Columns

‘ભ્રમણા’ વિશ્વવ્યાપી છે

ઘણા અંગ્રેજી શબ્દો આપણી ગુજરાતી ભાષામાં ભળવા લાગ્યા છે. અમુક લોકો આયાસપૂર્વક ગુજરાતીમાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરે છે તો અમુક અનાયાસે. હકીકત એ છે કે ભાષા પ્રવાહી હોય છે અને તે સતત બદલાતી રહે છે. ઘણા ભાષાઝનૂનીઓ શુદ્ધ ભાષાનો દુરાગ્રહ સેવે ત્યારે એ ચેષ્ટા ઘણા ખરા કિસ્સામાં ઉપહાસમય બની રહે એ શક્યતા વધુ હોય છે. કોઈ વક્તા સંસ્કૃતમાં વક્તવ્ય આપે તો એનાથી લોકો અંજાય છે ખરા, પણ સાંભળનારાને મન એ એક ભાષાકીય ગતકડાથી વિશેષ કશું નથી. ભાષાની શુદ્ધતાના આગ્રહીઓને વાંધો પોતાની ભાષામાં ભળતા અંગ્રેજી શબ્દો વધુ હોય એમ જણાય છે.સામે પક્ષે અંગ્રેજી અનેક ભાષાના શબ્દોને પોતાનામાં સમાવિષ્ટ કરતી રહી છે.

અંગ્રેજી ભાષા સાથે સંકળાયેલાં વિવિધ પ્રકાશનગૃહો કે અન્ય સંસ્થાઓ દ્વારા દર વર્ષે ‘વર્ડ ઑફ ધ યર’ એટલે કે ‘વર્ષનો શબ્દ’ ઘોષિત કરવાની પરંપરા હવે તો ઠીક ઠીક જૂની કહી શકાય એવી છે. વર્ષ દરમિયાન સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલા શબ્દની પસંદગી આ માટે કરવામાં આવે છે. ઈન્ટરનેટના આગમન પછી આ પસંદગીપ્રક્રિયા વધુ સરળ બની છે. એ મુજબ જે શબ્દની ‘શોધ’ સૌથી વધુ વાર કરવામાં આવી હોય તેની પસંદગી કરવામાં આવે છે. ‘વોર્ત દસ યારસ’ નામના જર્મન પ્રકાશન દ્વારા ૧૯૭૧માં આ પરંપરા આરંભાયેલી.

‘અમેરિકન સોસાયટી ઑફ ડાયલેક્ટ’ દ્વારા ૧૯૯૦થી તે શરૂ કરવામાં આવી. અમેરિકાની સુખ્યાત ‘મેરીઅમ વેબસ્ટર’ ડિક્શનરી’૨૦૦૩થી વર્ષ દરમિયાન સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલા દસ શબ્દોની યાદી બહાર પાડે છે. ‘ઑક્સફર્ડ ઈન્ગ્લીશ ડિક્શનરી’૨૦૦૪થી ઈન્ગ્લેન્ડ અને અમેરિકા એમ બન્ને દેશો માટે અલાયદા ‘વર્ડ ઑફ ધ યર’ ઘોષિત કરે છે. ‘ઑસ્ટ્રેલિયન નેશનલ ડિક્શનરી સેન્ટર’ અને ઓસ્ટ્રેલિયાની ‘મક્વરી ડિક્શનરી’એ ૨૦૦૬થી આ પ્રથા અપનાવી. ઈન્ગ્લેન્ડની ‘કૉલિન્સ ડિક્શનરી’ એ ૨૦૧૩થી તેનો આરંભ કર્યો. અતિ પ્રતિષ્ઠિત ‘કેમ્બ્રીજ ડિક્શનરી’એ ૨૦૧૫થી ‘વર્ડ ઑફ ધ યર’ની પ્રથા અનુસરવાનું શરૂ કર્યું.

જે તે વર્ષનો શબ્દ પસંદગી પામે એ ખરું, પણ કયા કારણથી લોકોએ તેના અર્થની ખોજ કરી એ કારણ આની સાથે જાણવા મળે છે અને એ બહુ રસપ્રદ હોય છે. વર્તમાન વર્ષ ૨૦૨૩નો કેમ્બ્રીજ ડિક્શનરી દ્વારા પસંદ કરાયેલો ‘વર્ડ ઑફ ધ યર’છે ‘હેલ્યુસિનેટ’ માનસશાસ્ત્ર સાથે સંકળાયેલો આ શબ્દ અતિ પ્રચલિત છે અને ગુજરાતી, હિન્દી જેવી ભાષાઓમાં પણ ઘણી વાર એ જ સ્વરૂપે વપરાશમાં લેવાય છે.

