ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછી તેનું સુકાન ડૉ. જીવરાજ મહેતા જેવા વિચક્ષણ રાજપુરુષને સોંપાયું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂકેલા કચ્છના લોકસેવક કુંદનલાલ ધોળકિયાએ આયુષ્યના અવશેષે ‘સમયને સથવારે ગુજરાત’ શીર્ષક હેઠળ એક રાજકીય વિશ્લેષણાત્મક પુસ્તક લખ્યું હતું. તેમાં તેમણે પોતાના આયુષ્ય દરમિયાન જોયેલા મુખ્યમંત્રીઓ વિશે નિખાલસ ચર્ચા કરી હતી. જીવરાજ મહેતા તેમની દૃષ્ટિએ શ્રેષ્ઠ મુખ્યમંત્રી હતા. હિતેન્દ્ર દેસાઈ અને બાબુભાઈ જશભાઈ પટેલને પણ તેઓ સારા મુખ્યમંત્રીઓ ગણાવે છે. બળવંતરાય મહેતા, અમરસિંહ ચૌધરી અને કેશુભાઈ પટેલ તેમને મધ્યમ કક્ષાના મુખ્યમંત્રી લાગે છે, જ્યારે ચીમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી તેમને કનિષ્ઠ કક્ષાના મુખ્યમંત્રી લાગે છે. આવા વર્ગીકરણ પાછળ તેમની પાસે સબળ કારણો અને દલીલો છે. આ પુસ્તક ગૂર્જર પ્રકાશન દ્વારા પ્રકાશિત થયું હતું. અત્યારે તે ઉપલબ્ધ છે કે નહીં, તેની મને ખબર નથી; પરંતુ તેના વિમોચન પ્રસંગે હું ઉપસ્થિત રહ્યો હતો. વિમોચન સ્વ. દિનેશ શાહના વરદ હસ્તે લાલ દરવાજા પાસે ભદ્રમાં આવેલા જૂના કોંગ્રેસ ભવન ખાતે યોજાયું હતું. કુંદનલાલ ધોળકિયાએ કરેલું આ વર્ગીકરણ તેમના આદર્શ ધોરણો અને લોકતંત્રમાં બંધારણ દ્વારા રાખવામાં આવેલી અપેક્ષાઓના માપદંડો મુજબનું હતું. તેઓ અણીશુદ્ધ, ટકોરાબંધ, તટસ્થ અને પક્ષપાતરહિત વહીવટના આગ્રહી હતા. વિધાનસભાના અધ્યક્ષપદે નિમાયા પછી તેમણે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે કોઈ વહેરો-વંચો રાખ્યો નહોતો. મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માધવસિંહ સોલંકીને તેઓ ડાબી અને જમણી આંખની જેમ સરખું મહત્ત્વ આપતા હતા.

કુંદન એટલે તપાવેલું સો ટચનું સોનું. કુંદનલાલને જોયા પછી ગાંધીજીને સમજવામાં ઝાઝી તકલીફ ન પડે. પરંતુ રાજકારણ તો શક્યતાઓની ચોપાટ છે અને તેમાં ‘જીત્યો એ જ સિકંદર’વાળી ફોર્મ્યુલા ચાલે છે. ખુદ ગાંધીજીએ તેમના બહુચર્ચિત પુસ્તક ‘હિંદ સ્વરાજ’માં પાર્લામેન્ટને કેવો સરપાવ આપ્યો હતો, તે કોણ નથી જાણતું? ઘણાં બધાં સમાધાનો સાથે રાજનેતાઓને અનુકૂળ થવું પડે છે. એ સિવાય આજની વૈશ્વિક રાજનીતિમાં તેઓ ટકી જ ન શકે. એટલે જ નૈતિક મૂલ્યોના અમલનો આગ્રહ રાખનારા નેતાઓ કાં તો રાજકારણમાં પડવાનું જ ટાળે છે, અને જો ભૂલથી આવી પડે તો વહેલી તકે હાથ જોડી એ કાદવમાં ખરડાવું પડે તે પહેલાં નીકળી જવામાં જ શ્રેય માને છે. આપણા ચાર મુખ્યમંત્રી જુલાઈ મહિનામાં જન્મેલા છે. એકવીસમી જુલાઈ શંકરસિંહ વાઘેલાની જન્મતારીખ છે; ચોવીસમી જુલાઈ કેશુભાઈ પટેલની, ત્રીસમી જુલાઈ માધવસિંહ સોલંકીની અને એકત્રીસમી જુલાઈ અમરસિંહ ચૌધરીની. કેવો વિચિત્ર યોગાનુયોગ! તેને યોગાનુયોગ જ કહીશું કે વિશિષ્ટ રાજયોગ?
