Entertainment

રણવીર સિંહની ‘સરકસ’ માં ‘ગોલમાલ’ નો અનુભવ મળશે?

રણવીર સિંહે ‘83’ પછી ‘જયેશભાઇ જોરદાર’ ની નિષ્ફળતાને પણ સ્વીકારી લીધી છે. રણવીરે તેની આગામી ફિલ્મ ‘સરકસ’ પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે કેમ કે એ જ તેની કારકિર્દીને ફરીથી પાટા પર ચઢાવી શકે છે. નિર્દેશક રોહિત શેટ્ટીની મનોરંજનથી ભરપૂર ફિલ્મો બોક્સઓફિસ પર ધમાલ મચાવે છે. દર્શકો એમની ફિલ્મની આતુરતાથી રાહ જુએ છે. ‘જયેશભાઇ જોરદાર’ પહેલા સપ્તાહમાં માત્ર રૂ.17 કરોડ કમાઇ શકી હતી. રણવીરનો શાનદાર અભિનય પણ ફિલ્મને બચાવી શક્યો નથી. વાર્તાની પસંદગીમાં તે થાપ ખાઇ ગયો હતો. ફિલ્મમાં દક્ષિણની હીરોઇન શાલિની પાંડેનો ચહેરો જાણીતો ન હોવાની વાત પણ નુકસાનકારક સાબિત થઇ છે. રણવીરે આ વાતની નોંધ લઇ લીધી છે. તેણે દક્ષિણની એક પછી એક ત્રણ ફિલ્મોની સફળતાની પણ ખુશી વ્યકત કરી છે. જો કે, તેણે અંગ્રેજી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. યશરાજ ફિલ્મ્સની કોઇ ફિલ્મની બોક્સ ઓફિસ પર આટલી ખરાબ હાલત પહેલી વખત થઇ હશે. આ ફિલ્મની નિષ્ફળતા પછી સામાન્ય વિષયની ફિલ્મોના ઘણા નિર્માતાઓ પોતાની ફિલ્મને થિયેટરને બદલે સીધી  OTT પર રજૂ કરવામાં પોતાની ભલાઇ સમજી રહ્યા છે. એમ કરવાથી વધુ કમાણી થઇ શકે એમ છે. રોહિત શેટ્ટી જેવા નિર્દેશકો પોતાની ફિલ્મને થિયેટરમાં રજૂ કરવા વર્ષો સુધી રાહ જોઇ શકે છે. રોહિતની ‘સૂર્યવંશી’ માં મહેમાન ભૂમિકા ભજવનાર રણવીરની નવી ફિલ્મ ‘સરકસ’ ને 23 ડિસેમ્બરે થિયેટરોમાં રજૂ કરવાની જાહેરાત થઇ છે. ફિલ્મના પહેલા પોસ્ટર પરથી નક્કી થઇ ગયું છે કે એમાં રણવીરનો ડબલ રોલ છે. આ કોમેડી ફિલ્મમાં વરુણ શર્મા પણ બે ભૂમિકામાં દેખાશે. તેથી સંજીવકુમાર- દેવેન વર્માની ‘અંગૂર’ પર આધારિત હોવાનું વધારે લાગી રહ્યું છે. મુખ્ય હીરોઇનો જેકલીન ફર્નાન્ડિસ અને પૂજા હેગડે છે. દીપિકા ‘83’ પછી ફરી રણવીર સાથે મહેમાન ભૂમિકામાં છે. રોહિત માને છે કે 16 વર્ષ પછી ‘ગોલમાલ’ ની જેમ જ તેમની ‘સરકસ’ એક પારિવારિક ફિલ્મ છે અને એમાં ગોલમાલની જ વાતો છે. તેમણે આખો પરિવાર સાથે ફિલ્મ જોઇ શકે એ માટે ક્રિસમસની રજાઓનો સમય રજૂઆત માટે પસંદ કર્યો છે.

