Feature Stories

અન્ય દેશના મુળ ધરાવતા પ્રાણી પક્ષીઓને સુરતનું વાતાવરણ પણ અનુકુળ આવી ગયું

22 મે વિશ્વ જૈવવિવિધતા દિવસે (World Biological Diversity day) જૈવવિવિધતાના મુદ્દાઓને પ્રોત્સાહન આપવા માટે UN દ્વારા મંજૂર કરાયેલ આંતરરાષ્ટ્રીય દિવસ છે ત્યારે સુરતમાં પણ બહારના વાતાવરણમાંથી આવેલા પ્રાણી પક્ષીઓ કઇ રીતે અનુકુલન સાધીને રહે છે


અલ્સાકાના ઠંડા પ્રદેશનો હસ્કી ડોગ આપણા વાતાવરણમાં પણ ટકી શકે છે : મેહુલ ઠાકુર
વ્યવસાયે ઇવેન્ટ ફોટોગ્રાફી કરતા અને પ્રાણી પાળવાનો શોખ ધરાવતા મેહુલ ઠાકુરે જણાવ્યું હતું કે, USનું અલાસ્કા કે જ્યાં શિયાળાની ઋતુમાં પણ તાપમાન માઇનસ 18 થી 30 ડિગ્રી સુધી પહોંચી જતું હોય છે. ત્યાં જન્મેલા હસ્કી ડોગ આપણા વાતાવરણમાં પણ જીવી લે છે. પ્રાણીઓ પાળ વાનો શોખ રાખતા સુરતના ઇવેન્ટ ફોટોગ્રાફર મેહુલ ઠાકુર પણ અલાસ્કાનું બ્રિડિંગ થયેલું હસ્કી પેટ પાળે છે. હસ્કીનું નામ તેમણે સ્નો (બરફ) રાખ્યું છે. હસ્કી સાઇબિરીયન અને અલાસ્કા બંને જગ્યા ઉપર જોવા મળે છે. અહીંના તાપમાનમાં હસ્કી રહી શકે છે. ખોરાકમાં તેને માંસાહાર અને શાકાહાર બંને આપવામાં આવે છે.

સિંગાપુરના દરિયા અને જમીન ઉપર રહેવા ટેવાયેલો એક્ઝોટિક ટર્ટલ 3 થી 4 ફુટની ટેન્કમાં પણ રહે છે : અકબર પઠાણ
સિંગાપુરના દરિયામાં તેમજ જમીન ઉપર રહેતો રેડ બિયર્ડ ટર્ટલ જેને એક્ઝોટિક ટર્ટલ (આકર્ષક કાચબો) કહે છે તે આપણા વાતાવરણમાં પણ રહે છે. શહેરના પક્ષી અને પ્રાણી પ્રેમી અકબર પઠાણ આ કાચબાને પાળે છે. અકબરે જણાવ્યું હતું કે, તેમને ત્યાં જે કાચબો છે તેની ઉંમર 6 વર્ષની છે. સિંગાપુરમાં તે દરિયામાં જ્યારે ઠંડક હોય ત્યારે જમીન ઉપર અને જમીન ઉપર ગરમી વધે ત્યારે દરિયામાં રહે છે. 28 થી 30 ડીગ્રી તાપમાનમાં રહેવા ટેવાયેલો આ કાચબો સુરતમાં 35 થી 40 ડીગ્રી સુધીની ગરમીમાં પણ જીવી શકે છે. તેને સેમી એક્વેટીક કાચબો પણ કહેવામાં આવે છે. પાણીની ટેન્કમાં એક બાજુએ માઉન્ટેન જેવો પથ્થર બનાવી તેને રાખવામાં આવે છે. ખોરાકમાં તેને એક્વેરીયમ શોપ ઉપર મળતો ખોરાક તેમજ ઇંડા પણ આપવામાં આવે છે.