શંકરસિંહ વાઘેલાની જન્મતારીખ અને આપણા લાડીલા કવિ ઉમાશંકર જોશીની જન્મતારીખ એક જ દિવસે આવે છે. જોકે ઉમાશંકરના પિતા પોતે જ ગોરપદું કરતા હતા, એટલે તેમની જન્મતારીખ સાચી જ હોય; પરંતુ શંકરસિંહ તો સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા છે. એ જમાનામાં શાળામાં પ્રવેશ વખતે માસ્તર પોતાની મનપસંદ તારીખે વિદ્યાર્થીઓને જન્માવી દેતા હતા. બાળકના માતા-પિતાને કોઈ પૂછવા જતું જ નહીં. એટલે કદાચ તેમની સાચી જન્મતારીખ જુદી હોઈ શકે છે. માધવસિંહ સોલંકીના કિસ્સામાં જન્મતારીખ ખોટી હોવાની શક્યતા એટલા માટે ઓછી છે કે તેમના પિતા ફૂલસિંહ પોતે શિક્ષક હતા. કેશુભાઈ પટેલની જન્મતારીખ વિશે પણ શંકા કરી શકાય. પરંતુ સત્તાવાર રીતે આ ચારેય મુખ્યમંત્રીઓની જન્મતારીખ જુલાઈ મહિનામાં આવે છે અને એ રીતે જ ઉજવાતી રહે છે. આ પૈકી શંકરસિંહ વાઘેલા એકલા જ હયાત છે, પરંતુ તેમની સાથે જુલાઈ મહિનામાં જન્મેલા ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓનું વજૂદ હજી સાવ ઓસરી ગયું નથી. કેશુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના પાયાની ઈંટ પણ છે અને શિખર પણ. ભલે શંકરસિંહ વાઘેલા એવો દાવો કરે કે તેમના કારણે જ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું અને દેશમાં પણ ભારતીય જનતા પાર્ટી સમર્થ રાજકીય પક્ષ તરીકે ઊભરી આવી. તેમણે તો બળવો કરીને આત્મવિલોપનનો જ માર્ગ પ્રશસ્ત કર્યો હતો, જેનો સાચો અને સીધો ફાયદો નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યો હતો. અમરસિંહ ચૌધરીની આદિવાસી વિસ્તારોમાં અસર ભૂંસાઈ ગઈ નથી. તુષાર ચૌધરી આજે પણ તેમની રાજકીય પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે કાર્યરત છે.
