Comments

મારે નરેન્દ્ર મોદી – અમિત શાહ અને સી. આર. પાટીલ સાથે કોઈ જમીન વિવાદ નથી

થોડાં વર્ષો પહેલાંની વાત છે. હું અમદાવાદના એક અખબારમાં ફરજ બજાવતો હતો. બપોરનો સમય હતો. મને એક સિનિયર પત્રકારનો ફોન આવ્યો કે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક ક્રાઈમની ઘટના ઘટી છે, ત્યાં ક્રાઈમ રીપોર્ટરો પોતાની ફરજના ભાગ રૂપે પહોંચ્યા ત્યારે એક સિનિયર આઈપીએસ અધિકારીએ એક પત્રકાર સાથે અશોભનીય ભાષામાં વાત કરી. વાત સાંભળતાં જ મને ગુસ્સો આવ્યો. હું તરત મારું બાઈક લઈ પહોંચી ગયો. ઘટના મોટી હોવાને કારણે એકસો કરતાં નાના મોટા પોલીસ અધિકારીઓ ત્યાં હાજર હતા.

મેં બાઈક ઊભું રાખતાંની સાથે પત્રકાર સાથે દુર્વ્યવહાર કરનાર આઈપીએસ અધિકારી સાથે તેમની જ ભાષામાં વાત કરવાની શરૂઆત કરી. મામલો તંગ બન્યો. હું પણ ગુસ્સામાં અને પોતાના જ સ્ટાફ સામે મેં પેલા આઈપીએસ અધિકારીનો તેમને સમજાય તેવી ભાષામાં ઉધડો લઈ નાખ્યો હોવાને કારણે તેઓ પણ ગુસ્સામાં હતા. જો કે કેટલાંક સમજદાર પોલીસ અધિકારીઓ અને પત્રકારોએ મામલો શાંત પાડયો. આ ઘટના પછી થોડી વાર પછી જે પત્રકાર સાથે દુર્વ્યવહાર થયો હતો તે મારી પાસે આવ્યા. તેમણે મને પૂછયું, કેમ ગુસ્સે થઈ ગયા. મેં કહ્યું તારી સાથે જે થયું તે બરાબર ન્હોતું. તેણે મને કહ્યું, મને તેનું કોઈ ખરાબ લાગ્યું નથી.

આ ઘટના મને એટલા માટે યાદ આવી કે હું અમદાવાદના નવજીવન ટ્રસ્ટમાં પત્રકારત્વ ભણાવવાનું કામ કરું છું. નવી બેચમાં અભ્યાસ કરવા આવેલા સુરત પાસેના કોસંબાના બીલાલ અને અમદાવાદના પ્રજ્ઞેશ રાવલે મને સવાલ કર્યો કે તમે પહેલાં જેટલા આક્રમક હતા એટલા હવે કેમ નથી? આવો સવાલ મને પહેલી વખત પૂછવામાં આવ્યો નથી. મેં મારા મનને શાંત કરતાં, કહ્યું જે પ્રજા લડવા માગતી નથી તે પ્રજા માટે મારે લડવું નથી. અમદાવાદમાં હમણાં નરેન્દ્ર મોદી આવ્યા હતા.

અમદાવાદના રીવરફ્રન્ટ ઉપર એક સરસ બ્રીજ બનાવવામાં આવ્યો છે જેનું નામ અટલબ્રીજ છે, જે જોવા માટે ફી પણ ચુકવવી પડે તેવો બ્રીજ છે. હજારોની સંખ્યામાં હવે લોકો આવે છે. બીબીસી ગુજરાતીમાં કામ કરતા યુવાન પત્રકાર સાગર પટેલે એક સરસ સ્ટોરી કરી. બ્રીજ જોઈ રહેલાં લોકોના સાગરે ઈન્ટરવ્યુ કર્યા, એક ઉચ્ચ મધ્યમ વર્ગની વ્યકિતને સાગર સવાલ પૂછે છે કેવી લાગણી થાય છે? પેલી વ્યકિત જવાબ આપે છે કે નરેન્દ્ર મોદી છે તો જ આ શકય બન્યું છે. સાગર તરત બીજો સવાલ પૂછે છે કે કોંગ્રેસ કહે છે કોંગ્રેસના શાસનમાં આઈઆઈટી, આઈઆઈએમ, એનઆઈડી અને ઈસરો જેવી સંસ્થા નિર્માણ પામી પેલી વ્યકિત જવાબ આપે તે બધું કચરો છે.

વાત એક વ્યકિતની નથી, દેશનો મોટો સમુદાય આવું જ માને છે. આ સમુદાયની બે તકલીફ છે. એક તરફ તેમને શાસક પક્ષ સાથે રહેવું છે બીજી તરફ તેઓ પત્રકાર પાસે અપેક્ષા રાખે છે કે તમારે તો શાસનની ટીકા જ કરવાની છે. આપણને રોજગારી-મોંઘવારી અને સ્કૂલના પ્રશ્ન કરતાં હિન્દુ મુસ્લિમનો પ્રશ્ન મોટો લાગે છે. જે મિત્રો ભાજપના સમર્થક છે તેઓ મને પસંદ કરતા નથી, કારણ હું પત્રકારત્વની સ્કૂલમાં ભણ્યો છું અને ભણાવતો રહીશ કે પત્રકારે શાસનની ટીકા કરવાની છે.