હજીરાના દામકા ગામમાં ક્ષારવાળી જમીન માફક આવતા અંજીરની ખેતી : ડે.સરપંચ તુલસી પટેલ
દામકા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તુલસી પટેલે જણાવ્યું હતું કે, અંજીર સૂકા પ્રદેશનું ફળ છે. ભારતમાં મહારાષ્ટ્રમાં બેંગ્લોરની આજુબાજુ તેમજ ઉત્તર ભારત પંજાબ, બિહારમાં અંજીરની ખેતી થાય છે. ગુજરાતમાં જૂનાગઢ, ખેડા, વડોદરા જીલ્લામાં છૂટાછવાયા છોડ મળે છે. ત્યારે સુરતના હજીરા પટ્ટીના દામકા ગામના ડેપ્યુટી સરપંચ તુલસી પટેલે પણ ગામમાં બાગાયતી પાકની સાથે સાથે અંજીરનું વાવેતર કર્યું હતું. અંજીરના આજે નાના નાના ઝાડ તૈયાર થઈ ગયા છે. ગરમીની સીઝનમાં અને ક્ષાર વાળી દામકાની જમીન અંજીરને માફક આવી ગઈ છે. ઉનાળામાં ડ્રિપ ઇરિગેશનથી અંજીરને પાણી આપવામાં આવે છે.

આફ્રિકાનું મુળ ધરાવતા આફ્રિકન ગ્રે પોપટને સુરતમાં પાળવામાં આવ્યો છે : હેમલ પટેલ
આફ્રિકાના કોંગો ખાતે આવેલા જંગલ વિસ્તારમાં રહેતા આફ્રિકન ગ્રે પેરટ આપણા દ.ગુજરાતના વાતાવરણમાં પણ સેટ થઈ જાય છે. આફ્રિકન ગ્રે જ્યાં જન્મે છે તે આફ્રિકાનો જંગલ વિસ્તાર છે. જંગલમાં મિશ્ર ઋતુ રહેતી હોવાથી વિપરીત વાતાવરણમાં પણ આફ્રિકન ગ્રે જીવન વિતાવે છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને ખેતી સાથે સંકળાયેલા હેમલભાઈ પટેલે જણાવ્યું હતું કે તે પક્ષી પાળવાનો શોખ રાખે છે અને તેમણે પણ આફ્રિકન ગ્રે પાળ્યો પણ છે. હાલ આફ્રીકન ગ્રે પોપટની ઉંમર 14 વર્ષની છે. હેમલભાઇ પટેલ તેની સગા પુત્રની જેમ કાળજી રાખે છે.

થાઇલેન્ડ અને વિયેતનામમાં થતા ડ્રેગન ફ્રૂટની સુરત જિલ્લાના ખેડૂતો પણ ખેતી કરે છે : જયેશ વશી
ઓલપાડનાં માધર ગામનાં ખેડૂત જયેશ વશી બે વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે. તેમણે જણાવ્યું હતું કે, આબોહવામાં ફેરફાર હોવા છતા કેટલાંક ફ્રુટ એવા છે જે આપણા વાતાવરણમાં પણ ઉગી નીકળે છે. વિયેતનામ અને થાઈલેન્ડમાં થતા ડ્રેગન ફ્રુટનું ઓલપાડ તાલુકાના માધર ગામના ખેડૂત જયેશ વશી વાવેતર કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી સુરત જીલ્લાનાં ખેડુતો ડ્રેગન ફ્રુટનું બિયારણ કે વેલા લાવીને ખેતી કરે છે. થાઈલેન્ડ, વિયેતનામમાં વરસાદ અને શિયાળામાં ડ્રેગન ફ્રુટ ઉગાડવામાં આવે છે. આપણે ત્યાં જૂનથી ઓક્ટોબરમાં ઓલપાડના ખેડૂત તેની ખેતી કરે છે. ઉનાળામાં પણ ડ્રેગન ફ્રુટ ઉગાડવામાં આવે છે પણ પાણી ભરપૂર માત્રામાં આપવું પડે છે.

Most Popular

To Top