Science & Technology

પશ્ચિમ ઘાટનું જૈવવૈવિધ્ય કેવી રીતે જાળવી શકાય?

ભારત એ દુનિયાનો ઠીકઠીક વધારે પ્રમાણમાં જૈવવૈવિધ્ય ધરાવતો દેશ છે. ભારત એ દુનિયામાં નોંધાયેલી વનસ્પતિઓ અને પ્રાણીઓની પ્રજાતિઓમાંથી 7 થી 8% પ્રજાતિઓ ધરાવે છે. દુનિયામાં જે 34 જૈવવૈવિધ્ય હોટસ્પોટ વિસ્તારોની ઓળખ કરી લેવામાં આવી છે, તેમાંના 4 જૈવવૈવિધ્ય હોટસ્પોટ વિસ્તારો ભારત ધરાવે છે. આ ચાર જૈવવૈવિધ્ય વિસ્તારો હિમાલય, ઇન્ડો-બર્મા, પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા સુન્દા લેન્ડ છે. જૈવવૈજ્ઞાનિક સંસાધન સ્ત્રોતો સાથે જોડાયેલા પરંપરાગત જ્ઞાનનો ભારત એક ખજાનો છે. અત્યાર સુધીમાં ભારત દેશના જૈવ ભૌગોલિક વિસ્તારોમાંથી પ્રાણીઓની 91200 અને વનસ્પતિઓની 45500 પ્રજાતિઓની જાણકારી મેળવી લેવામાં આવી છે.

પશ્ચિમઘાટ એ વૈશ્વિક પશ્ચિમઘાટ – શ્રીલંકા જૈવવૈવિધ્યનો એક હિસ્સો છે. આ અગત્યનો જૈવભૌગોલિક વિસ્તાર અરબી સમુદ્રને સમાંતર આગળ વધે છે અને ગુજરાતથી શરૂ કરીને મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરાલા થઇને 1500 કિ.મી. આગળ વધે છે. સંકુલ ભૌગોલિક પરિબળોને કારણે અહીં વૈવિધ્યપૂર્ણ હવામાન અને ચોમાસાની સ્થિતિ પ્રવર્તે છે. પશ્ચિમઘાટ એ ભારતના પશ્ચિમ સમુદ્ર કિનારાથી આશરે 30 કિ.મી. – 50 કિ.મી. અંદર તરફના જમીની વિસ્તાર સુધી વિસ્તરેલો છે. તે 1600 કિ.મી. લાંબા પટ્ટા પર 1,40,000 (કિ.મી.)૨ વિસ્તારને પોતાનામાં આવરી લે છે. પશ્ચિમ ઘાટ સ્થાનિક અને વૈશ્વિક સ્તરે જળચક્ર, કુદરતી સંસાધન સ્ત્રોતો અને વિકાસ સંબંધી પ્રક્રિયાઓને અસરકર્તા છે. આ પશ્ચિમઘાટમાંથી આશરે 58 નદીઓ સ્ફૂટ થાય છે અને તેઓ ભારતીય દ્વીપકલ્પના જળચક્રના જળટાવરની રચના કરે છે. પશ્ચિમ ઘાટના હવામાનમાં આવતો કોઇ પણ ફેરફાર ત્યાંની નદીની નિવસન પ્રણાલીઓ પર અસરકર્તા હોવાનું સહજ રીતે અપેક્ષિત છે.

પશ્ચિમ ઘાટ જમીન પર અને પાણી બન્નેમાં રહેનારા એમ્ફીબીઅન પ્રાણીઓની 220 પ્રજાતિઓ ધરાવે છે
પ્રાણીઓનું જૈવવૈવિધ્ય અને તે પ્રાણીઓનું ફકત આ જ વિસ્તાર પૂરતું સીમિત હોવું અને દુનિયામાં અન્યત્ર કયાંયે નહિ (એન્ડેમીઝમ) એ પરિસ્થિતિ અહીં ઘણા ઊંચા પ્રમાણમાં છે. આ પશ્ચિમ ઘાટ સસ્તન પ્રાણીઓની 139 પ્રજાતિઓ, પક્ષીઓની 508 પ્રજાતિઓ, કેસીલીઅનોની 16 પ્રજાતિઓ, તાજા પાણીની માછલીઓની 290 પ્રજાતિઓ, મોલસ્કની 268 પ્રજાતિઓ અને પતંગિયાઓની 330 પ્રજાતિઓ ધરાવે છે. આમાંના તમામ કેસીલીઅનો એન્ડેમિક છે એટલે કે તેઓ પૃથ્વીના આ જ વિસ્તાર પૂરતા સીમિત છે. આ મોલસ્ક પ્રજાતિમાં ગોકળ ગાય, કટલી માછલી, ઓયસ્ટર માછલી જે એકબીજા પર ગોઠવાયેલા કોચલાઓમાંની માછલી છે, તેમનો સમાવેશ થાય છે. તેઓ નરમ શરીર પણ કોચલાઓ ધરાવતા પ્રાણીઓ છે. આ જ વિસ્તારમાં પેટે સરીને ચાલતા સરીસૃપ પ્રાણીઓની 225 પ્રજાતિઓ છે, જે પૃથ્વીના આ વિસ્તાર પૂરતા જ સીમિત (એન્ડેમિક) છે. એશિયન હાથીઓની સૌથી વધારે વસતિ આ હોટસ્પોટ વિસ્તારમાં જોવા મળે છે.

