World

ઈમરાન ખાનને મોટો આંચકો: ઈસ્લામાબાદ હાઈકોર્ટે ધરપકડને યોગ્ય ગણાવી

નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) જાણીતા ક્રિકેટર અને પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની (Imran Khan) ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી પાકિસ્તાની રેન્જર્સ દ્વારા મંગળવારના રોજ ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ખાનની ધરપકડ થતાં જ તેનાં સમર્થકો, કેટલાંક નેતાઓ અને કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યો છે જેમાં એક જણનું મોત થયું હોવાનું પણ કહેવાય રહ્યું છે. પીટીઆઈનાં નેતા અને પાકિસ્તાનના પૂર્વ મંત્રી શેખ રસીદે ઈમરાનની જાનને ખતરો હોવાનું પણ કહ્યું છે. તેઓએ કહ્યું કે ઈમરાનની હત્યા થઈ શકે છે.

ઈસ્લામાબાદ હાઈકોર્ટે તરફથી ઈમરાન ખાનને મોટો આંચકો મળ્યો હતો. ઈસ્લામાબાદ કોર્ટે ઈમરાનની ધરપકડનો યોગ્ય ગણાવી હતી. ઉપરાંત કોર્ટના ચીફ જસ્ટિસ અમીર ફારુકે ફવાદ ચૌધરી, સૈફુલ્લા નિયાઝી, ફૈઝલ ચૌધરી, નઈમ હૈદર, અલી બુખારીની ધરપકડ પર રોક લગાવવાનો આદેશ જારી કર્યો હતો. ઈસ્લામાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, ગૃહ સચિવ અને આઈજી ઈસ્લામાબાદને કોર્ટની અવમાનનાની નોટિસ જારી કરવામાં આવી છે.

ઈમરાન ખાનની ધરપકડ પછી એક રેકોર્ડેડ વિડિયો સામે આવ્યો
બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ પણ કહ્યું છે કે લોકોએ હવે ઘરમાં બેસવું ન જોઈએ. માહોલ ખરાબ થશે તે આશંકાએ 30 પીટીઆઈ સમર્થકોની ઈસ્લામાબાદ પોલીસે કાશ્મીર હાઈવેથી ઘરપકડ કરી હતી. પીટીઆઈએ ટ્વિટર પર શટડાઉન પાકિસ્તાનની માંગ કરી છે. ઈમરાન ખાનની ધરપકડ પછી એક રેકોર્ડેડ વિડિયો સામે આવ્યો છે જેમાં તે કહે છે કે મને પહેલાંથી ખબર હતી કે મને ખોટાં કેસમાં ફસાવીને મારી ધરપકડ કરાશે. ISI મારું મર્ડર કરવા માગે છે. આ લોકોની ગુલામી કરતા તો મોત સારી છે.

પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવા બંધ, ધારા 144 લાગુ કરાઈ
પાકિસ્તાનમાં ઈમરાનખાનની ધરપકડ પછી તેનાં સમર્થકો તેને છોડી દેવાની માગ કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. પાકિસ્તાનમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. ત્યાંનો માહોલ તંગ બન્યો છે. કરાચીમાં પોલીસ અને કેટલાય લોકો વચ્ચે માહોલ ગરમાયો હતો. જેનાં કારણે પોલીસે ટીયર ગેસ છોડવા પડ્યાં હતા. ઈમરાન ખાનને મુક્ત કરવા માટે જે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે તેઓ રાવલપિંડીનાં સેનાના મુખ્યાલયમાં ધૂસી ગઈ હતી. પીટીઆઈના કેટલાક સમર્થકો સેનાનાં ટુકડી કમાન્ડરના આવાસ પર હુમલો કરવા પહોંચી ગઈ હતી. પાકિસ્તાનના પેશાવરમાં એક રેડિયો સ્ટેશન બિલ્ડીંગને તેમજ મિયાંવાલી એરબેઝ પર રાખવામાં આવેલા ડમી એરક્રાફ્ટને આગ ચાંપવામાં આવી હતી.

પાકિસ્તાનના ક્વોટામાં પીટીઆઈએ દાવો કર્યો છે કે આ વિરોધ પ્રદર્શનમાં એક યુવાનનું મોત થયું હતું અને અન્ય 4 યુવકોને ગોળીવાગી હતી. ઈમરાન ખાનને છોડાવવા માટે આઝાદીના નારા તેમજ ધણાં સ્થળોએ સમર્થકો આગ પણ લગાવી હતી. પાકિસ્તાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ઈસ્લામાબાદ પોલીસના 5 જવાન ઘાયલ થયા હતાં. પોલીસે કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ 43 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી.

બુધવારે ઈમરાનની પત્ની બુશરા બેગમની પણ ધરપકડ કરવામાં આવશે!
ઈમરાનની ઘરપકડ પછી ઈસ્લામાબાદ કોર્ટે પાકિસ્તાનના ગૃહ સચિવને તાત્કાલિક હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. ઈમરાન ખાનને બુધવારે કોર્ટમાં પેશ કરવામાં આવશે. જાણકારી મુજબ આવતી કાલે કે જયારે ઈમરાન ખાનને કોર્ટમાં પેશ કરવામાં આવશે ત્યારે તેની પત્ની બુશરા બેગમની પણ ધરપકડ કરવામાં આવશે.

કયા કેસમાં ઈમરાનની ધરપકડ કરવામાં આવી?
યુનિવર્સિટી સંબંધિત બાબત અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાનની ધરપકડ કરવામાં આવી છે. ઈમરાને વડાપ્રધાન તરીકે આ યુનિવર્સિટીને કરોડો રૂપિયાની જમીન ગેરકાયદેસર રીતે આપી હતી. કેસનો ઘટસ્ફોટ પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિ મલિક રિયાઝે કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે ઈમરાન અને તેની પત્નીએ ધરપકડની બીક બતાવીને અબજો રૂપિયાની જમીન પોતાના નામે કરાવી લીધી હતી. રિયાઝ અને તેની પુત્રીની વાતચીતનો ઓડિયો લીક થયો હતો, જેમાં રિયાઝની પુત્રીનું કહેવું છે કે ઈમરાનની પત્ની બુશરા બીબી તેમની પાસે પાંચ કેરેટનાં હીરાની વીંટી માગી રહ્યાં છે.

અલ કાદિર યુનિવર્સિટીનાં ટ્રસ્ટી ઈમરાન અને તેની પત્ની બુશરા છે. લગભગ 90 કરોડની આ યુનિવર્સિટીમાં 6 વર્ષમાં માત્ર 32 વિદ્યાર્થીનું એડમિશન થયું હતું. ઈમરાનખાન વિરુદ્ધ કુલ મળીને 108 કેસ છે. 

Most Popular

To Top