Dakshin Gujarat Main

પાનોલીની ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ

ભરૂચ, અંકલેશ્વર: ઔદ્યોગિક નગરી અંકલેશ્વરની (Ankleshwar) પાનોલી (Panoli) GIDCમાં આવેલી રીતુ ફાર્મા (Ritu Pharma) કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે ધડાકા (Blast) સાથે પ્રચંડ આગ (Fire) લાગતા કામદારોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ અંકલેશ્વરના ફાયર ફાઇટરોને કરવામાં આવતાં લાશ્કરો ફાયર ટેન્કરો સાથે દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. વારંવાર ઔદ્યોગિક એકમોમાં આગ લાગવાથી લોકોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

  • પાનોલી GIDCમાં મોડીરાત્રે રીતુ ફાર્મા કંપનીમાં ભીષણ આગ ભભૂકી
  • આગ જોવા લોકટોળું ભેગુ થયું હતું ત્યારે વધુ એક ધડાકો થયો
  • 10 ફાયર ટેન્ડરો ઘટના સ્થળ પર દોડી ગયા, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

અંકલેશ્વરમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં ઘણીવાર આગ લાગવાની ઘટના બનતી રહે છે, તેવામાં ગઈ મધરાત્રે વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી રીતુ ફાર્મા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. બ્લાસ્ટના લીધે આગ વધુ ભીષણ બની હતી અને આગના ગોટેગોટા દુરથી દેખાતા હતા.

ભીષણ બનેલી આગની ઘટના જોવા લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. ટોળું કંપનીથી થોડે દૂર ઉભું હતું ત્યારે વધુ એક બ્લાસ્ટ થતાં જ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. કંપનીમાં લાગેલી આગની ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામાં આવતા અંકલેશ્વર, પાનોલી સહિત 10 ફાયર બ્રિગેડના લાશ્કરોએ તાત્કાલિક ટેન્કરો લઇ ઘટના સ્થળે તાબડતોબ દોડી ગયા હતા.

લાશ્કરોએ આગની જ્વાળાઓ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી. ઘટના બનતા જ GPCB અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જો કે આગની દુર્ઘટના કોઈની જાનહાનિ ન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

Most Popular

To Top