Columns

મેટ્રોના સુરક્ષા માપદંડના બાબતે લીલી ઝંડી કેવી રીતે મળે છે?

રાજ્યમાં શહેરી ટ્રેનની સેવા સૌપ્રથમ અમદાવાદને મળી છે અને 30 સપ્ટેબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોના વધુ એક લાંબા રૂટને ખુલ્લો મૂકશે. અમદાવાદ મેટ્રોનું પૂરું કાર્ય ‘ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ’[GMRC] દ્વારા થઈ રહ્યું છે અને તેમાં રાજ્ય સરકાર સિવાય બીજા ભાગીદાર તરીકે કેન્દ્ર સરકાર છે. અમદાવાદમાં શહેરી ટ્રેનનું આ નેટવર્ક બે વિભાગમાં છે. એક ઇસ્ટ-વેસ્ટ કોરિડોર અને બીજું નોર્થ સાઉથ-કોરીડોર. ઇસ્ટ-વેસ્ટ કોરિડોરનો રૂટ વસ્ત્રાલ ગામથી થલતેજ સુધીનો છે. તેની કુલ લંબાઈ 21 કિલોમીટર જેટલી થાય છે.

આ લાઈનમાં કુલ 18 સ્ટેશન આવે છે. મતલબ કે એક કિલોમીટરથી થોડા વધુ અંતરે એક સ્ટેશન આવે છે. આ લાઈનમાં જ 6.5 કિલોમીટરનો પટ્ટો જે વસ્ત્રાલ ગામ અને એપેરલ પાર્કને જોડે છે અને તે 2019માં શરૂ થઈ ચૂક્યો છે. આ લાઈનના મોટાભાગના હિસ્સામાં મેટ્રો પિલ્લર પર નિર્માણ કરેલાં ટ્રેક પરથી પસાર થશે, પણ તેમાં ચાર સ્ટેશન અન્ડરગ્રાઉન્ડ નિર્મિત છે. ઘીકાંટા નામના વિસ્તારમાં નિર્માણ થયેલું મેટ્રોનુ સ્ટેશન 22 મીટર ઊંડાઈ પર સ્થિત છે અને અન્ય સ્ટેશનોની આ ઊંડાઈ 12થી 14 મીટર છે. આ પૂરા ટ્રેકનું કાર્ય અલગ-અલગ કોન્ટ્રાક્ટર્સને સોંપવામાં આવ્યું છે. આ કોરીડોરનો ખર્ચ 12,700 કરોડ દર્શાવવામાં આવ્યો છે. એટલે કે કિલોમીટર પર ખર્ચ 300 કરોડના આસપાસનો છે. 30 સપ્ટેબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ રૂટને ખુલ્લો મૂકશે અને પૂરો રૂટ એ રીતે કાર્યરત થશે. મહત્તમ ટીકીટનો દર 25 છે, જે ખાસ્સો કિફાયતી લાગે છે.

જેમ ઇસ્ટ-વેસ્ટ કોરીડોર અમદાવાદ શહેરની વચ્ચેથી માર્ગ કાઢે છે તે રીતે નોર્થ-સાઉથ કોરીડોર પણ શહેરના ઉત્તર-દક્ષિણ છેડાને જોડે છે. આ રૂટ અમદાવાદમાં આવેલા APMC માર્કેટથી ગાંધીનગર સુધી પહોંચાડે છે. આ લાઇન 41 કિલોમીટરની છે અને તેમાંથી 18 કિલોમીટરનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે, અને આ રૂટને પણ વડા પ્રધાન ખુલ્લો મૂકશે. બાકીના રૂટનું બધું કાર્ય બે વર્ષમાં પૂર્ણ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. નોર્થ-સાઉથ રૂટમાં પણ સ્ટેશનની સંખ્યા 35 છે. અને મહદંશે આ રૂટ પર પૂરી લાઈન પિલ્લર પર નિર્માણ કરવામાં આવી છે.

