National

દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં આગ લાગી

નવી દિલ્હી: આજે સોમવારે સવારે 11.45 કલાકે દેશની સૌથી મોટી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ભીષણ આગ (FireInDelhiAIIMSHospital) ફાટી નીકળતા દોડધામ મચી ગઈ છે. હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડ નજીક આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે. આગનો કોલ મળતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરી દેવાયા છે. આ સાથે જ દર્દીઓને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આગ ઈમરજન્સી વોર્ડ નજીક એન્ડોસ્કોપી રૂમમાં લાગી છે. કોલ મળતા જ 8 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબુ મેળવવાનો લાશ્કરો પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન દર્દીઓને ઈમરજન્સી વોર્ડથી અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

આગ લાગી ત્યારે ખૂબ મોટી સંખ્યામાં એઈમ્સમાં દર્દી, તબીબો અને સ્ટાફ હાજર હતો. જણાવી દઈએ કે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દેશભરમાંથી દર્દીઓ સારવાર માટે જાય છે. દરરોજ લગભગ 12 હજાર દર્દીઓ સારવાર માટે દિલ્હી એઈમ્સમાં પહોંચે છે. ઈમરજન્સી વોર્ડની નજીક જ આગ લાગી હોવાથી અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ હોસ્પિટલના સ્ટાફે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

અગાઉ પણ એઈમ્સમાં આગ લાગી છે
આ અગાઉ જૂન 2021માં AIIMS હોસ્પિટલમાં આગ લાગવાને કારણે દોડધામ મચી ગઈ હતી. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ગેટ નંબર 2 પાસે કન્વર્ઝન બ્લોકના નવમાં માળે રાત્રે લગભગ 10 વાગ્યે આગ ફાટી નીકળી હતી. ઘટનાસ્થળે પહોંચેલા 26થી વધુ વાહનોએ મોડી રાત્રે આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગને કારણે સ્પેશિયલ કોરોના લેબમાં રાખવામાં આવેલા સેમ્પલ બળીને રાખ થઈ ગયા હતા.

Most Popular

To Top