Columns

કાશ્મીરમાં યાસીન મલિક એક નહીં, અનેક છે

જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થઈ, એનસી – કોંગ્રેસની સરકાર છે. આતંકી પ્રવૃત્તિ ઘટી જરૂર છે પણ આતંક નાબૂદ થયો નથી. એનું કારણ કાશ્મીરના કેટલાક નેતા પણ છે. એમાંનું એક નામ યાસીન મલિક છે અને કાશ્મીરમાં આવા નેતાઓ એક નહીં અનેક છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં મોટો ખુલાસો કર્યો છે કે, કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિક પાકિસ્તાનના ટોચના નેતૃત્વના સંપર્કમાં હતો અને આ સંબંધોનો ઉપયોગ તે ભારતવિરોધી અને અલગતાવાદી એજન્ડા ફેલાવવા માટે કરતો હતો.

આ મામલે NIAએ તેની સજા વધારીને મૃત્યુદંડ કરવાની માંગ પણ કરી છે. મલિક પાકિસ્તાનના વડા પ્રધાન, રાષ્ટ્રપતિ, સેનેટરો અને વિવિધ પ્રાંતોના મુખ્યમંત્રીઓના સંપર્કમાં હતો. એજન્સીનું કહેવું છે કે આ સંપર્કો દ્વારા તે જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવા માટે વાતાવરણ બનાવી રહ્યો હતો. મલિકના સંબંધો હાફિઝ સઈદ અને સૈયદ સલાહુદ્દીન જેવા આતંકવાદીઓ સાથે પણ રહ્યા છે. મલિકે પોતે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના કમાન્ડર-ઇન-ચીફ હોવાનું જણાવ્યું છે. મલિક સામે ઘણા આરોપ છે.

યાસીન મલિકનું નામ ભારતીય રાજકારણ અને કાશ્મીરના ઈતિહાસમાં અત્યંત વિવાદાસ્પદ રહ્યું છે. એક સમયના સશસ્ત્ર આતંકવાદીથી લઈને અલગતાવાદી નેતા સુધીની તેની સફર અનેક ગંભીર આરોપો અને વિવાદોથી ભરેલી છે. યાસીન મલિક પર ૨૫ જાન્યુઆરી, ૧૯૯૦ના રોજ શ્રીનગરમાં ભારતીય વાયુસેનાના ચાર નિઃશસ્ત્ર અધિકારીઓની હત્યા કરવાનો આરોપ છે. ઉપરાંત, તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબિયા સઈદના અપહરણના કેસમાં પણ યાસીન મલિક મુખ્ય આરોપી છે. આ અપહરણના બદલામાં પાંચ આતંકવાદીઓને છોડાવવામાં આવ્યા હતા,

૧૯૯૦ના દાયકામાં કાશ્મીર ખીણમાંથી કાશ્મીરી પંડિતોને બળજબરીપૂર્વક હાંકી કાઢવા અને તેમની વિરુદ્ધ હિંસા ભડકાવવામાં મલિકના સંગઠન  જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટની મોટી ભૂમિકા હોવાનું મનાય છે. ટેરર ફંડિંગનો મામલો સૌથી વધુ વિવાદાસ્પદ છે. તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈ. એસ. આઈ. અને હાફિઝ સઈદ જેવા આતંકવાદીઓ પાસેથી ભંડોળ મેળવતો હતો. આ પૈસાનો ઉપયોગ કાશ્મીરમાં પથ્થરમારો કરાવવા અને ભારતવિરોધી પ્રવૃત્તિઓ ચલાવવા માટે થતો હતો.

મલિકે ઘણી વાર જેલમાં સુવિધાઓ અથવા પોતાના કેસમાં પક્ષ રાખવાની તક ન મળવા બદલ ભૂખ હડતાળ કરી છે, જેને સરકાર અને તપાસ એજન્સીઓ ન્યાયિક પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાનો અને આંતરરાષ્ટ્રીય સ્તરે સહાનુભૂતિ મેળવવાનો ‘સ્ટંટ’ ગણાવે છે. હાલમાં તે દિલ્હીની તિહાર જેલમાં સજા કાપી રહ્યો છે. કાશ્મીરમાં આવા બીજા નેતાઓ પણ છે, જેમના સામે આરોપો પણ છે. જો કે યાસીન આ બધામાં સૌથી વધુ ખતરનાક છે. રેશનિંગની દુકાને કોલસા મળશે!