રાજ્યનું આર્થિક-રાજકીય કેન્દ્ર અમદાવાદ છે અને તેથી પણ આ શહેરને તે લાભ મળે છે. ઉપરાંત અમદાવાદ શહેરની ભૂગોળમાં મેટ્રોનું નેટવર્કને પાથરવાનું પણ શક્ય હતું, તેથી પણ આ પ્રોજેક્ટ અહીં થઈ શક્યો. આનો લાભ પ્રજાને તો થનાર છે પણ રાજ્યના અગ્રગણ્ય શહેરોને મોડલ સિટી તરીકે પણ નિર્મિત કરવાની આમાં નેમ છે, જેથી વિશ્વસ્તરે રાજ્યના શહેરને એક ઓળખ મળે. અમદાવાદ મેટ્રોને 2013માં મંજૂરી મળી ચૂકી હતી અને 2015માં તેનું બાંધકામ શરૂ થયું. હવે સાત વર્ષે તેનું સાઠ ટકા સુધીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. પંરુત આ પૂરા પ્રોજેક્ટ દરમિયાન છેલ્લા છ વર્ષોમાં પૂરા રૂટ પર ખોદકામ થતું રહ્યું અને તેના કારણે ટ્રાફિક પણ થતો રહ્યો.  ફાઈનલી હવે આ મેટ્રોનો એક મોટો હિસ્સો તૈયાર છે.

મેટ્રો જ્યારે આ રીતે થાય ત્યારે તેનું ઇન્સ્પેક્શન ‘CMRSCA’[ધ કમિશ્નર ઑફ મેટ્રો રેલવે સેફટી] દ્વારા થાય છે. આ એજન્સી 1989ના રેલવે એક્ટ મુજબ કાર્ય કરે છે અને જ્યાં પણ પ્રોજેક્ટમાં મર્યાદા હોય તે દર્શાવે છે. ઑગસ્ટ-સપ્ટેબર મહિનામાં ‘CMRSCA’ દ્વારા અમદાવાદ મેટ્રોના કાર્યની તપાસ થઈ હતી અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારમાં આ અંગે જે અહેવાલ આવ્યો છે તેમાં દર્શાવાયું છે કે ‘CMRS’ના અધિકારીઓએ સુરક્ષા વિશે કેટલીક મર્યાદા દાખવી હતી અને તેઓએ એવું સૂચન પણ કર્યું છે કે અમદાવાદ મેટ્રોમાં બ્રિજ-પિલ્લર સહિત જે કંઈ બાંધકામ થયું છે તેનું થર્ટ પાર્ટી ઇન્સ્પેક્શન થવું જોઈએ.

‘CMRS’ દ્વારા કેટલીક બાબતોને લઈને તપાસ કરવાનું કહ્યું છે તેમાં એક છે અન્ડરગ્રાઉન્ડમાં મેટ્રોનો રૂટ પસાર થાય છે ત્યાંની વેન્ટિલેશન સિસ્ટમ વિશે. વેન્ટિલેશન સિસ્ટમ આવી ટનલમાં ફૂલપ્રૂફ ન હોય તો પેસેન્જરો પર ક્યારે પણ જોખમ તોળાઈ શકે છે. ઉપરાંત, જે મર્યાદા ‘CMRS’ના અધિકારીઓએ સીધી જ દાખવી છે તેમાં રેલવે લાઇન પરથી મેટ્રો પસાર થાય છે, તે છે.

અધિકારીઓએ સવાલ કર્યો છે કે અહીંયાથી જો મેટ્રો ટ્રેક ચૂકે તો અકસ્માતમાં ન્યૂનત્તમ નુકસાન થાય તે માટે શું આયોજન કરવામાં આવ્યું છે? જોકે હાલમાં તો ‘ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ’[GMRC]એ સૂચવેલા તમામ મુદ્દા પર સુધારાની દૃષ્ટિએ કામ થઈ ચૂક્યું છે તેમ કહ્યું છે. પરંતુ રેલવે ઓથોરિટી દ્વારા ‘GMRC’ને મેટ્રો દોડાવવા સંદર્ભે જે પત્ર મળ્યો છે તેમાં સ્પષ્ટ સૂચન છે કે રૂટના કેટલાંક ભાગોમાં મેટ્રોની સ્પીડ દર કલાકે 45 કિલોમીટરથી વધવી ન જોઈએ. ખરેખર મેટ્રો આસાનીથી દર કલાકના 80 કિલોમીટરની સ્પીડે ચાલે છે.