યશ પછી કન્નડ ફિલ્મોનો રક્ષિત પણ બોલિવૂડના હીરો માટે ખતરો છે! 
શની ‘KGF 2’ ની સફળતા પછી વધુ એક કન્નડ ફિલ્મ ‘777 ચાર્લી’ થી બોલિવુડ પર ખતરો ઊભો થયો છે. ‘KGF 2’ થી યશ કન્નડ ફિલ્મોનો સુપરસ્ટાર બની ગયો છે. આ ફિલ્મના હિન્દી વર્ઝનથી તેણે બોલિવૂડમાં પણ ચાહકો ઊભા કર્યા છે. યશ અને કિચ્ચા સુદીપની જેમ જ કન્નડ ફિલ્મોમાં મોટું નામ ગણાતા રક્ષિત શેટ્ટીની ફિલ્મ ‘777 ચાર્લી’ ના હિન્દી ટ્રેલરની પ્રશંસા થઇ રહી છે. રક્ષિત તેની ફિલ્મોની પસંદગી માટે જાણીતો રહ્યો છે. જે વિષયની ફિલ્મો કરતાં ભલભલા અભિનેતાઓ ગભરાય છે એ પ્રયોગ તે બિંદાસ કરે છે. તેની આ અગાઉની કન્નડ ફિલ્મ ‘એડવેન્ચર ઓફ શ્રીમનનારાયણા’ વિતરકોના રાજકારણને કારણે થિયેટરોમાં હિન્દીમાં રજૂ થઇ શકી ન હતી. હવે વિતરકો ‘777 ચાર્લી’ ને હિન્દીમાં રજૂ કરવા ઉત્સુક છે. રક્ષિતની આગામી ફિલ્મ ‘રિચર્ડ એન્થની’ ના કાગડા સાથેના ટ્રેલરની પણ ચર્ચા છે. ટ્રેડ પંડિતો યશની ‘KGF 2’ ની જેમ જ રક્ષિતની ‘777 ચાર્લી’ ને પણ બોક્સ ઓફિસ પર મોટી હિટ બનવાની શક્યતા જોઇ રહ્યા છે. ‘KGF 2’ ની સફળતાનો લાભ ‘777 ચાર્લી’ ને મળી શકે છે. રક્ષિતની અગાઉ કોઇ ફિલ્મ જોઇ નથી એમની પણ ફિલ્મ જોવાની દર્શકોની ઉત્સુક્તા વધી ગઇ છે. ‘KGF 2’ ની હિન્દીમાં કમાણી રૂ.420 કરોડથી વધુ થઇ છે અને વિશ્વભરમાં રૂ.1200 કરોડની કમાણી કરીને ભારતની ત્રીજી ફિલ્મ બની છે. આ ફિલ્મે કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું નામ એકદમ ઉપર પહોંચાડી દીધું છે. કેટલાક એવી ફરિયાદ પણ કરતા રહ્યા છે કે દક્ષિણમાં માત્ર એક્શન ફિલ્મો જ વધુ બને છે. એમને ‘777 ચાર્લી’ થી જવાબ મળી શકે છે. જેમણે પણ ફિલ્મનું ટ્રેલર જોયું છે એ રક્ષિતના અને ફિલ્મના ભરપૂર વખાણ કરી રહ્યા છે. બોલિવૂડના દર્શકોને કંઇક અલગ જોઇતું હોય છે એ દક્ષિણની આવી ફિલ્મો આપી રહી છે. ‘777 ચાર્લી’ માં ધરમ નામના એક વ્યક્તિ અને ચાર્લી નામના કૂતરાની વાર્તા છે. એના ટ્રેલરમાં એક-એક દ્રશ્ય વાસ્તવિક લાગી રહ્યું છે. રક્ષિતનો અભિનય દર્શકોને ઇમોશનલ કરી શકે છે. વળી ફિલ્મનું મહાભારતના યુધિષ્ઠિરની શ્વાન સાથેની વાર્તા સાથે જોડાણ છે. ફિલ્મનું ટ્રેલર એવો ઇશારો કરે છે કે વાર્તામાં અનેક વળાંક સાથે જબરદસ્ત રહસ્ય હશે.

Most Popular

To Top