આ ત્રીસમી જુલાઈના દિવસે તેઓ સોમા વર્ષમાં પ્રવેશ્યા હોત. માધવસિંહ સોલંકીએ કોંગ્રેસને વિક્રમજનક વિજય જરૂર અપાવ્યો હતો, પરંતુ તેમની જ્ઞાતિવાદી ગણતરી સરવાળે તો કોંગ્રેસના વિનિપાતમાં જ પરિણમી હતી. તેમ છતાં, અંગત ગુણવત્તાની દૃષ્ટિએ માધવસિંહ સોલંકી ગુજરાતને મળેલા એક અભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા, એમ કહેવામાં લેશમાત્ર અતિશયોક્તિ નથી. તેઓ જે સમયે ગુજરાતના મુખ્યમંત્રીપદે આવ્યા, તે વખતે હિતેન્દ્ર દેસાઈ જેવા પ્રતિભાશાળી મુખ્યમંત્રીની બોલબાલા હતી. મુખ્યમંત્રી તરીકે બાબુભાઈ જશભાઈ પટેલ અને ચીમનભાઈ પટેલ જેવા ધુરંધરો સાથે સ્પર્ધા હતી. અઠંગ ગાંધીવાદી વડીલો રતુભાઈ અદાણી અને ઝીણાભાઈ દરજીનો દબદબો હતો. માધવસિંહ સોલંકીને આગળ ધરવામાં આ બંને મોવડીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમને આ ક્ષત્રિય નેતામાં ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત સ્થિતિમાં લાવી આપવાનું કૌવત દેખાયું હતું.
મૂળભૂત રીતે માધવસિંહ રાજકારણના જીવ નહોતા. જ્યારે મુંબઈ ધારાસભામાં ચૂંટાઈ આવેલા તેમના સસરા ઈશ્વરભાઈ ચાવડાએ પોતાની બેઠક પરથી રાજીનામું આપવું પડ્યું,
ત્યારે તે ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસ યોગ્ય ઉમેદવારની શોધ કરી રહી હતી. મોરારજી દેસાઈને તત્કાલીન ખેડા જિલ્લાના યુવાન ધારાસભ્ય બાબુભાઈ જશભાઈ પટેલે તે બેઠક માટે માધવસિંહનું નામ સૂચવ્યું અને આનાકાની બાદ માધવસિંહ ઉમેદવારી કરવા તૈયાર થયા. આમ, રાજકારણમાં ન પડવા માગતા એક વકીલનો ઓચિંતો રાજયોગ શરૂ થયો અને તે તેમની કાયમી વિદાય પછી પણ વારસામાં ઊતર્યો. તેમણે ચાર વખત મુખ્યમંત્રીપદના શપથ લીધા. તેમના શાસનકાળમાં કેટલાક દૂરોગામી અસરો ધરાવતા નિર્ણયો લેવાયા અને તેના કારણે તેમની સામે આંદોલનો પણ થયા.
બક્ષી પંચ દ્વારા પછાત વર્ગમાં સમાવિષ્ટ જાતિઓની વસતીના આધારે તેમને સત્તાવીસ ટકા અનામતનો અધિકાર આપતાં તેઓ એટલા લોકપ્રિય બન્યા કે ચૂંટણીમાં કોંગ્રેસને વિક્રમજનક એકસો ઓગણનેવું બેઠકો મળી. જોકે કોંગ્રેસ માટે તે જાણે દિવાસ્વપ્ન જ સાબિત થયું. એટલી બેઠકો જીતાડ્યા પછી પણ અનામત આંદોલનના કારણે માધવસિંહને મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. તેમના અનુગામી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ પોતાના શાસનમાં લોકપ્રિય છબી ઊભી કરી હોવા છતાં કોંગ્રેસના સડસડાટ ગબડતા ગ્રાફને અટકાવી શક્યા નહોતા. ચૂંટણી આવતાં પહેલાં તેમને બદલીને ફરી એકવાર માધવસિંહને મુખ્યમંત્રીપદે બેસાડવામાં આવ્યા, છતાં કોંગ્રેસ માત્ર તેત્રીસ બેઠકો પર જ વિજયી થઈ શકી. પરંતુ તેથી કોંગ્રેસના હાઈકમાન્ડનો તેમના પ્રત્યેનો સદભાવ જરાય ઓછો થયો નહોતો. તેમની રાજ્યસભાની બેઠક જાળવી રાખવામાં આવી અને તેમણે વિધાનસભાની બેઠક પરથી રાજીનામું આપી દીધું.
