Columns

મને જાણવું છે કે

એક દિવસ ગુરુજીના આશ્રમમાં ગુરુજીને મળવા તેમના જુના શિષ્યો આવ્યા અને ગુરુજીને મળ્યા.ગુરુજીએ બધાંને આશિષ આપ્યા અને પછી કહ્યું, ‘પહેલાં પ્રાર્થના કરી લઈએ પછી વાતો કરીએ મારે તમારી પાસેથી જાણવું છે કે તમે બધાં જીવનમાં અત્યારે શું કરો છો? ક્યાં પહોંચ્યા છો ?? તમારા કુટુંબમાં કોણ કોણ છે??’ પ્રાર્થના થઇ ગઈ. ગુરુજી અને તેમના બધાં જુના શિષ્યો વાતો કરવા બેઠા અને કે પછી એક શિષ્યો પોતાની વાતો કરવા લાગ્યા. ગુરુજીનો જે સૌથી હોંશિયાર શિષ્ય હતો તે પહેલાં ઉભો થયો અને બોલ્યો, ‘ગુરુજી તમે આપેલાં જ્ઞાન અને આશિષ સાથે હું આપણાં નગરના રાજાના દરબારમાં મુખ્ય મંત્રી છું.’બીજાએ કહ્યું, ‘ગુરુજી, હું નગરશેઠની વેપારી પેઢી સંભાળું છું.’ત્રીજાએ કહ્યું, ‘ગુરુજી હું દેશ અને વિદેશમાં પ્રવાસ કરી પુસ્તક લખું છું.’ચોથાએ કહ્યું, ‘ગુરુજી, હું રાજ્યના મંદિરનો મુખ્ય રાજપુરોહિત છું.’….આમ બધાં શિષ્યોએ પોતે શું કામ કરે છે અને કેટલી સિધ્ધીઓ મેળવી છે તે બધું જણાવ્યું અને પોતે કેટલા મોટા માણસોને ઓળખે છે તે ખાસ જણાવ્યું.’

ગુરુજી લાંબો સમય સુધી તેમની આ બડાઈ ભરેલી વાતો સાંભળતા રહ્યા.પછી બોલ્યા, ‘શિષ્યો, જીવનમાં કામ કરીને આગળ આવવા તો બધાં મહેનત કરે જ અને કરવી જ જોઈએ.તમે બધાએ પણ કરી અને આવડત પ્રમાણે ઘણી સફળતા મેળવી પણ મને આ બધુ જાણવામાં કોઈ રસ નથી.મને એ જાણવું જ નથી કે તમે આજે કેટલાં સફળ છો અને કોણ વગવાળા અને મોટાં માણસ સાથે કામ કરો છો…’ એક શિષ્યએ પૂછ્યું, ‘ગુરુજી, અમે આ આશ્રમ છોડ્યા બાદ બહાર જઈને જીવનમાં જે મહેનત કરી …જે સફળતા મેળવી તે તમારે નથી જાણવું તો તમારે શું જાણવું છે ??’

ગુરુજી બોલ્યા, ‘શિષ્યો, તમે બધાં મારાં શિષ્યો છો એટલે તમે જીવનમાં કેટલાં સફળ નહિ પણ કેટલાં સારાં માણસ બન્યા છો તે મારે જાણવું છે. મારે જાણવું છે તમે ક્યારેય કોઈ તકલીફમાં હોય તેવા સાથી સ્વજન કે મિત્રને મદદ કરી છે. ક્યારેય કોઈ અજાણ્યાના ચહેરા પર સ્મિત લાવ્યા છો …ક્યારેય કોઈ અજાણ્યા કે જાણીતા રડતા માણસની આંખોના આંસુ લૂછ્યા છે…કોઈ અનાથ બાળકના બાળપણણે સુધારવા કોઈ મદદ કરી છે.કોઈ દુઃખી ..અસફળ …દોસ્તની બાજુમાં બેસીને તેનો હાથ પકડીને કહ્યું છે હું તારી સાથે છું ….. મને એ જાણવામાં બિલકુલ રસ નથી કે તમે આજે કેટલા સફળ છો અને કેટલાં મોટાં મોટાં માણસો સાથે ઉઠો બેસો છો.મને તો એ જાણવું છે કે જયારે કોને સાચે જરૂર હોય …કોઈ જીવનથી થાકી હારીને હતાશ થઈને બેસી ગયું હોય ત્યારે શું તમે તેની બાજુમાં બેઠાં છો …તેની સામે મદદનો હાથ લંબાવ્યો છે.’ગુરુજીની વાત સાંભળી બધાં શિષ્યો ચુપ થઇ ગયા કારણ હવે કોઈ પાસે કહેવા જેવું કંઈ ન હતું. જીવનમાં સફળ બનો પણ એથી વધુ સારાં માણસ બનવું જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top