તેનો અર્થ છે ‘ભ્રાંતિ’ અથવા ‘ભ્રમણા’ એટલે કે જે ન હોય, છતાં કોઈ વ્યક્તિને એ દેખાય એ ઘટના. આ શબ્દનો સંબંધ એ.આઈ.’(આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ/કૃત્રિમ બુદ્ધિમતા) સાથે હોવાનું એક તારણ છે. ‘કૉલિન્સ ડિક્શનરી’ દ્વારા પસંદગી પામેલો ‘વર્ડ ઑફ ધ યર’છે ‘એ.આઈ.’બે અલગ અલગ તારણોમાં પસંદગી પામેલા આ શબ્દો વચ્ચે શો સંબંધ? એ સંબંધ કંઈક એ રીતે નીકળે છે કે ‘એ.આઈ.’દ્વારા પૂરી પડાયેલી ખોટી તેમજ ગેરમાર્ગે દોરતી માહિતી માનસને ચિંતાજનક રીતે અમુકતમુક દિશામાં દોરી જાય છે.

તેને કારણે એ રીતે દોરાનારને નજર સામે દેખાડાતી ચીજ સાચી હોવાની ભ્રમણા થાય છે. ઉદાહરણથી આ વાત સારી રીતે સમજી શકાશે. માર્ચ, ૨૦૨૩માં એક તસવીર વાયરલ બની. એ તસવીર પોપ ફ્રાન્સિસની હોવાનું જણાવાયું હતું. પોપે પોતાના પરંપરાગત પોશાકની ઉપર સ્ટાઈલીશ પફર (નરમ ગાદી ધરાવતો) કોટ પહેરેલો હતો. તેમના ગળામાં ચેઈન પણ લટકાવાયેલી દેખાતી હતી, જેની પર ક્રોસ લટકતો હતો. એટલે કે તે પોપ હોવાનું પ્રમાણિત કરતી હતી.

રોમના કેથલિક ચર્ચના વડા પોપ આવા ફેશનેબલ પરિધાનમાં હોવાથી આ તસવીર ફરતી થઈ ગઈ. વાસ્તવિકતા સાવ જુદી જ હતી. આ તસવીર બનાવટી હતી અને ‘એ.આઈ.’ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તેના માટે ‘મિડજર્ની’ નામનું સોફટવેર વપરાયું હતું. આવો જ કિસ્સો અભિનેત્રી રશ્મિકા મંદાના બાબતે બનેલો. એક વિડિયો ક્લીપ તેમના નામે ફરતી થઈ. પછી ખબર પડી કે એ વિડિયોમાં દેખાતી મહિલા રશ્મિકા મંદાના નથી. તેને ‘એ.આઈ.’થકી તૈયાર કરવામાં આવી છે.

આ પ્રકારની સામગ્રીને ‘ડીપફેક’ જેવા શબ્દ વડે ઓળખવામાં આવે છે. ‘ડીપફેક’ને સરળતાથી સમજીએ તો કહી શકાય કે તેના અંતર્ગત અસંખ્ય તસવીરો અને વિડિયો થકી ચહેરાની લાક્ષણિકતાઓને ઓળખવાની ‘તાલીમ’ જે તે પ્રોગ્રામને આપવામાં આવે છે. એટલે કે તેનો મૂળભૂત ઉપયોગ જ કૃત્રિમ સામગ્રી ઊભી કરવાનો, ભ્રમણા પેદા કરવાનો છે. આ સામગ્રી નેટના વપરાશકર્તા સુધી પહોંચે ત્યારે તે ‘હેલ્યુસીનેટ’ થાય છે એટલે કે તેના મગજને નજર સામે દેખાતી છબિ કે દૃશ્ય સાચું હોવાની ભ્રાંતિ થાય છે. આપણા દેશમાં આને રોકવા માટે કાયદાની કોઈ સીધી કલમ નથી, પણ આઈ.ટી.એક્ટની કલમ ૬૬ ઈ અંતર્ગત તે ગુનો બને છે. એ મુજબ સંબંધિત વ્યક્તિની પરવાનગી વિના તેની છબિ લેવી, જાહેર કરવી કે અન્યને મોકલવું ગેરકાનૂની ગણાય છે. આ કલમના ભંગ બદલ મહત્તમ સજા બે લાખ રૂપિયાનો દંડ કે ત્રણ વર્ષની કેદ છે.

‘કેમ્બ્રીજ ડીક્શનરી’ દ્વારા પસંદગી પામેલો આ વર્ષનો શબ્દ આમ જાઈએ તો ટેક્નોલોજીના એક મોટા ભયસ્થાન તરફ નિર્દેશ કરે છે.ઈન્ટરનેટના તમામ સ્તરના વપરાશકર્તા આનો એક યા બીજી રીતે ભોગ બની શકે. અલબત્ત, એક સજાગ નાગરિક તરીકે આપણાથી એટલું અવશ્ય થઈ શકે કે આપણી પાસે આવી કોઈ છબિ કે સામગ્રી આવે તો તે આગળ કોઈને ન મોકલીએ. આટલું આપણા હાથમાં છે અને એ કરીએ તો આપણે આવી છલનાનો કેવળ ભોગ જ નહીં, ભાગ બનતા પણ અટકીએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top