મુખ્યમંત્રી તરીકે તેમણે ગુજરાતના વિકાસકાર્યોમાં જે પ્રદાન કર્યું, તેના કારણે તેમના શાસનકાળને સિદ્ધરાજ જયસિંહના શાસનકાળની લગોલગ ‘સોલંકીયુગ’ જેવી આભઊંચેરી પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ હતી. તે ગુજરાત રાજ્યના ઇતિહાસનો એક સુવર્ણયુગ હતો. તેમના જીવનના અંતિમ વર્ષના આરંભે એક પત્રકારે તેમને પૂછ્યું હતું કે, “તમારા શાસનમાં લીધેલા નિર્ણયો પૈકી સૌથી યાદગાર અને સંતોષપ્રદ નિર્ણય કયો હતો?”
ત્યારે તેમણે પળનો પણ વિલંબ કર્યા વિના જવાબ આપ્યો હતો: “મધ્યાહ્ન ભોજન.” ગરીબ બાળકોને એક ટંક ભરપેટ ભોજન મળે—કેવી ઉમદા કલ્પના! તેના કારણે ગામડાંનાં બાળકો હોંશે-હોંશે શાળાએ આવવા લાગ્યાં અને તેમના કુપોષણની સમસ્યાનો પણ ઘણો અંશે ઉકેલ આવ્યો. કૂણા કાળજાવાળા, ગરીબીને નખશિખ પચાવી ગયેલા અને ગાંધીવિચારને સમજણપૂર્વક જીવનમાં આત્મસાત કરનાર માધવસિંહ સોલંકીને જ આવો વિચાર આવી શકે. આ વિચાર તેમણે રાજીવ ગાંધી સમક્ષ રજૂ કર્યો અને ત્યારબાદ સમગ્ર દેશમાં મધ્યાહ્ન ભોજન યોજના અમલમાં મૂકવામાં આવી.
જોકે તેમનું ખરું સ્વરૂપ તો સંવેદનશીલ, સાહિત્યરસિક, કલાપ્રેમી અને માનવતાવાદી ‘માણસ’નું હતું. જંબુસર તાલુકામાં આવેલા તેમના જન્મસ્થળે સુન્દરમ્ અને તેમના ખેતરો પાસે-પાસે હતાં. સુન્દરમ્ના કાવ્યસંગ્રહના નામ પરથી જ તેમણે પોતાની પ્રથમ પુત્રીનું નામ ‘વસુધા’ રાખ્યું હતું.
તેઓ કોલેજમાં નિરંજન ભગતના સહાધ્યાયી હતા. રામનારાયણ પાઠકના વિદ્યાર્થી હોવાનું તેમને ગૌરવ હતું. તેઓ ઇન્દિરા ગાંધીના સૌથી વિશ્વાસપાત્ર સાથીઓમાંના એક હતા. પરિવારની પીડા કોની આગળ કહીને હળવાં થવું, એવી અવઢવમાં પડેલાં એ લોખંડી મનોબળ ધરાવતાં મહિલાએ માધવસિંહભાઈ સમક્ષ પોતાનું મન મોકળું મૂકી દીધું હતું. પી. વી. નરસિંહરાવ તેમના પરમ મિત્ર હતા. રાજીવ ગાંધીના નેતૃત્વમાં તેમણે દેશના આયોજનમંત્રી તરીકે સફળ કામગીરી બજાવી હતી. ત્યારબાદ પોતાના સાહિત્યરસિક મિત્ર નરસિંહરાવની સરકારમાં તેમણે વિદેશમંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી.
