાં સુરતથી આવેલા બે શખ્સોએ વકીલ હોવાની ઓળખ આપી કાયદેસરના કાગળોનું કામ કરવાનું છે. તેમાં કાર્યવાહી પૂરી થયા બાદ તેને 2.50 લાખ રૂપિયા જેટલી રકમ ચેકથી આપી દઈશું તેમ જણાવી બીજા દિવસે નવો મોબાઈલ નંબર લેવડાવી ચીખલી બૈંક ઓફ બરોડામાં લઇ તેની પાસે નવુ એકાઉન્ટ ખોલાવી તેમાં નવા મોબાઈલ નંબરનો ઉલ્લેખ કરી તે મોબાઈલ અને પાસબુક પણ લઇ ગયા હતા અને 100 પાનાની ચેકબુકના પણ અંદાજે 15 કોરા ચેક પર સહી કરાવી લીધી હતી. બાદમાં ફરિયાદી મનોજ ગાયકવાડને પોતે ખેડૂત નહીં હોવા છતાં કોઇ ખેડૂત ખાતેદારોનો બોગસ પાવર ઓફ એટર્ની બનાવી એક્ષપ્રેસ-વે સંપાદિત થતી જમીનના વળતરના નાણાં તેમના ખાતામાં જમા કરાવડાવી કોરા ચેકો ઉપર સહી કરાવી લઇ 2,12,39,039 રૂપિયા જેટલી મોટી રકમ જમા કરાવી ઉપાડી લેવામાં આવી હતી.

સતત આઠ દિવસ બેંકમાંથી થેલા ભરીને રૂપિયા ઉપાડ્યા
થોડા દિવસ બાદ બેંક પર બોલાવી ચેક દ્વારા મોટી રકમ ઉપાડી વિમલના થેલામાં રૂપિયા ભરી ‘આ રૂપિયા જેના છે તેને અમે આપી દઇશુ’. આ પ્રકારે સતત સાત આઠ દિવસ કરી રૂપિયા ઉપાડી લઇ તેમને વાયદા મુજબ 2,50,000 રૂપિયાનો ચેક આપ્યો હતો. પરંતુ તે ચેક બાઉન્સ થયો હતો.

સી.આર. પાટીલની સૂચનાને પણ અધિકારીઓ ધોળીને પી ગયા
એક્ષપ્રેસ-હાઈવેની વળતરની આલીપોર, ખૂંધ, બારોલિયા, દેગામ સહિતના દસેક જેટલા ખેડૂતોની કરોડો રૂપિયાની આ ટોળકી ચાંઉ કરી ગઇ હોવાનું કહેવાય છે અને જેમાં નવસારીની પ્રાંત કચેરીના અધિકારી અને કર્મચારીઓની પણ મિલિભગત હોવાની પણ ચર્ચા ખેડૂત આલમમાં ચાલી રહી છે. આ ગંભીર પ્રશ્ન બાબતે ખેડૂતો દ્વારા સાંસદ અને ભાજપના પ્રદેશઅધ્ક્ષ સી. આર. પાટીલને પણ અગાઉ ખેડૂતોએ રજૂઆત કરતા તેમણે પણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. પરંતુ આ ઉચ્ચ અધિકારીઓ સી.આર. પાટીલની સૂચનાને પણ ધોળીને પી ગયા હોય તેમ લાગે છે.

Most Popular

To Top