Dakshin Gujarat Main

હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ કરનાર આરોપીનો ખેરગામ પોલીસે વરઘોડો કાઢ્યો, લોકોએ ફટાકડા ફોડ્યા

ખેરગામ : ખેરગામની યુવતી સાથે દુષ્કર્મ કરનારો આરોપી અસીમ શેખને પોલીસે ઝડપી પાડ્યા બાદ બુધવારે નવસારી જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસના મોટા કાફલા સાથે આખા ગામમાં ફેરવ્યો હતો. હાથે દોરડા બાંધીને આરોપી અસીમને ખેરગામમાં શેરીએ શેરીએ ફેરવ્યો હતો. આ સમયે લોકોએ ફટાકડા ફોડીને સૂત્રોચ્ચાર કરી પોલીસની કામગીરીને બિરદાવી હતી.

ખેરગામની યુવતી સાથે દુષ્કર્મ કરનારો આરોપી લવ જેહાદમાં ફસાઈ જવાના ડરથી બીલીમોરાના હત્યાના કેસમાં સંડોવાયેલા અને જામીન પર છૂટેલા આરોપી રોનક પટેલ સાથે લગ્ન કરવાનું ષડયંત્ર રચનાર આરોપી અસીમ નિઝામ શેખને પોલીસે ઝડપી પાડીને કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા.

બુધવારે આરોપી અસીમને મોટા પોલીસ જાપ્તામાં ખેરગામ લાવવામાં આવ્યો હતો. બપોરે 12:30 વાગ્યાના અરસામાં આરોપી અસીમને પોલીસ સ્ટેશને લાવ્યા બાદ સમગ્ર પંથકમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ખેરગામ નગરમાં નવસારી જિલ્લા પોલીસ વડા રાય, એલસીબી પીઆઈ દીપક કોરાટ, એસઓજી પીઆઈ. પી.બી પટેલિયા, વાંસદા પોલીસ મથકના પી.એસ.આઇ. જયદીપસિંહ ચાવડા, ખેરગામ પીએસઆઇ ડી.આર. પઢેરિયા સહિતના અધિકારીઓ તથા પોલીસના જવાનોના વિશાળ કાફલા સાથે આરોપી અસીમને દોરડું બાંધી સમગ્ર નગરમાં ફેરવવામાં આવ્યો હતો.

પોલીસ કાફલા સાથે આગળ વધતી ગઈ અને પીડિત યુવતીના પરિવારની મહિલાઓએ રસ્તામાં ફૂલો નાંખી પોલીસની કામગીરીને બિરદાવી હતી. કેટલાક મુસ્લિમ પરિવારો પણ આગળ આવ્યા હતા. કેટલીક જગ્યાએ મુસ્લિમ સમાજની બહેનોએ પણ વેલણથી થાળી વગાડીને પોલીસની કામગીરીને બિરદાવી હતી.

ખેરગામ ટાઉન પોલીસ ચોકીથી ખેરગામ મેઈન બજાર, ઝંડા ચોક થઈ અસીમને તેના ઘર પાસે લઈ જવાયો હતો. ત્યારબાદ ત્યાંથી દશેરા ટેકરી, ગાંધી સર્કલ, બાબા સાહેબ સર્કલ થઈ ફરી ખેરગામ ટાઉન પોલીસ ચોકી મોટી સંખ્યામાં સાથે રેલી આકારે જોડાનારા લોકો છૂટા પડ્યા હતા. રેલીમાં જોડાયેલા લોકોએ ભર ચોમાસામાં ફટાકડા ફોડી દિવાળી જેવો માહોલ બનાવી દીધો હતો. એક સમયે મોંઘીદાટ કારમાં સહેલ કરનારો આરોપી અસીમ આજે જાણે જમીન પર આવી ગયો હતો. ને નતમસ્તક જોવા મળ્યો હતો. પોલીસે આરોપી અસીમ પાસે જાહેરમાં ઊઠબેસ કરાવી હતી.

હિંદુ સંગઠનોએ પોલીસની કામગીરીને બિરદાવી જયશ્રી રામના નારા બોલાવ્યા
ખેરગામમાં હિન્દુ સમાજના લોકો, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે પોલીસની કામગીરીને બિરદાવી હતી. હિંદુ સંગઠનના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ઉપરાંત ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો જય જયકાર બોલાવ્યો હતો.

Most Popular

To Top