‘CMRS’એ ઝીણી ઝીણી વિગતો નોંધી છે અને તેમાં એક મુદ્દો જે ઉઠાવ્યો છે તે નોર્થ-સાઉથ કોરીડોર નીચે રેલવે લાઈનથી સમાંતર પસાર થાય તે અંગેનો છે. અહીંયા ખૂબ લાંબો ટ્રેક એવો છે જેમાં નીચે અમદાવાદ-ભાવનગરની રેલવે લાઈન જાય છે અને ઉપરથી મેટ્રો. નીચે રેલવે જો ટ્રેક પરથી ઉતરે તો તેની ભિંડત સીધી મેટ્રોના પિલ્લર જોડે થઈ શકે. અહીં તે માટે કોઈ જ વિશેષ સુરક્ષા કવચ ઊભું કરવામાં આવ્યું નથી. આ સિવાય ક્યાંક પિલ્લરમાં તિરાડની નોંધ પણ રીપોર્ટમાં કરવામાં આવી છે. જે રૂટ પર ટનલમાંથી મેટ્રો પસાર થાય છે ત્યાં વોડાફોન સિવાય અન્ય કોઈ કંપનીના મોબાઇલ નેટવર્ક આવતાં નથી.

આ પણ ખામી ‘CMRS’ દ્વારા દાખવવામાં આવી છે. એ રીતે સ્ટીલના ગર્ડર જ્યાં-જ્યાં ઉપયોગમાં લેવાય છે તે પણ માપદંડ પર ખરાં ઉતરતાં નથી. અનેક ઠેકાણે તે ગર્ડરના બોલ્ટ નીકળી ચૂક્યા છે. આ સિવાય જે સૌથી મોટો વાંધો ઊઠાવ્યો હતો તે સાબરમતી મેટ્રો સ્ટેશનને લઈને. કારણ કે આ સ્ટેશન ઇન્સ્પેક્શન માટે ખોલવામાં જ આવ્યું નહોતું, ઇન્સ્પેક્શન ટીમે એવું સૂચન કર્યું છે કે તેની તપાસ કર્યા વિના આ સ્ટેશન ખોલવું નહીં.

મેટ્રોનું સાબરમતીનું સ્ટેશન ત્યાં જ બની રહેલાં બુલેટ ટ્રેનના સ્ટેશન, ઇન્ડિયન રેલવેના સ્ટેશન અને BRTS હબ સાથે કનેક્ટ થાય છે. ઉપરાંત જે સિગ્નલ પણ નાંખવામાં આવ્યા હતા તે પણ જૂના છે તેમ ઇન્સ્પેક્શન ટીમે જણાવ્યું હતું. આવી તો અનેક નાની-મોટી મર્યાદા મેટ્રોની ‘CMRS’ અધિકારીઓએ દાખવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સ છ રસ્તા પાસે મેટ્રોનો એક પિલ્લર થોડો ત્રાંસો નિર્માણ થયાની ફરિયાદેય કરવામાં આવી છે, અને તેથી અહીંયા મેટ્રોની સ્પીડ લિમિટ 45 કિલોમીટરની નિર્ધારીત કરી દેવામાં આવી છે. કાંકરીયાનાં સ્ટેશનનું પણ ઇન્સ્પેક્શન થયું નથી. આ સ્ટેશન પણ મંજૂરી બાદ જ ખોલાશે.

જોકે અત્યારે આ જે પણ પ્રશ્ન અમદાવાદ મેટ્રો સંદર્ભે ઊઠ્યા છે તે દિલ્હી મેટ્રો કરતાં નગણ્ય કહી શકાય તેવાં છે. દિલ્હીમાં જ્યારે મેટ્રોનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે ડિઝાઈન ઉપરાંત, મેટ્રો નિર્માણ માટે જે માલસામાન ઉપયોગમાં લેવામાં આવ્યા હતા તે અંગે સવાલ ઊઠ્યા હતા. ડિઝાઇનની જ ખામીથી મેટ્રો નિર્માણ વખતે અકસ્માતમાં છ વ્યક્તિના મૃત્યુ થયા હતા. સગવડ આવે છે ત્યારે તે કેટલાંક જોખમો લઈને પણ આવે છે. અમદાવાદમાં ફૂલફ્લેજ્ડ મેટ્રો શરૂ થઈ રહી છે ત્યારે તેનાં અસંખ્યવાર ટ્રાયલ થઈ ચૂક્યા છે અને હવે દેશના અન્ય શહેરોમાં મેટ્રો ચાલતી હોવાથી તેની સફળતાની ગેરન્ટી પણ આપી શકાય છે. અહીં સુરક્ષાના માપદંડનો ઉલ્લેખ જાગૃતિના કારણે છે, બાકી આપણે જોખમોથી ભર્યાં આપણાં માર્ગો પર રોજ સવારે નીકળીએ છીએ.

Most Popular

To Top