ગોદાવરી નદી પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી ઉદ્‌ભવે છે
દ્વીપકલ્પમાંની નદીઓનું મૂળ સ્ત્રોત પશ્ચિમ ઘાટ છે. ત્યાંથી તેઓ સ્ફૂટ થાય છે. મહા, ગોદાવરી, ક્રિષ્ના અને કાવેરી જેવી નદીઓ પૂર્વ દિશામાં વહી જઇને બંગાળના અખાતમાં ભળી જાય છે. 1500 કિ.મી.ની લંબાઇ સાથે ગોદાવરી નદી સૌથી લાંબી દ્વીપકલ્પિય નદી છે. તે પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી ઉદ્‌ભવે છે.

એશિયા ખંડના સૌથી આગળ પડતા મુલાકાત લેવા લાયક પાંચ સ્થળોમાં પશ્ચિમ ઘાટનો સમાવેશ કરવામાં આવ્યો
વર્ષ 2018માં એશિયા ખંડના પહેલા 5 સૌથી વધારે મુલાકાત લેવા યોગ્ય સ્થળોની યાદીમાં પશ્ચિમ ઘાટનો પણ સમાવેશ થયો છે. આ યાદીમાં દુનિયાના જે સૌથી વધારે મુલાકાત લેવા લાયક પહેલા 10 સ્થળો હોય, તેમના નામ રજૂ કરવામાં આવ્યા હતા. જૂન 10 વર્ષ 2018ના રોજ બહાર પાડવામાં આવેલી એશિયા ખંડના આવા પ્રથમ 10 સ્થળોની યાદીમાં આ પશ્ચિમ ઘાટને ચોથો ક્રમ મળ્યો છે.

પ્રવાસ નિષ્ણાતોની ટીમે દક્ષિણ બુસાનને આ બાબતે પહેલો નંબર, ઉઝબેકીસ્તાનને બીજો નંબર અને વિયેટનામના ‘હી ચીન મીન્હ’ શહેરને ત્રીજો નંબર આપ્યો હતો. ત્યાર પછી પશ્ચિમ ઘાટને આ બાબતે ચોથો ક્રમ આપ્યો હતો. ત્યાર પછી એશિયા ખંડના પ્રથમ 10 પ્રવાસ કરવા લાયક સ્થળોની યાદીમાં થાઇલેન્ડના ઉમ્બીજાને પાંચમો, જાપાનના નાગાસાકીને છઠ્ઠો, નેપાળના લુમ્બીનીને સાતમો, શ્રીલંકાના અરૂગમ અખાતને આઠમો, ચીનના સીચુઆન પ્રાંતને નવમો અને ઇન્ડોનેશિયાના ‘કોમોડો નેશનલ પાર્ક’ને દસમો ક્રમ આપવામાં આવ્યો હતો.

 પશ્ચિમ ઘાટનું જૈવવૈવિધ્ય જાળવી રાખવા માટે કે. કસ્તુરીરંગમ અહેવાલ કયા સૂચનો કરે છે?
કે. કસ્તુરીરંગમના નેતૃત્વ હેઠળના એક ઉચ્ચ સ્તરીય કાર્યકારી જૂથે પશ્ચિમ ઘાટના જૈવવૈવિધ્યનું રક્ષણ કરવા માટે અને ત્યાંના સ્થાનિક લોકોના સર્વાંગી વિકાસ માટે એક અહેવાલ તૈયાર કર્યો હતો. આ અહેવાલમાં અગત્યના સૂચનો કરવામાં આવ્યા હતા. નિવસન સંવેદનશીલ વિસ્તાર હેઠળ, જંગલોના વિભાગીકરણના આધારે, ગામડાઓની વસતિ ઘનતાને આધારે અને ગ્રામ્ય વિસ્તારોમાં જૈવવૈવિધ્યની સમૃધ્ધિને આધારે પશ્ચિમ ઘાટના 90% જમીન ખંડને આરક્ષિત જાહેર કરવો જોઇએ.

  • પશ્ચિમ ઘાટનો 41% વિસ્તાર પ્રાકૃતિક જમીન વિસ્તાર છે, જે આછેરી વસતિ અને સમૃધ્ધ જૈવવૈવિધ્ય ધરાવે છે અને તેનો 59% વિસ્તાર સાંસ્કૃતિક જમીન વિસ્તાર છે, જેના પર માનવ વસાહતો અને ખેતી માટેના ખેતરો છે.
  • કસ્તુરીરંગમ સમિતિના આ અહેવાલ પ્રમાણે પશ્ચિમ ઘાટનો 6000 (કિ.મી.) ૨ વિસ્તાર નિવસન સંવેદનશીલ વિસ્તાર છે, જે 6 રાજયોમાં પ્રસરેલો છે. આનો અર્થ એવો થાય કે બધું મળીને પશ્ચિમ ઘાટનો 37.5 % વિસ્તાર નિવસન સંવેદનશીલ છે.
  • ધંધા અને રોજગાર મહત્ત્વના છે અને તેઓ આગળ વધવા જોઇએ પરંતુ આ પશ્ચિમ ઘાટનું સાતત્યપૂર્ણ આર્થિક પ્રવૃત્તિઓથી રક્ષણ પણ થવું જોઇએ.
  • જંગલોની આસપાસના ગામડાઓને મદદરૂપ થવા માટે એક નિવસન સેવાફંડની શરૂઆત કરવી જોઇએ.
  • વધારે સારા જમીન નીતિવિષયક સુધારાઓ માટે ભૂ અવકાશી પૃથકકરણ હાથ ધરવું જોઇએ.
  • ઊંચી દ્રશ્ય સ્પષ્ટતાવાળા નકશાઓનો ઉપયોગ કરીને નિવસન સંવેદનશીલ વિસ્તારોની સીમાઓ નકકી કરો.
  • કથિત ‘સાંસ્કૃતિક જમીન ખંડ’ અને ‘કુદરતી જમીનખંડ’ને અલગ કરો.

Most Popular

To Top