નરસિંહરાવની બંધ મુઠ્ઠી ઊઘડી ન જાય એટલા માટે તેમણે આજીવન પેલી બહુચર્ચિત ચિઠ્ઠીનો ભેદ ખોલ્યો નહોતો. એ ચિઠ્ઠી-પ્રકરણ સાથે તેમનું અંગત રાજકારણ પૂર્ણ થયું હતું, પરંતુ જીવનના શેષ સમય દરમિયાન તેમણે એક ભૂખાળવા વાચક તરીકે સાહિત્ય સાથેનો સંપર્ક અકબંધ જાળવી રાખ્યો હતો. વિદેશયાત્રાઓ દરમિયાન તેઓ સાહિત્યકારો અને મોટા ગજાના કલાકારોને મળવાનો લહાવો લેતા રહ્યા. અભિનેત્રી ઇન્ગ્રિડ બર્ગમેનને રૂબરૂ મળવાની તક તેમને સાંપડી હતી. તેમના જીવનમાં મળેલી કોઈ પણ રાજકીય તક કરતાં એ ક્ષણ વધુ મહત્ત્વની હતી. અમૃત ઘાયલ કે શેખાદમ આબુવાલા સાથેના સંબંધોની વાત કરવા બેસતા ત્યારે સમય પણ જાણે ઘડીક થંભી જતો. મને તેમના પાડોશી તરીકે તેમની સમૃદ્ધ લાઇબ્રેરીનો ઘણો લાભ મળ્યો છે. છેલ્લાં વર્ષોમાં હું કદાચ તેમનો ભાંગ્યાનો ભેરુ રહ્યો હતો. કલાકો સુધી અમારી ગોષ્ઠીઓ ચાલતી. ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કરીને તેમણે કેટલાય સર્જકોને લખતા કર્યા. તેનો સાચો હિસાબ તો તેમના બે સાહિત્યકાર મિત્રો—મોહમ્મદ માંકડ અને ભૂપત વડોદરિયા—જ આપી શકે.
મોહમ્મદ માંકડ અને ભૂપત વડોદરિયા સાથેની મૈત્રી તેમને મન કોઈ પણ મોટા રાજપુરુષ કરતાં વધુ મહિમાવંત લાગતી હતી. તેમના આગ્રહથી શરૂ કરાયેલી ગુજરાત સાહિત્ય અકાદમીનો મોડાસા ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધુરંધર સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. હું એ કાર્યક્રમનો સંયોજક હતો. તેમનું શતાબ્દી વર્ષ શરૂ થઈ રહ્યું છે. એ પ્રસંગે મને આપણા વર્તમાન રાજનેતાઓને એક વિચિત્ર સવાલ કરવાનું મન થાય છે—આજના કેટલા નેતાઓએ સેમ્યુઅલ બેકેટનું નોબેલ પારિતોષિક વિજેતા નાટક ‘વેઇટિંગ ફોર ગોડો’ વાંચ્યું હશે?
માધવસિંહ સોલંકીએ ગાંધીનગર ટાઉનહોલ ખાતે શેક્સપિયર સોસાયટી દ્વારા આ નાટક ભજવાયું ત્યારે જે પ્રાંજલ અંગ્રેજીમાં તેની સમીક્ષા કરી હતી, તેનું પ્રવચન આટલાં વર્ષો પછી પણ મારા કર્ણપટલ પર પડઘાતું રહે છે. તેઓ ભર્તૃહરિના શૃંગારશતકની વાત માંડતા એટલી જ આસાનીથી શંકરાચાર્યનાં સ્તોત્રો, ભગવદ્ગીતા અને જયદેવના ગીતગોવિંદની ચર્ચા પણ કરી શકતા. તેમની સાથે વિતાવેલી ક્ષણો ચિરંજીવી બની રહેતી. મેં તેમને આત્મકથા લખવા માટે કેટલોક આગ્રહ કર્યો હતો, પરંતુ દર વખતે તેમનો એક જ જવાબ રહેતો: “અરે, આત્મકથા તો ગાંધીજી કે જવાહરલાલ નેહરુ જેવા મોટા માણસો લખે… હું તો સાવ સામાન્ય માનવી છું!”
કેવી વિનમ્રતા!