Madhya Gujarat

1 ઇંચ વરસાદ: શહેરમાં પાણી જ પાણી

વડોદરા: શહેરમાં આજે બપોર બાદ મેઘરાજાની મહેર થઇ હતી. જો કે આ મેઘમહેર કેટલાક વિસ્તારમાં કહેર સમાન સાબિત થઇ હતી. કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. જેના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. બે દિવસ વિરામ લીધા બાદ બુધવારે રાબેતા મુજબ બપોરે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી.વરસાદની ધમાકેદાર ઈનિંગને પગલે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેને કારણે વાહનચાલકો સહિત સ્થાનિક રહીશો મુશ્કેલીઓમાં મુકાયા હતા.વરસાદને કારણે શહેરના અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઇ ગયા હતા.

જેને કારણે સ્વયંભૂ વાહનવ્યવહાર બંધ કરવો પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું હતું.જેથી લોકો આ ગરનાળું પાણીમાં પગપાળા જ પસાર કરવા મજબૂર બન્યા હતા.અગાઉ પણ વરસાદની જોરદાર બેટીંગમાં ગરનાળામાં પાણી ભરાતા વાહનવ્યવહાર અટકાવવો પડ્યો હતો. અને લોકો પગપાળા જવા મજબૂર બન્યા હતા.એસએસજી હોસ્પિટલ તથા તેની પાછળના ભાગમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી હતી. જેથી હોસ્પિટલમાં જનારા લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી. હોસ્પિટલની પાછળના ભાગમાં પાણી ભરાતા વાહન ચાલકોએ ડિવાઇડર કિનારે વાહન ચલાવીને પસાર થવાનું સલામત માન્યું હતું.શહેરમાં પાણી ભરાવવાની આટઆટલી સમસ્યા છતી થતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે.

Most Popular

To Top