મને પસંદ નહીં કરનાર વર્ગ મને સવાલ પૂછે કે તમે કોંગ્રેસની કેમ ટીકા કરતા નથી? આવો સવાલ કરનાર સામાન્ય બુધ્ધિનો ઉપયોગ કરે તો સમજાય કે જેઓ શાસનમાં હોય તેમને જ સવાલ પૂછવાનો હોય છે. હું 1988 માં પત્રકાર થયો. 1995 સુધી કોંગ્રેસનું શાસન હતું ત્યારે હું ભાજપની ટીકા કરતો ન્હોતો કારણ મારું કામ શાસનમાં રહેલી કોંગ્રેસની ટીકા કરવાનું જ હતું. કોંગ્રેસ સામેના મારું આક્રમક વલણ નરેન્દ્ર મોદી -અમિત શાહ અને સી આર પાટીલ સહિત ભાજપના નેતાને પસંદ પડતું અને તેઓ મારી પીઠ થાબડતા હતા.

પરંતુ મારી પીઠ થાબડનાર સત્તામાં આવ્યા. સત્તામાં હોય તેમને સવાલ પૂછનાર પત્રકાર પસંદ પડતા નથી. હું મારા વિદ્યાર્થીઓને તાલીમ આપતાં કહું છું કે આપણે સ્ટેનોગ્રાફર નથી. આપણે પત્રકાર છીએ એટલે સવાલ તો થવો જોઈએ અને સવાલ પૂછવો જોઈએ. મને હમણાં એક અધિકારીએ મેસેજમાં કહ્યું, તમે આવું શું કામ લખો કારણ મોટા સમુદાયને તે પસંદ પડતું નથી. તમે શું કામ નારાજગી વહોરો છો?

હું અને મારા જેવા પત્રકારો કોઈને ખુશ કરવા કે કોઈને દુખી કરવા લખતા નથી. મારે નરેન્દ્ર મોદી અમિત શાહ અને સી. આર. પાટીલ સાથે કોઈ ઝઘડો નથી. અમારા નામ સાતબારના ઉતારામાં સાથે નથી. તમામ નેતાઓ મને વ્યકિતગત ઓળખે છે. ગાંધીને વાંચ્યા અને સમજાય પછી મારામાં રહેલી કડવાશ પણ હવે રહી નથી. હું જેમની ટીકા કરું છું તેમના માટે પણ મનમાં અજાણતાં કોઈ દ્વેષભાવ આવે નહીં તેની તકેદારી રાખું છું. બીજો સવાલ અહિંયા આક્રમકતાનો છે, કે હવે તમે પહેલાં જેવા આક્રમક નથી.

ઉંમર અને સમયની સાથે તમારે રમત અને યુધ્ધની ચાલ બદલવી પડે, જયાં સુધી આક્રમકતાનો સવાલ છે ત્યાં સુધી આક્રમકતા વ્યકિતગત કારણસર ન્હોતી અને નહીં હોય. લોકોને જયારે પરેશાની પડે ત્યાં કોઈ પણ પત્રકારને પીડા થવી જોઈએ તેમાંથી આક્રમકતાનો જન્મ થાય છે, પણ હવે લાગી રહ્યું કે પ્રજાને પીડા જ થતી નથી, જો માણસ એવું માને છે કે તેની કોઈ સમસ્યા જ નથી તો તેમની સમસ્યા દૂર કરવામાં તમે કેવી રીતે તેને મદદ કરી શકો? પહેલાં પીડા થાય તો પીડાનો ઉકેલ મળશે.

જેમને લડવું છે તેના માટે તમે લડશો, પણ જેમને પીડા જ થતી નથી અને લડવુ નથી તો તેમના માટે હજારો પત્રકારો લડશે અને મરશે પણ તેનું કોઈ પરિણામ આવશે નહીં. અત્યારે સ્થિતિ દિવાલ સાથે માથું પછાડવા જેવી છે. વાત માત્ર ગુજરાતની નથી, જયાં કોંગ્રેસ કે પછી બીજી પાર્ટી શાસનમાં છે ત્યાં પણ આવી જ સ્થિતિ છે પત્રકારોને ટીકા કરવાની મોકળાશ આપવી કોઈ પણ પાર્ટીને પાલવે તેમ નથી. મનમાં સતત એક કોલાહલ રહે છે ત્યાં મને જાણીતા નવલકથાકાર અને મારા ગુરુ અશ્વિની ભટ્ટના શબ્દો યાદ આવે છે ક્રાંતિ કયારે ગરીબો કરતા નથી, ક્રાંતિ તો શ્રીમંતો જ કરે છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top