Gujarat

માધ્યમિક શાળાઓમાં વધારાના વર્ગ મેળવવાની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન: શિક્ષણ મંત્રી

ગાંધીનગર: બિનસરકારી ગ્રાન્ટ ઇન એડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (Higher Secondary School) વર્ગ (Class) વધારાની દરખાસ્તના પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, બિનસરકારી ગ્રાન્ટ ઇન એડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગ વધારાની મંજૂરીની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન અને પેપરલેસ છે. વર્ષ ૨૦૧૯-૨૦થી સમગ્ર પ્રક્રિયા પારદર્શક કરવાના ભાગરૂપે ઓનલાઈન કરવામાં આવી છે. ઓનલાઇન કરવામાં આવતી દરખાસ્તો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ચકાસણી તેમજ અભિપ્રાય સાથે શિક્ષણ કમિશનરને મોકલવામાં આવે છે. જ્યાં પ્રવર્તમાન નિયમો મુજબ નિયત કમિટી અભિપ્રાય આપે છે. આ સમગ્ર પ્રક્રિયા પેપરલેસ છે.

વર્ગ વધારાની નીતિ નિયમો અંગે તેમણે વધુમાં કહ્યું હતુ કે વર્ગ વધારા માટે ગ્રામ્ય કક્ષાએ વિદ્યાર્થીઓની સંખ્યા ૬૦ ઉપરાંત ૨૪ મળી કુલ ૮૪ હોવી જરૂરી છે તે જ રીતે શહેરી વિસ્તારમાં ૬૦ ઉપરાંત ૩૬ મળીને કુલ ૯૬ હોવી જરૂરી છે. સાથો સાથ ભૌતિક સુવિધાઓ સાથે ૪૦૦ ચોરસ ફૂટના વર્ગખંડ જરૂરી છે તેમજ બોર્ડની પરીક્ષાઓમાં ૫૦ ટકા થી વધુ પરિણામ હોવું જરૂરી છે. આ તબક્કે કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨માં બિનસરકારી ગ્રાન્ટ ઇન એડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પાંચ દરખાસ્તો મળી છે તેમાંથી ચાર મંજૂર કરવામાં આવી છે.

Most Popular

To Top