કેન્દ્ર સરકાર આમ તો કહે છે કે રાંધણ ગેસની કોઈ અછત નથી પણ જ્યાં પહેલી વાર ભાજપના મુખ્યમંત્રી આવ્યા છે એ બિહારમાં આશ્ચર્યજનક જાહેરાત થઈ છે. ઈરાન યુદ્ધ અને અન્ય ભૌગોલિક તણાવને કારણે ઊભા થયેલા એલપીજી સંકટને ધ્યાનમાં રાખીને બિહાર સરકારે સામાન્ય જનતા માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે બિહારમાં રેશનકાર્ડધારકોને રેશનની દુકાનો પર રસોઈ માટે કોલસો પૂરો પાડવામાં આવશે. બિહારના ખાદ્ય સુરક્ષા યોજના સાથે જોડાયેલાં ૨ કરોડથી વધુ પરિવારો  આ સુવિધાનો લાભ લઈ શકશે.ગેસની અછતને પહોંચી વળવા વૈકલ્પિક ઈંધણ તરીકે કોલસો આપવાનો નિર્ણય લેવાયો છે.

બિહારમાં એલપીજીની અછતને કારણે બજારમાં કોલસાની માંગ વધી ગઈ છે. હાલમાં લોકો મોંઘા ભાવે અથવા બ્લેકમાં કોલસો ખરીદવા મજબૂર છે. ઝારખંડથી કોલસાની દાણચોરી પણ વધી છે અને તેના ભાવમાં ૩૫ થી ૪૦ ટકાનો વધારો થયો છે. બ્લેક માર્કેટમાં ૫ કિલો કોલસો ૧૦૦ થી ૧૨૦ રૂપિયામાં વેચાઈ રહ્યો છે. હવે રેશનની દુકાનો પર વ્યાજબી ભાવે કોલસો મળવાથી સામાન્ય લોકોને રાહત થશે. જૂનો યુગ જાણે પાછો ફર્યો છે. ભારતમાં રેશનિંગ સિસ્ટમ દ્વારા કોલસો કે અન્ય બળતણ પૂરું પાડવાની વ્યવસ્થાનો ઇતિહાસ ઘણો જૂનો છે.

૧૯૯૦ના દાયકા સુધી અને તે પહેલાં, પશ્ચિમ બંગાળ અને સંયુક્ત બિહાર (જેમાં અત્યારનું ઝારખંડ સામેલ હતું) માં રેશનની દુકાનો પર એટલે કે રસોઈ માટેનો કોલસો આપવાની વ્યવસ્થા ખૂબ જ સામાન્ય હતી. કોલસાની ખાણો નજીક હોવાને કારણે ત્યાં આ મુખ્ય બળતણ હતું. ધીરે ધીરે દેશના મોટા ભાગનાં રાજ્યોમાં રસોઈ ગેસની ગેરહાજરીમાં કેરોસીન (ઘાસલેટ) રેશનિંગ કાર્ડ પર આપવાની વ્યવસ્થા મુખ્ય બની ગઈ હતી. પરંતુ ‘ઉજ્જવલા યોજના’ અને એલપીજીના પ્રસાર બાદ કેરોસીન પરની નિર્ભરતા ઘટાડવામાં આવી. છેલ્લા કેટલાક દાયકાઓમાં ‘કોલસો’ રેશનિંગની દુકાનો પરથી લગભગ અદૃશ્ય થઈ ગયો હતો. બિહાર સરકારે અત્યારે જે નિર્ણય લીધો છે તે એક રીતે જૂની વ્યવસ્થાનું પુનરાગમન કહી શકાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top